Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

કૃષિમંત્રી નાફેડ સામે આક્ષેપ કરે છે પરંતુ તેમની પાસે પૂરતો અભ્યાસ નથીઃ નાફેડને માત્ર મગફળી ખરીદવાનું કામ સોંપવામાં આવ્યુ હતું: વાઘજીભાઇ બોડાના સરકાર ઉપર પ્રહારો

રાજકોટઃ મગફળી કૌભાંડ મામલે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે નાફેડના ચેરમેન વાઘજી બોડાએ કૃષિમંત્રી અને સરકાર સામે આક્ષેપ કર્યા છે. ટંકારા તાલુકા કોંગ્રેસની કારોબારી સમિતિની બેઠકમાં વાઘજી બોડાએ સરકાર પર પ્રહાર કર્યા હતા.
આ દરમિયાન તેમણે જણાવ્યુ કે, કૃષિમંત્રી નાફેડ સામે આક્ષેપ કરે છે પરંતુ તેમની સાથે અભ્યાસ નથી. નાફેડને માત્ર મગફળી ખરીદવાનુ કામ સોંપવામાં આવ્યુ હતું. સરકાર દ્વારા આ મામલે તપાસ કરાવવી જોઈએ. સરકારે નાફેડ પર પણ કેસ કરવો જોઇએ. ગુજકોમાસોલના ચેરમેન અને મુખ્યમંત્રી વચ્ચે મનમેળ ન હોવાના કારણે ફડચામાં ગયેલી મંડળીઓને ખરીદીનું કામ સોંપાયુ હતુ.
ગુજરાત કોટન ફેડરેશનને મગફળીની 80 ટકા ખરીદી સોંપવામાં આવી હતી. તેમણે જણાવ્યુ કે, પોરબંદર, કુતિયાણા, ગોંડલ, જામનગરની મંડળીમાંથી ખરીદીમાં ભ્રષ્ટાચાર થયેલ છે. ત્યારબાદ તેમણે સરકાર પર પ્રહાર કરતા કહ્યુ કે, સરકાર છેલ્લા 30 વર્ષથી આક્ષેપ કરે છે. સરકારે મારા વિસ્તાર મોરબી-ટંકારામાંથી કાંકરી શોધી આપો તો જાહેર જીવન છોડી દઈશ.
નાફેડના ચેરમેનના સરકાર પર આક્ષેપ
નાફેડના ચેરમેનના સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે, સરકાર અને મંત્રીઓને ખબર નથી પડતી, તેઓ આડેધડ વાતો કરે છે. આ મામલે મારે કઈ પણ કહેવાની જરૂર નથી. પરંતુ ખેતીવાડી મંત્રીએ કહ્યુ હતુ કે, આ મામલે નાફેડની જવાબદારી છે.
ખેતીવાડી મંત્રીના નિવેદન બાદ મને સ્પષ્ટતા કરવી છે કે, આ કેસમાં નાફેડ જવાબદાર હોય તો સરકારે નાફેડ પર કાર્યવાહી કરવી જોઈએ. જો લોકો જવાબદાર હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવે. આ મામલે અમે તપાસની માગ કરી છે. જે જવાબદાર લોકો હોય તેની તપાસ કરવી જોઈએ.
આ મામલે સરકારે ખોટુ કર્યુ છે. નાફેડની ખરીદીનો નિયમ હોય છે કે, કેન્દ્ર સરકારે ટેકાના ભાવે કોઈ રકમ નક્કી કરીને નાફેડને જવાબદારી સોંપી છે. અને નાફેડનુ કામ માત્ર સર્વિસ ચાર્જ લેવાનુ છે, અને નાફેડનુ બીજુ કોઈ પણ કામ નથી.  

(6:35 pm IST)