Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

બારોટઃ હાથમાં બ્રહ્માજી, લલાટે શિવજી અને જીભે સરસ્વતી દેવી

હિન્દુ પરિવારોની હજારો વર્ષોની વંશાવલી-પરંપરા સાચવતા સમુદાય વિશે જાણો : અટક અને પેટા અટકના ગૌત્ર એક જ હોય છે : એક ગોત્રમાં લગ્ન ન કરાય : એક ગોત્રના લગ્નથી સંતાન નિર્માલ્ય પેદા થઇ શકે છે

રાજકોટ તા. ૮ :.. સનાતન સંસ્કૃત વિશિષ્ટ છે. આપણી પરંપરાગત વ્યવસ્થા અદ્ભુત હતી અને છે. સનાતની એટલે કે હિન્દુ સમાજની કોઇપણ જ્ઞાતિની દરેક વ્યકિતને તેનો ખુદનો હજારો વર્ષોનો લેખિત  સ્વરૂપે ઇતિહાસ મળી શકે છે. દરેક સમાજની દરેક અટકોના ઇતિહાસને વંશાવલીને સાચવવાનું અને અપડેટ કરવાનું કાર્ય બારોટ સમુદાય કરે છે. આ મહાકાર્ય કરનાર બારોટ સમુદાય અંગે જાણકારી મેળવીએ.

લોહાણા સમાજના બારોટજી નિકુલભાઇની મુલાકાત સુરેન્દ્રનગર ખાતે તેમના નિવાસે 'અકિલા' એ કરી હતી. બારોટ સમુદાય અંગે નિકુલભાઇએ જણાવ્યું હતું કે, દરેક વંશની વંશાવલી સાચવવાનું કાર્ય બારોટોને બ્રહ્માજીએ સોંપ્યું હતું. સત્તયુગમાં બારોટ ઋષિપુત્રો કે દેવીપુત્રો તરીકે ઓળખાતા હતાં. વંશાવલીની રચના અને ગોત્ર પ્રાપ્તિનો ધર્મ બ્રહ્માજીએ અર્પણ કર્યો હતો.

નિકુલભાઇ કહે છે કે, બ્રહ્માજીના ૧૩ પુત્રો હિન્દુ સમાજના  ગોત્ર તરીકે સ્થાપિત થયા હતા. દરેક હિન્દુ વ્યકિતનું મૂળ ગોત્રમાં નીકળે છે આ અંગેની ઓર્થેન્ટિક માહિતી જે તે જ્ઞાતિના બારોટ પાસે હોય છે.

આ ઉપરાંત બારોટના ચોપડે  જે તે પરિવારના કુળદેવી-કરદેવી-કુળદેવ-સુરાપુરા-વેદ-પ્રવર-શાખા વગેરેની પણ સચોટ માહિતી લેખિત સ્વરૂપે હોય છે બારોટના ચોપડે હાલના નામથી માંડીને તેના વંશની ઉત્પતિ સુધીની માહિતી મળે છે. નિકુલભાઇ કહે છે કે, ૩૦૦ પેઢી એટલે કે દશ હજાર વર્ષ સુધીની માહિતી પણ પ્રાપ્ત થઇ શકે છ.ે

નિકુલભાઇ જેવા સંનિષ્ઠ બારોટ તો વંશાવલીમાં દર્શાવાયેલી ખાંભીઓ અંગે પણ સંશોધનો કરીને વર્ષો પૂર્વે લખાયેલી માહિતીનો વર્તમાનમાં તાળો મેળવે છે.

તેઓ કહે છે કે, ઇતિહાસને સાચવવા ઉપરાંત તેને જીવતો રાખીને સતત અપડેટ કરવાનું કાર્ય બારોટ સમુદાયનું છે. બારોટના હાથમાં બ્રહ્માજી, લલાટે શિવજી અને વાણીમાં સરસ્વતી દેવીનો વાસ હોય છે શાસ્ત્રો પ્રમાણે બારોટના દર્શન કરવાના હોય  છે.

બારોટના ચોપડે લખાતી લિપિ પણ વિશષ્ટ પ્રકારની હોય છે. નિકુલભાઇએ જણાવ્યું હતું કે, આ લિપિને બોરડી લિપિ કહેવાય, જે સંસ્કૃત - હિન્દી અને ગુજરાતી ભાષાના મિશ્રણથી બનેલી હોય છે. આ માહિતી હિન્દુ પરિવારોને પોતાના મુળ માર્ગ તરફ વાળે છે. ઘણાં પરિવારો ધાર્મિક રીતે અંધશ્રધ્ધાના કે અન્ય માર્ગે વળી જઇને પોતાની કૂળ પરંપરા ચુકી જાય છે આવા પરિવારોને પાખંડીઓની ચુંગાલમાંથી મુકત કરીને તેમના કુળદેવીની મુળ પરંપરા તરફ વાળવાનું કાર્ય બારોટનું છે.

સનાતન પરંપરાની આ અદ્ભુત વ્યવસ્થાને ઘણાં બારોટે નિષ્ઠાપૂર્વક જાળવી છે. આવા બારોટ સમુદાયને જ્ઞાતિ-સમાજે માન-પાન આપીને સન્માનિત કરવા જોઇએ. 

(4:09 pm IST)