Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

કાલથી રાજકોટમાં ૩૫૦૦થી વધુ કલાસીસમાં પ્રત્યક્ષ શિક્ષણ

ટ્યુશનમાં શિક્ષણની છૂટ શાળામાં નહિં? નીટ સહિતની પરીક્ષાની તૈયારી કરાવતી શાળાઓમાં કોરોના પ્રોટોકોલ હેઠળ ચાલુ કરાવવા પ્રચંડ માંગ * ધો.૯ થી ઉપરના તમામ વર્ગોમાં ૫૦% ક્ષમતા સાથે શરૂ કરવા સરકારની મંજૂરી

રાજકોટ, તા. ૯ : કોરોના મહામારીમાં છેલ્લા ૧૫ મહિનાથી વધુ સમય સુધી બંધ રહેલા કોચીંગ કલાસ ફરી શરૂ થવા જઈ રહ્યા છે. ગુજરાત સરકારે ગઈકાલે ધો.૯ થી ઉપલા વર્ગોના ચાલતા ટ્યુશન કલાસીસને ૫૦% છાત્રોની ક્ષમતાથી શરૂ કરવા છૂટ આપતા ઓનલાઈન શિક્ષણથી કંટાળેલા છાત્રો અને ટ્યુશન કલાસીસ સંચાલકોમાં ભારે ઉત્સાહ જાગ્યો છે.

ગુજરાત સરકારે ધો. ૯ થી ઉપલા વર્ગ અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના રાજકોટના નાના - મોટા ઘર - દુકાન અને કોમ્પલેક્ષમાં ચાલતા અંદાજી ૩૫૦૦થી વધુ ટ્યુશન કલાસીસને છૂટ આપતા ભારે હલચલ જોવા મળી રહી છે. ટ્યુશન કલાસીસના એક એસોસીએશન- હોદ્દેદારો તો આજે જીલ્લા કલેકટરશ્રીનો આભાર માનવા દોડી ગયા છે.કોરોના કાળમાં ગત માર્ચ ૨૦૨૦થી શાળાઓની સાથે ટ્યુશન કલાસીસ બંધ છે. ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે. સરકારની અસ્પષ્ટ સુચનાથી શાળાઓમાં ફી પ્રશ્ને સંચાલકો અને વાલી વર્ગ સામસામે આવી ગયો છે. વાલીઓ સ્પષ્ટ કહે છે કે ઓનલાઈન શિક્ષણ ચાલુ તો ઓફલાઈન શિક્ષણની જેમ અન્યની પ્રવૃતિઓની ફી ન લેવી જોઈએ. ૨૫% ફી રાહત પણ આપતા ભારે વિરોધ થઈ રહ્યો છે.શિક્ષણની પ્રવૃતિ કરતી ટ્યુશન કલાસીસ અને શાળાઓમાંથી માત્ર ટ્યુશન કલાસીસને જ મંજૂરી આપતા ખાનગી શાળાઓના સંચાલકો લાલઘુમ થયા છે. રાજય સરકારમાં રજૂઆત કરીને તુરત શાળા શરૂ કરવા માંગણી કરશે.

કોરોના મહામારી વચ્ચે શાળાઓમાં હાલ ઓનલાઈન વર્ગોની સાથે ફીના મુદ્દે કકળાટ ચાલી રહ્યો છે. બીજી બાજુએ કોચીંગ અને ટ્યુશન કલાસીસ બંધ હોય વિદ્યાર્થી, શિક્ષકો, કલાસીસ સંચાલકોની ચિંતા વધી ગઈ હતી. જેમાં હવે ધો.૯ થી ઉપલા વર્ગોમાં ૫૦% વિદ્યાર્થી ક્ષમતા સાથે કોચીંગ અને ટ્યુશન કલાસીસ શરૂ કરવા માટે લીલીઝંડી આપવામાં આવી હોય શિક્ષણ જગતમાં હલચલ જોવા મળી હતી. રાજય સરકારના આ નિર્ણયને પગલે રાજકોટમાં ઠેરઠેર ચાલતા ૩૫૦૦થી વધુ કોચીંગ અને ટ્યુશન કલાસીસ ફરીવાર શરૂ થશે.

(3:58 pm IST)