Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

સમસ્ત કોળી સમાજના નામે મુખ્યમંત્રી બનાવવાની હોડમાં ચૂંવાળીયા કોળી સમાજ સાથે નથી : ભાણવડની મીટીંગમાં સૂર

સમસ્ત સમાજના નામે ચૂંવાળીયા કોળી સમાજ હવે છેતરાશે નહીઃ આગામી સમયમાં દરેક જીલ્લામાં મીટીંગ

રાજકોટ તા. ૯ : ભાણવડ ખાતે ગુજરાત ચૂંવાળીયા કોળી સમાજ ગુજરાતના પાંચ જીલ્લા-રાજકોટ, જામનગર, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકાના આગેવાનોની મિટીંગ મળેલી હતી. ચુંવાળીયા કોળી સમાજ ગુજરાત સમસ્ત કોળી સમાજમાં ગુજરાતની વસ્તીના ૧૧% વસ્તી ધરાવતો મોટો સમાજ હોવા છતા બીજા સમાજની હરોળમાં રાજકીય રીતે અન્યાય થઇ રહ્યાનો ધૂંધવાટ આ મીટીંગમાં વ્યકત થયો હતો.

તાજેતરમાં સમસ્ત કોળી સમાજને નામે મુખ્યમંત્રીની હોડમાં સમસ્ત કોળી સમાજને જોડીને અમુક પરીબળો લાભ લેવા માગતા હોવાથી ભાણવડ ખાતેની આ મીટીંગમા ચૂંવાળીયા કોળી સમાજના આગેવાનોએ આક્રોશ વ્યકત કરેલ હતો. આવા પરીબળો દ્વારા સમસ્ત કોળી સમાજને નામે આવા તાયફા કરીને, લોકસભા, ધારાસભા, તા.પં. અને બોર્ડ-નિગમમાં કે સરકારી હોદ્દા સહિતના લાભ સમસ્ત કોળી સમાજના નામે લેવામાં આવેલ છે.

સમસ્ત કોળી સમાજ તથા અખીલ ભારતીય કોળી સમાજના નામે સંગઠન અને મેળાવડા કરીને સમસ્ત કોળી સમાજના નામે-ટકાવારીના ધોરણે પ્રતિનિધિત્વ આપવામાં આવતું ન હોવાથી તથા સમસ્ત સમાજના નામે જે નિર્ણય લેવામાં આવે છે  તેમાં ચૂંવાળીયા કોળી સમાજ ગુજરાત-સમસ્ત કોળી સમાજ સાથે નથી તેવો સૂર ભાણવડ ખાતે મિટીંગમાં ચૂંવાળીયા કોળી સમાજના આગેવાનોએ પુરાવેલ હતો.

ચૂંવાળીયા કોળી સમાજને વસ્તીના ધોરણે પ્રતિનિધિત્વ સમાવવા આગામી સમયમાં સૌરાષ્ટ્રના દરેક જીલ્લામાં આવી મીટીંગો કરવામાં આવશે.

ભાણવડ ખાતે મળેલ મિટીંગમાં પાંચ જીલ્લાના ચૂંવાળીયા કોળી સમાજ ગુજરાતના હાજર રહેલ પ્રતિનિધિઓ વિરજીભાઇ સનુરા, છોટુભાઇ પરસોડા, નટુભાઇ કુંવરીયા, પરસોતમભાઇ લીંબડ, બાબુભાઇ ચૌહાણ, દુદાભાઇ બારૈયા, મોહનભાઇ સોલંકી, નરશીભાઇ રોળીયા, કાળુભાઇ પરમાર, વનરાજભાઇ પારેજીયા, રવીભાઇ શિહોરા, અશ્વિનભાઇ ઝંઝવાડીયા, જયંતિભાઇ સુરેલા, હિતેશભાઇ ઠાકોર, રસીકભાઇ તંબોલીયા, રાકેશભાઇ પરમાર, મનસુખભાઇ ગુજરાતી, કેશુભાઇ ગુજરાતી, ભગાભાઇ ભીલોરા,  દલુભાઇ કુંવરીયા, રાણાભાઇ સરવૈયા, મનીષભાઇ મગનભાઇ, જીતુભાઇ વઢરૂકીયા, ભુપતભાઇ બાહુકીયા, જગદીશભાઇ વિરમગામા, યોગેશભાઇ રૂદ્રાતલા તથા ચૂંવાળીયા કોળી સમાજના ભાઇઓ તથા બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા, તેમ ગુજરાત ચૂંવાળીયા કોળી સમાજના પ્રમુખ વિરજીભાઇ સનુરા તથા મહામંત્રી છોટુભાઇ આર. પરસોંડાની યાદીમાં જણાવાયું છે.

(3:58 pm IST)