Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

સપ્ત સંગીતિ ૨૦૨૧: ડો. નબનિતા ચૌધરીના કંઠય સંગીતનો રવિવારે પ્રિમીયમ શો

સપ્ત સંગીતિ પરીવાર વતી પદ્મભૂષણ સ્વ. પંડિત રાજન મિશ્રાજીને શ્રધ્ધાંજલી આપશે તેમના શિષ્યા : તબલાવાદક પંડિત મિથિલેસ ઝા અને સાથે સંગત કરશે હાર્મોનીયમ વાદક સુમિત મિશ્રાઃ રાત્રે ૯ વાગ્યાથી વર્ચ્યુઅલ કોન્સર્ટ

રાજકોટઃ 'સપ્ત સંગીતિ ૨૦૨૧ કલાસિકલ મ્યુઝિક વર્ચ્યૂઅલ્ કોન્સર્ટ સીરિઝ' નો ત્રીજો પ્રિમિયમ શો ભારતીય શાસ્ત્રીય સંગીતના એક ખુબ જ ખ્યાતનામ કલાકાર પદ્મભૂષણ સ્વ.પં.રાજન મિશ્રાજી, જેમનું તાજેતરમાં અવસાન થયું છે, તેમને શ્રદ્ધાંજલી રુપે આ કાર્યક્રમ અર્પણ કરવામાં આવશે. આ વર્ચ્યૂઅલ્ કોન્સર્ટમાં પંડિતાજીના શિષ્યા અને જાણીતા યુવા સ્વરકારા ડો. નબનિતા ચૌધરી કંઠય સંગીતથી તેમના ગુરુને અંજલી અર્પણ કરશે.

અત્રે એ ઉલેખનીય છે કે પદ્મભૂષણ સ્વ.પં.રાજન મિશ્રાજી અને પં. સાજન મિશ્રાજી દ્વારા વર્ષ ૨૦૧૯ માં સપ્ત સંગીતિ દ્વારા યોજાયેલ કોન્સર્ટમાં તેમના કંઠય સંગીતના જાદુથી રાજકોટવાસીઓને અલૌકીક અનુભૂતિ કરાવી હતી. આ યાદગાર પ્રસંગની ઝલકો પણ આ વર્ચ્યૂઅલ્ કોન્સર્ટ દરમિયાન પ્રસ્તુત કરવામાં આવનાર છે. ઉપરાંત પં.સાજન મિશ્રાજી દ્વારા સપ્ત સંગીતિ અને તેમના દર્શકોને ઉદેશીને એક મેસેજ પણ મોકલવામાં આવ્યો છે, તે પણ પ્રસ્તુત કરાશે.

તા. ૧૧ જુલાઈ રવિવારના રોજ રાત્રે ૯ કલાકે ડો. નબનિતા ચૌધરીનો પ્રિમિયર શો સપ્ત સંગીતિના ફેસબુક, યુટયુબ અને ઇન્સ્ટાગ્રામ પર યોજાશે.

 ડો. નબનિતા ચૌધરીનો ટુંકો પરિચય મેળવીએ તો, તેણી એ ખુબ નાની વયમાં સંગીત શીખવની શરુઆત તેની માતા પાસે કરેલી. ત્યારબાદ તેમણે જાણીતા સંગીત તજજ્ઞ પદ્મભૂષણ સ્વ. પં રાજન અને સાજન મિશ્રાજી, પદ્મભૂષણ વિદૂષી સ્વ. શોભા ગુરતુજી, અને પં. દીપક ચેટર્જી પાસે સંગીતની તાલીમ મેળવી. તેણીએ સ્નાાતક અને અનુસ્નાાતક અભ્યાસમાં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ. તેણીએ સંગીતમાં પી.એચ.ડી (ડોકટરેટ)ની પદવી મેળવી છે. તેણીના શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે ખેડાણ બદલ રાષ્ટ્રીય કક્ષાના ઘણા એવોર્ડ પ્રાપ્ત થયા છે અને તેઓ નિયમિતપણે ઓલ ઇન્ડીયા રેડીયો, દૂરદર્શન, આઇ.સી.સી.આર અને SPICMACAY ખાતે પોતાના કાર્યક્રમો રજૂ કરે છે.

 તેણીની પ્રારંભીક તાલીમ ખયાલ અને ઠુમરી-દાદરામાં થયેલ હોવા છતા, તેમની બહુમુખી પ્રતિભાથી તેઓ શાસ્ત્રીય સંગીતના હળવી શૈલીના સુફી, ગઝલ, કજરી, ચૈતી, અને ભજન ગાયકી પણ બખુબી રજૂ કરી જાણે છે. ડો. નબનિતાએ તેની પસંદના રબિન્દ્ર સંગીત (હીન્દી અને બંગાલી), નઝરુલ ગીતિ અને લોક સંગીતમાં પણ નોંધપાત્ર રજૂઆતો કરી છે. સંગીત ક્ષેત્રે નવી ઉગતી પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા તે દુનિયાભરમાંથી આવતા યુવા સંગીતકારોને તાલીમ પણ આપે છે. તેઓ 'સંગીત સંધ્યા' નામના એક આર્ટીસ્ટ ફોરમના સહપ્રસ્થાપક છે, જેમાં છેલ્લા ૨૦ વર્ષ દરમિયાન શાસ્ત્રીય સંગીતના ૨૦૦ થી વધારે કલાકારોના કાર્યક્રમો યોજાઇ ચુકયા છે. તેણી તેમના પતિ સાથે મહેફીલ સ્ટાઇલમાં 'બેઠક' કાર્યક્રમોના અયોજન કરે છે, જેમાં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતને પ્રોત્સાહન આપવા અને પરંપરાને જીવંત રાખવા કલાકારોને તક આપે છે. તેઓ સંગીત ઉપરાંત અનેક સામાજીક પ્રવૃતિઓ સાથે પણ જોડાયેલા છે.

 સપ્ત સંગીતિના આ વર્ચ્યૂઅલ્ કોન્સર્ટમાં તેમની સાથે તબલા સંગત કરશે દેશના જાણીતા તબલાવાદક પં.મિથિલેશ ઝા કે જેઓ પં. બુલબલ મહારાજ અને ઉસ્તાદ અમજદઅલી ખાનના શાગીર્દ છે. તેમજ હાર્મોનિયમ પર સંગત કરશે  પં. સોહનલાલ મિશ્રાના પુત્ર અને શિષ્ય, શ્રી સુમિત મિશ્રા. તેઓ હાલમાં પં. રામનારાયણજી પાસે તાલીમ લઈ રહ્યા છે. તાનપુરા પર ડો.નબનિતાજીની શિષ્યાઓ શ્રીમતી ઇન્દ્રા સિંગ અને શ્રી ભૂમિકા યાદવ સંગત કરશે.

સપ્ત સંગીતિ ૨૦૨૧ મ્યુઝિકલ વર્ચ્યુઅલ કોન્સર્ટ સીરિઝનો લાભ દેશ-વિદેશના અનેક કલાપ્રેમીઓ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબના માધ્યમથી લઈ રહ્યા છે. આ વર્ચ્યૂઅલ્ કોન્સર્ટ સીરિઝમાં જુનથી ડિસેમ્બર ૨૦૨૧ સુધી દર મહિને દેશના ખ્યાતિપ્રાપ્ત બે કલાકારોના ગાયન-વાદનના કાર્યક્રમોના પ્રિમિયર શો પ્રસ્તુત કરવામાં આવનાર છે.

 આ સઘળા આયોજનમાં સપ્ત સંગીતિની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. હવે કાર્યક્રમનું સ્વરુપ વર્ચ્યૂઅલ્ હોવાથી ન ફકત શહેર, રાજય કે દેશના, પરંતુ સમગ્ર વિશ્વના કલાપ્રેમી લોકો આ કાર્યક્રમોને મનભરીને ઓનલાઇન માધ્યમોથી માણી રહ્યા છે.

  • નીઓ રાજકોટની ટીમ

નીઓ રાજકોટ ફાઉન્ડેશનના ડિરેકટર શ્રીઓ, શ્રી પરાક્રમસિંહ જાડેજા, શ્રી મુકેશભાઇ શેઠ, શ્રી અરવિંદભાઇ પટેલ, શ્રી દિપકભાઇ રીંડાણી, શ્રી વિક્રમભાઇ સંઘાણી ,

શ્રી હિરેનભાઇ સોઢા અને શ્રી અતુલભાઇ કાલરીયા

(3:57 pm IST)