Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

ટયુશન-મોલ-સિનેમા-ધાર્મિક સ્થળોની જેમ ધો. ૯ થી ૧રની શાળા શરૂ કરાવો : શાળા સંચાલક મહામંડળ

વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્યનો વિચાર કરવા શાળા શરૂ કરવા માંગ : ભરત ગાજીપરા

રાજકોટ, તા. ૯ : તાજેતરમાં સરકારશ્રીની કોર કમીટિની મળેલ મીટિંગમાં જે રીતે ટયુશન કલાસીસ અને ધાર્મિક સ્થળો સહીતના અનેક વાણીજ્ય વ્યવસાયોને કોવીડ ગાઇડલાઇન અનુસાર ખોલવાની મંજૂરી  આપવામાં આવી છે, તે અનુસાર ધોરણ ૯ થી ૧ર ની તમામ શાળાઓને પણ ફરી શરૂ કરવા મંજૂરી  આપવામાં આવે તે માટે ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ સરકારશ્રીને અનુરોધ કરે છે.   

આ અંગે ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરાએ  જણાવ્યું હતું કે જે રીતે કોરોનાની બીજી લહેર પહેલા શાળાઓ તબક્કાવાર ખોલવાની મંજૂરી અપાઈ  હતી  જે બાબતને ગુજરાતના તમામ સ્વનિર્ભર શાળા સંચાલકોએ પૂરતી તકેદારી સાથે એક પણ  બનાવ ન બને તેની કાળજી રાખીને શરૂ કરેલ તે રીતે જયારે હવે કોરોના કાબુમાં આવ્યો છે અને  સરકારશ્રી દ્વારા ટયુશન કલાસ અને અન્ય વાણીજય અને ધાર્મિક સંસ્થાઓને મંજૂરી આપી છે, તે રીતે  પ્રથમ તબક્કામાં સરકારશ્રીએે ધોરણ ૯ થી ૧ર ની શાળાઓને ફરી શરૂ કરવાની મંજૂરી આપવી જોઇએે  તેવી માંગણી છે. ટયુશન કલાસની સરખામણીએ શાળાઓના વર્ગખંડ, શાળાના મકાનો   સગવડતાઓ સ્વાભાવિક રીતે જ વઘારે હોય તેથી ટયુશન કલાસની સરખામણીએ કોવીડ  ગાઇડલાઇનનું પાલન વધારે સારી રીતે શાળાઓ કરી શકે છે. તે ઉપરાંત ધોરણ ૯ થી ૧ર ના વર્ષા  અભ્યાસ માટે પણ અગત્યના હોય, તેમનું લગભગ ૧.૫ વર્ષ જેટલુ પ્રત્યક્ષ શિક્ષણનું નુકશાન થયેલ છે, તો  સરકારશ્રી દ્વારા આ વિધાર્થીઓના શૈક્ષણિક ભવિષ્યનો વિચાર કરી અને વધુ વિલંબ ન કરવા અને  સત્વરે શાળાઓ શરૂ કરવા દેવા સમગ્ર ગુજરાતના શાળા સંચાલકો અનુરોધ કરે છે.   

આ માટે ગુજરાત મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરા, ઉપપ્રમુખ જતિનભાઇ  ભરાડ, સવજીભાઇ પટેલ, એમ. પી. ચંદ્રન, ઉત્પલભાઇ શાહ, મહામંત્રી શ્રી રાજેશભાઇ  નાકરાણી, મનહરભાઇ રાઠોડ, રાજકોટ જીલ્લાના પ્રમુખ  ડી. વી. મહેતા, ઉપપ્રમુખ   અવધેશભાઇ કાનગડ, ઉપપ્રમુખ ડો. ડી. કે. વડોદરીયા, મહામંત્રી  પરીમલભાઇ પરડવા, મહામંત્રી   પુષ્કરભાઇ રાવલ, સૌરાષ્ટ્ર ઝોન કન્વીનર જયદિપભાઈ જલુ અને મેહુલભાઈ પરડવા તથા  મહામંડળના સલાહકાર સમિતી, કોર કમિટી અને કારોબારી સમિતીના તમામ સભ્યો દ્વારા સરકારશ્રીને  અનુરોધ કરવામાં આવે છે.

(3:56 pm IST)