Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

રાજકોટમાં છેલ્લા ૬ માસમાં ર૬ ટકા ગુન્હા ઘટયા

ગુન્હેગારો કોરોનાથી ડર્યા અને પોલીસ પણ સતર્ક રહી : લૂંટ-ચોરીના ડીટેકશનમાં પોલીસને જબરી સફળતા : જુદી-જુદી ડીટેકશન ટીમોને બિરદાવતા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ

રાજકોટ, તા., ૯: મિલ્કત સંબંધી ગુન્હાઓ, હુમલા, સ્ત્રી સંબંધી ગુન્હાઓ અને બાળકોને અસર કરતા ગુન્હાઓમાં  છેલ્લા ૬ માસમાં સરેરાશ ર૬ ટકાનો ઘટાડો થયાનું શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે  પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.

અલગ-અલગ એપ્લીકેશનો, અટકાયતી પગલા, પેટ્રોલીંગ અને મોટા બનાવોમાં તાત્કાલીક કાર્યવાહીના કારણે છેલ્લા ૬ માસમાં ગુન્હાઓનું પ્રમાણ ઘટયાનું સરવૈયું પત્રકારો સમક્ષ રજુ કરવામાં આવ્યું હતું.  તારીખ ૩૦-૬-ર૦ર૧ની સ્થિતિએ ગત વર્ષની સરખામણીમાં ૧પ૦ ગુન્હાઓ ઘટયા છે. જેમાં મિલ્કત સબંધી અને શરીર સંબંધી ગુન્હાઓનો સમાવેશ છે. ઘરફોડ ચોરીમાં ૧૭ ગુન્હાઓ ઘટયા છેે. જયારે અન્ય ચોરીઓનો આંક ૩પ જેટલો ઘટયો છે. ૬ માસના ગાળામાં શહેરમાં નોંધાયેલા  તમામ ૧૧ લુંટના ગુન્હા  ડીટેકટ  પોલીસે કરી લીધા હતા. આ બાબતનો શ્રેય પોલીસને જાય છે.

ઇજાના ગુન્હામાં ૪૩ ટકાનો ઘટાડો નોંધાયો છે. વખતો વખત લેવાયેલા અટકાયતી પગલાના કારણે શરીર સબંધી ગુન્હા ઘટયાનું તારણ રજુ કરવામાં આવ્યું ેછ. અટકાયતી પગલામાં આશરે ૩૦૦ ટકાનો વધારો થયો છે.

પ્રોહીબીશન અને જુગાર એકટના ભંગ બદલ ચલાવવામાં આવેલા દરોડાના દોરને કારણે ૮૦ ટકા ગુન્હા શોધી શકાયા હતા. જીપીએકટ કલમ ૧૩પ મુજબ હથીયાર ભંગના ગુન્હા શોધવામાં ૭૦૦ ટકાનો વધારો  નોંધાયો છે. જેને લઇને આવારા, ટપોરીઓ ઉપર લગામ કસી શકાઇ હતી. મહાનગર પાલીકાની ચુંટણી તેમજ  શહેરમાં મોટા બનાવો ન બને તે માટે અટકાયતી પગલા માટે ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. જેમાં અટકાયતી પગલાનો ૩૦૦ ટકા વધારો નોંધાયો હતો. પ્રોહીબીશન એકટ સંબંધી ગુન્હાઓ શોધી કાઢવામાં ૧૦૦૦ ટકાનો વધારો નોંધાયો હતો. બાળકોને લગતા અપહરણ સહીતના ૨૦ ગુન્હાઓ ઓછા નોંધાયા હતા. બળાત્કાર સહીતના મહિલા સબંધી ૭ ગુન્હાઓ ગત ૬ માસની સરખામતીમાં ઘટયા હતા. સિનીયર સીટીઝનોની વારંવાર પોલીસ મુલાકાત લેતી હોવાથી તેમને સલામતી બક્ષી શકાઇ હતી. આ હેડ હેઠળ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. ચુસ્ત પેટ્રોલીંગના કારણે રાયોટીંગના ગુન્હાઓ પણ ઘટયાનો દાવો કરવામાં આવ્ય છે. લેન્ડ ગ્રેબીંગ, પાસા, ગુજસીટો હેઠળ ગુન્હાઓ દાખલ કરી ગુન્હેગારો સામે કડક પગલા લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત નંબર પ્લેટ વગરના વાહનો ડીટેઇન કરી વાહન ચાલકો સામે ગુન્હા નોંધવામાંઆવ્યા હતા.  ટ્રાફીક એકટના ભંગ સામે વખતો વખત ડ્રાઇવ ચલાવવાના કારણે અકસ્માતોનું પ્રમાણ પણ ઘટયું હતું.

ઘરફોડ ચોરીમાં પ૪ ટકા, અન્ય  ચોરીઓમાં ૪૦ ટકા, ઇજાના ગુન્હામાં ૪૩ ટકા, સ્ત્રી સંબંધી ૬૩ ટકા અને બાળકો સંબંધી ર૯ ટકા ગુન્હાઓ ઘટાડવામાં પોલીસને સફળતા સાંપડી હતી તેમ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે અંતમાં જણાવ્યું હતું.

(3:54 pm IST)