Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

રાજકોટની વધૂ ર૯ સોસાયટીને સૂચિતમાં સમાવવા કલેકટર દરખાસ્ત કરશે

શ્યામપાર્ક-ર અને ન્યુ ગોપવંદનાની દરખાસ્ત થઇઃ આજ સુધીમાં ૧૬૭ સુચિતને મંજૂરીઃ પણ રેગ્યુલાઇઝ માત્ર ૩૦% મિલકતો થઇ... : કુલ ર૭ હજાર મીલકતમાંથી ૮ હજાર લોકોએ નાણા ભર્યાઃ અનેક અડચણો હોવાનો મતઃ ખાલી પ્લોટ અંગે તો સરકારે જાહેરાત જ નથી કરી

રાજકોટ તા. ૯ :.. રાજય સરકારે રાજકોટ સહિત ૬ મહાનગરપાલિકા વિસ્તારની સુચિત સોસાયટીઓ અંગે ગઇકાલે કલેકટર સાથે મંત્રણા કરી હતી, રાજકોટ કલેકટરે ગઇકાલે શ્યામપાર્ક-ર અને ન્યુ ગોપવંદના સુચિત સોસાયટીની મીકલતોને રેગ્યુલાઇઝ કરવા અંગે દરખાસ્ત કરી છે, સરકારે ગઇકાલે રાજકોટની ૧૦ સુચિત સોસાયટીના કોમન ફાઇનલ પ્લોટ અંગે મહત્વનો નિર્ણય લઇ પોતાનો દાવો જતો કરી કુલ ૭ હજાર ચો. મી. જમીન ખાનગી ઠેરવવાનો નિર્ણય લીધો છે, આ જમીન-પ્લોટની કિંમત ૮ કરોડ થવા જાય છે.

દરમિયાન સોમવારથી રાજકોટમાં ફરી કલેકટર તંત્ર દ્વારા સૂચિત સોસાયટીની મીલકતો રેગ્યુલાઇઝ કરવા અંગે ઝૂંબેશ શરૂ થનાર છે, દરમિયાન વિશ્વસનીય સુત્રોમાંથી મળતી વિગતો મુજબ કલેકટર આગામી દિવસો-મહિનામાં રાજકોટની મારૂતિનગર, મહેનગર, શ્રમજીવી, વૈકુંઠધામ, વલ્લભનગર, શકિત અને ન્યુ. શકિત, રૂષિકેશ, પેરેમાઉન્ટ પાર્ક, શિવશકિત પાર્ક, જારિયા સોસાયટી, અમરનાથ પાર્ક, ચામુંડાનગર, વૃંદાવન, શ્રધ્ધાપાર્ક ૧, ર, ૩, ૪, રંગીલા પાર્ક, ન્યુ પારસ સોસાયટી તથા ટીપી ૧૧ ની ૭ સોસાયટીને મંજૂરી આપવા અંગે કલેકટર દરખાસ્ત કરે તેવી શકયતા ટોચના વર્તુર્ળોએ આજે દાખવી હતી, એટલૂ જ નહી ઉપરોકત તમામ સોસાયટીઓ અંગે ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પટેલ દ્વારા પણ સરકારમાં રજૂઆતો કરાઇ છે.

અત્રે એ નોંધનીય છે રાજકોટ કલેકટર તંત્ર દ્વારા કુલ ૧૮પ સોસાયટીને મંજૂરી આપવા સરકારમાં દરખાસ્ત ગઇ હતી, તેમાંથી સરકારે ૧૬૭ ને મંજૂરી આપી છે, આ ૧૬૭ ની કુલ ર૭ હજાર મીલકતો આવેલી છે, તેમાંથી ૩૦ ટકા લોકોએ જ નાણા ભર્યા છે, ટૂંકમાં ૮ હજાર જેવી રેગ્યુલાઇઝ થઇ છે, પરિણામે હવે સોમવારથી નવેસરથી ઝૂંબેશ શરૂ થશે, સતત ૪ થી પ વર્ષથી આ કામ ચાલે છે, પરંતુ ખાલી પ્લોટ, એવરેજ ૩ લાખ જેવી રકમ ભરવાની સહિતના અનેક અડચણો હોય લોકો પોતાની જમીન પ્લોટ, મકાન, ફલેટને રેગ્યુલાઇઝ કરાવતા નથી અને આ સૂચિતની યોજના સફળ થતી નથી.

(3:14 pm IST)