Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

૨૪ થી ૪૮ કલાકમાં ચોમાસુ સક્રિય : સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા. ૧૦ થી ૧૭ જુલાઈ સુધીની આગાહી

સૌરાષ્ટ્ર - ગુજરાતના ૭૫% વિસ્તારોમાં હળવો - મધ્યમ - ભારે અને એકલ-દોકલ વિસ્તારોમાં અતિ ભારે : બાકીના ૨૫% રીજનમાં હળવો - મધ્યમ - એકલ - દોકલ જગ્યાએ ભારે વરસશે : તા. ૧૮ થી ૨૨ દરમિયાન પણ વરસાદી માહોલ જળવાઈ રહેશે

રાજકોટ, તા. ૯ : સ્થગિત થઈ ગયેલુ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ૨૪ થી ૪૮ કલાકમાં સક્રિય થઈ રહ્યુ છે. તા. ૧૦ થી ૧૭ જુલાઈ સુધી વરસાદનો એક સાર્વત્રિક રાઉન્ડ આવી રહ્યાનું વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યુ છે.

તેઓએ જણાવેલ કે ગત ૧૯ જૂન બાદ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગળ વધ્યુ નથી. કારણ કે ટ્રફ હિમાલયની તળેટી તરફ હતો હવે ટ્રફનો પૂર્વ છેડો થોડો દક્ષિણ તરફ  સરકયો છે. આવતા બે દિવસમાં નોર્મલ થઈ જશે. તેમજ પશ્ચિમ છેડો પણ હાલ પંજાબમાં છે. જેથી એક-બે દિવસમાં પશ્ચિમ ઉત્તરપ્રદેશનો બાકીનો ભાગ, પંજાબ, હરિયાણા, રાજસ્થાનના થોડા વધુ ભાગોમાં તેમજ દિલ્હીમાં ચોમાસુ બેસી જશે. બંગાળની ખાડીના ભેજયુકત પવનો ભારત ઉપર ફૂંકાશે. એક સાયકલોનીક સરકયુલેશન ઓડીશા, પશ્ચિમ બંગાળ લાગુ બંગાળની ખાડી ઉપર ૪.૫ કિ.મી.ના લેવલનું છે. ૩.૧ કિ.મી.ના લેવલે એક ટ્રફ આ સાયકલોનીક સરકયુલેશનથી આંધ્ર અને ઓડીશા તરફ ૩.૧ કિ.મી.ના લેવલે છે. જે એક - બે દિવસમાં લો પ્રેશર મધ્ય પશ્ચિમ બંગાળની ખાડીમાં થશે.

૯ જુલાઈ સુધીમાં થયેલ વરસાદની ઘટ્ટ આ મુજબ છે. સૌરાષ્ટ્ર - કચ્છમાં સંયુકત રીતે ૫૪%ની ઘટ્ટ છે. માત્ર કચ્છમાં ૪૭% ઘટ્ટ છે. જયારે ગુજરાત રીજનમાં ૪૦% વરસાદની ઘટ્ટ છે.

ગત તા.૨ જુલાઈએ તા.૯ થી ૧૬ જુલાઈ સુધીનું આગોતરૂ એંધાણ આપેલુ કે વરસાદ માટે સાનુ કૂળ સંજોગો રહેશે તે મુજબ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા. ૧૦ થી ૧૭ જુલાઈ સુધીની આગાહી આપતા જણાવેલ છે કે વરસાદનો રાઉન્ડ ચાલુ થશે અને ક્રમશઃ માત્રામાં વધારો થતો જશે. સૌરાષ્ટ્ર અને ગુજરાત રીજનના ૭૫% વિસ્તારોમાં હળવો - મધ્યમ - ભારે અને વધુ ભારે અમુક દિવસે છૂટોછવાયો કયારેક સાર્વત્રિક અલગ અલગ વિસ્તારમાં જેમાં એકલ દોકલ વિસ્તારોમાં અતિ ભારે આગાહી સમયમાં કુલ વરસાદની માત્રા ૫૦ થી ૭૫ મી.મી. જેમાં અતિ ભારે વરસાદવાળા સેન્ટરોની માત્રા ૭૫ મી.મી.થી ૨૦૦ મી.મી. સુધી થઈ જશે.

બાકીના ૨૫% સૌરાષ્ટ્ર - ગુજરાત રીજનમાં હળવો - મધ્યમ વરસાદ અલગ અલગ જગ્યાએ એકલ - દોકલ જગ્યાએ ભારે, આગાહી સમયનો કુલ વરસાદ ૫૦ મી.મી. સુધી તેવી જ રીતે કચ્છમાં હળવો - મધ્યમ અમુક દિવસે અલગ અલગ વિસ્તારોમાં આગાહી સમયનો કુલ વરસાદ ૫૦ મી.મી. સુધી.

હાલના ફોરકાસ્ટ મોડલ મુજબ સૌરાષ્ટ્રના દરિયાકિનારાથી દક્ષિણે દરિયામાં વધુ માત્રામાં વરસાદ પડે તેવુ દર્શાવે છે. આવતા દિવસોમાં ટ્રફ / ધરીનો પશ્ચિમ છેડો દક્ષિણ તરફ સરકયાનું અનુમાન છે. કેટલી વધ-ઘટ છે તેના ઉપર આધાર છે.

આગોતરૂ એંધાણ

તા.૧૮ થી ૨૨ જુલાઇ દરમિયાન વરસાદી માહોલ જળવાઈ રહેશે.

(3:08 pm IST)