Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

રાજકોટમાં ૧૨મીએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા સવારે ૮ થી ૧૧ ફરશે : રૂટ પર કર્ફયુ

રથયાત્રામા સામેલ થનારા તમામને ૪૮ કલાક અગાઉ કરાવેલો આરટીપીસીઆરનો નેગેટિવ રિપોર્ટ આપવો પડશેઃ ટ્રક, હાથી, ભજન મંડળીઓ, બેન્ડ વગેરે જોડાઇ શકશે નહિઃ બે રથ અને ત્રણ વાહનો સાથે વધુમાં વધુ ૬૦ લોકો જોડાઇ શકશે : પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ડી. વી. બસીયાએ વિગતો આપીઃ રથયાત્રા સમિતીના આયોજકો-સંતો સાથે બેઠક યોજી કોરોના સંદર્ભે સુરક્ષીત રહી ઉજવણી કરવા અનેક સુચનો કરાયા : રથયાત્રામાં બે એસીપી, પાંચ પીઆઇ, ૧૬ પીએસઆઇ સહિત ૪૦૦ કર્મચારીઓનો બંદોબસ્ત : રૂટ વિસ્તારના વેપારીઓએ પોતાની દુકાનો ખોલવી નહીં: રૂટ વિસ્તારના રહેવાસીઓએ પોતાના ઘરની બહાર નીકળવું નહીં કે અન્ય લોકોને પોતાના ઘરે એકઠા કરવા નહીઃ રથયાત્રામાં જાહેર જનતા જોડાઇ શકશે નહિ

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા વિગતો આપતાં અને સાથે રથયાત્રા સમિતીના મહંતશ્રી અને આગેવાનો જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૯: આગામી ૧૨મી તારીખે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની ૧૪મી રથયાત્રા રાજકોટ શહેરમાં નીકળવાની છે. પરંતુ કોરોના મહામારીને કારણે આયોજકોએ અનેક નિયમો પાળવા પડશે. આ વખતે રથયાત્રા શહેરભરમાં નહિ ફરે પરંતુ નક્કી કરેલા રૂટ પર મર્યાદિત સમય માટે એટલે કે સવારે ૮ થી ૧૧ સુધી ફરશે. જેમાં વધુમાં વધુ ૬૦ લોકો જોડાઇ શકશે. આયોજકો અને રથયાત્રામાં સામેલ થનારા તમામે ૪૮ કલાક અગાઉ કરાવેલો આરટીપીસીઆર નેગેટિવ ટેસ્ટ સાથે હોવો જરૂરી રહેશે. જે રૂટ પર રથયાત્રા ફરશે એ રૂટ પર રથયાત્રા શરૂ થવાના બે કલાક અગાઉથી અને પુરી થયાના બે કલાક પછી સુધી કર્ફયુ અમલી રહેશે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે અનેક નિયમો નક્કી કરી તેની જાણ આયોજકોને કરી છે.

આજે પોલીસ કમિશનરશ્રી અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાએ રથયાત્રા સમિતીના આયોજકો-સંતો-આગેવાનો સાથે બેઠક યોજી હતી અને સુચનાઓ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કોરોના વાયરસ વધુ ફેલાતો અટકે અને જાહેર જનતા સ્વસ્થ અને સુરક્ષીત રહે તેવા શુભ હેતુથી સરકાર દ્વારા અષાઢી બીજ નીમીતે રાજકોટ શહેર વિસ્તારમાં રથયાત્રા કાઢવાની શરતોને આધીન મંજુરી આપવામા આવી છે.

રથયાત્રાના આયોજન પુર્વે ભગવાન જગન્નાથ મંદીરના મહંતશ્રી ત્યાગી મનમોહન દાસ (ગુરૂ રામકિશોર દાસજી) તથા મંદીરના અન્ય ટ્રટીઓ, સંચલાકો સાથે રાજકોટ શહેર પોલીસ અધિકારીશ્રીઓ સાથે મિટીંગમાં ભગવાનશ્રી જગન્નાથજીની રથયાત્રા ટૂંકામાં ટુંકો રૂટ નકકી કરાયો છે. તે મુજબ રથયાત્ર ના નકકી કરેલ માર્ગ ઉપર મહતમ પાંચ સંખ્યાના રથ/વાહનો સાથે નીકળવાનું રહેશે. પરંતુ અખાડા, ટ્રક, હાથી, ભજન મંડળી, બેન્ડ વિગેરે જોડાઇ શકશે નહિ. રથયાત્રા યાંત્રિક વાહનો ઉપર અથવા યાંત્રિક ખલાસીઓ દ્વારા ખેંચવામાં આવે છે.જેથી સ્થાનીક પીરીસ્થતી અને જરૂરીયાતને ધ્યાને રાખી રથયાત્રામાં ભાગ લેનાર ખલાસીઓની સંખ્યા ઓછામાં ઓછી રાખવાની છે. જેમાં કોઇ પણ સંજોગોમાં આ સંખ્યા ૬૦થી વધુ રાખવી નહીં.

ઉપરાંત રથયાત્રા/શોભાયાત્રામાં ભાગ લેનાર વાહન ચાલકો, ખલાસીઓ, મંદીર કે ટ્રસ્ટ ના હોદેદારો/સંચાલકો અને પુજાવીધીમાં ભાગ લેનાર તમામે રથયાત્રાના ૪૮ કલાક પહેલા કરાવેલ આર.ટી.પી.સી.આર. ટેસ્ટ નેગેટીવ હશે તેઓજ રથયાત્રા/શોભાયાત્રામાં સામેલ થઇ શકશે. સામેલ થનાર તમામે કોવીડ-૧૯ વેકસીનનો પ્રથમ ડોઝ લીધેલ હોવો જોઇશે. જોબંને ડોઝ લીધેલ હોય તો કોવીડ-૧૯ માર્ગદર્શીકાનું ચુસ્ત પણે પાલન કરવાનુ રહેશે.

રથયાત્રાના પ્રસ્થાન અગાઉ તથા પુરાગમન બાદ કરવામાં આવતી ધાર્મિક વિધિમાં, રાજ્ય સરકાર દ્વારા વખતોવખત નકકી કરવામાં આવેલ સંખ્યા કરતા વધારે લોકો એકત્ર ન થાય તે અંગે આયોજકોએ કાળજી રાખવાની રહેશે તેમજ રથયાત્રા દરમ્યાન રથયાત્રામાં સામેલ રથ વાહન વચ્ચે યોગ્ય અંતર જાળવાનુ રહેશે તેમજ કોવીડ-૧૯ ના સંક્રમણને ધ્યાને લેતા રથયાત્રા-શોભાયાત્રા દરમ્યાન માર્ગ ઉપર પ્રસાદ વિતરણ થઇ શકશે નહીં તેમજ રથયાત્રાના સમગ્ર રૂટ પર આગમન થી બે કલાક પહેલા અને આગમનના બે કલાક બાદ સુધી કરફ્યુ અમલમાં રહેશે. તમામે ફેસ કવર, માસ્ક અને શોશ્યલ ડીસ્ટીંગનુ ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે. આ તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવતાં મહંતશ્રી તથા અન્ય આગેવાનશ્રીઓએ તમામ માર્ગદર્શીકાનુ પાલન કરવા ખાતરી આપી છે.

રથયાત્રા સવારે ૮ વાગ્યે નાનામવા ખોડિયાર મંદિર કૈલાશધામ આશ્રમથી પ્રસ્થાન થઇ નક્કી કરેલા રૂટ પર ફરશે અને સવારે ૧૧ વાગ્યે પરત આશ્રમે પહોંચી જશે.રથયાત્રાના રૂટમાં સવારના ૮:૦૦થી કલાક ૧૧:૦૦ સુધી સમગ્ર રૂટમાં આવતા વિસ્તારમાં કરફ્યુ અમલમાં રહેશે. આ સમયગાળા દરમ્યાન રૂટ વિસ્તારના વેપારીઓએ પોતાની દુકાનો ખોલવી નહીં તેમજ રૂટ વિસ્તારના રહેવાસીઓએ પોતાના ઘરની બહાર નીકળવું નહીં કે અન્ય લોકોને પોતાના ઘરે એકઠા કરવા નહી તેમજ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જાહેર જનતાએ ભાગ લેવાનો રહેશે નહીં. જેનુ શહેરની જાહેર જનતાએ ચુસ્તપણે પાલન કરવા પોલીસ કમિશનરશ્રી અગ્રવાલે જણાવ્યું છે.

તેમજ પવિત્ર અષાઢી બીજના દિવસે લોકો દ્વારા ભગવાનના દર્શન અર્થે મંદિરોમા દર્શન માટે જતા હોય છે ત્યાં પણ કોરોનાની માર્ગદર્શિકા અને નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.  દર્શનની કતારમાં ઓછામા ઓછુ છ ફુટનુ અંતર જાળવવુ તથા સંચાલકોએ તેનુ પાલન કરાવવાનુ રહેશે. તેમ વધુમાં જણાવાયું છે.

શહેરભરમાં નહિ, માત્ર આ રૂટ પર નીકળશે રથયાત્રા

. રથયાત્રા સામાન્ય રીતે શહેરભરમાં ફરતી હતી. પરંતુ આ વખતે કોરોનાને કારણે રૂટ ટૂંકાવાયો છે અને સમય પણ મર્યાદીત ત્રણ કલાકનો નક્કી કરાયો છે. તે મુજબ રથયાત્રા સવારે ૮ વાગ્યે નાના મવા ગામ ખોડિયાર મંદિર કૈલાસધામથી નીકળી મોકાજી સર્કલ, વાછડા દાદાના મંદીર, વૃંદાવન સોસાયટી મેઇન રોડ, સયાજી હોટલ પહેલા રાજહંસ પર્ટપ્લોટ બોર્ડ મારેલી શેરીમાં જમણી તરફથી ટી.આર.પી. પાર્ટી પ્લોટ ચોકથી, દિપવન પાર્ક ચોકથી, સાયબાબા પાર્ક મેઇન રોડ થી નાનામવા રોડ તરફ સાગર મકાનથી શિવાગ્ના મકાનથી આગળ નાનામવા મેઇન રોડથી શાસ્ત્રીનગર ગેઇટ પાસેથી અલય ટવીન ટાવર થઇ ત્યાંથી એકયુરેટ મોટરથી ડાબી તરફ ગોવિંદ પાર્ક શેરી નં-૧ હરીદર્શન મકાન તરફથી ગોવિંદપાર્ક શેરી નં-૨થી ગોવિંદપાર્ક શેરી નં. ૩થી આગળ શ્રી ખોડિયાર મંદિર કૈલાશધામ આશ્રમ ખાતે પહોંચશે.

(3:08 pm IST)