Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

સત્કાર હોસ્પિટલના નર્સિંગ કર્મચારી જયેશે પૈસાની ખેંચ દૂર કરવા એટીએમ કાપવા પ્રયાસ કર્યો'તો

પાંચમી જુને ત્રિશુલ ચોક નજીકનું એસબીઆઇનું એટીએમ તોડવાના પ્રયાસમાં બે પકડાયા : ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલી મુળ વાસાવડ (સુત્રાપાડા)ના શખ્સ અને તેની મદદ માટે સાથે રહેલા સગીરને દબોચ્યાઃ આગલા દિવસે મધરાતે રેકી કર્યા બાદ બીજા દિવસે લોખંડની કોશ સાથે ત્રાટકયા હતાં : જે તે રાતે મુંબઇ ખાતે બેંકની બ્રાંચમાં જાણ થતાં પોલીસ પહોંચતા બંને ભાગી ગયા'તાઃ ફૂટેજને આધારે શોધી કઢાયા

પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી. એમ. ધાખડા અને ટીમના મયુરભાઇ, નગીનભાઇ તથા સિધ્ધરાજસિંહની બાતમી પરથી ડિટેકશન થયું: તસ્વીરમાં ઝડપાયેલો જયેશ ઝાલા, કબ્જે થયેલુ બાઇક તથા લોખંડની કોશ અને સીસીટીવીના દ્રશ્યો જોઇ શકાય છે

રાજકોટ તા. ૯: શહેરના ત્રિશુલો ચોક નજીક સહકાર રોડ પર નારાયણ સોસાયટીમાં આવેલા એસબીઆઇ બેંકના એટીએમને લોખંડની કોશથી તોડવાનો અને ચોરી કરવાનો પ્રયાસ ગત ૫ાંચમી જુનના રાતે થયો હતો. આ ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી નાંખી મુળ સુત્રાપાડાના હાલ રાજકોટ બસ સ્ટેશન પાછળ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે નોકરી કરતાં શખ્સને અને તેને મદદ કરનાર સગીરને પકડી લીધા છે. પૈસાની ખેંચી દુર કરવા તેણે આવો પ્રયાસ કર્યાનું રટણ કર્યુ હતું.

માલવીયાનગર પોલીસમાં એટીએમમાં ચોરીના પ્રયાસનો ગુનો દાખલ થયો હતો. આ ગુનાનો ભેદ ડીસીબીની ટીમે માહિતીને આધારે ઉકેલી નાંખી મુળ સુત્રાપાડા ગીરના વાસાવડ (પ્રાંચી) ગામના જયેશ વિઠ્ઠલભાઇ ઝાલા (ઉ.વ.૧૯) તથા તેની સાથે એક સગીરને પકડી લઇ રૂ. ૪૫ હજારનું બાઇક અને લોખંડની રૂ. ૩૦૦ની કોશ કબ્જે કરી છે. જયેશ મુળ વાસાવડનો વતની છે. હાલ રાજકોટ બસ સ્ટેશન પાછળ સત્કાર હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફમાં કામ કરી ત્યાંજ રહે છે.

પૈસાની ખેંચ ઉભી થઇ હોઇ જેથી જયેશે પોતાના ગામેથી અહિ રાજકોટ આવેલા સગીર મિત્ર સાથે મળી એટીએમ તોડવાનો પ્લાન ઘડ્યો હતો. તા. ૪ જુનના રાતે બે વાગ્યે બંને સહકાર રોડ પર પહોંચ્યા હતાં અને એટીએમમાં કઇ રીતે જવાય? એ સહિતની રેકી કરી હતી. બીજા દિવસે ૫મીએ રાતે લોખંડની કોશ સાથે અંદર ઘુસી એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો.

જો કે એટીએમ તોડવાનો પ્રયાસ થતાં જ તેમાં ફીટ કરેલી સિસ્ટમ મુજબ એસબીઆઇની મેઇન બ્રાંચના મુંબઇ ખાતેના મેનેજરને જાણ થતાં તેમણે રાજકોટ પોલીસને જાણ કરી હતી. એ સાથે જ પોલીસની ગાડી ત્યાં પહોંચી ગઇ હતી. પરંતુ ત્યારે બંને શખ્સ બાઇક પર ભાગી ગયા હતાં. સીસીટીવી ફૂટેજને આધારે ક્રાઇમ બ્રાંચે બંનેને શોધી કાઢ્યા છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા અને પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી. એમ. ધાખડા, હેડકોન્સ. મયુરભાઇ પટેલ, અમિતભાઇ અગ્રાવત, સિધ્ધરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. નગીનભાઇ ડાંગર, સંજયભાઇ રૂપાપરા, પ્રદિપસિંહ જાડેજા, સાયબર ક્રાઇમના મહેન્દ્રસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.

(3:05 pm IST)