Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

સંત ભોજલરામ સોસાયટીના કેતન દવેને રસોડામાં છુપાવેલો ૬૭૦ ગ્રામ ગાંજા સાથે ઝડપી લેવાયો

સીઆઇડી ક્રાઇમ રાજકોટ ટીમનો અઠવાડીયામાં ગાંજાનો બીજો કેસ કર્યો : ગાંજો, રોકડ, વજન કાંટો, મોબાઇલ ફોન મળી રૂ. ૧૪૨૦૦નો મુદ્દામાલ કબ્જે

રાજકોટ તા. ૯: સીઆઇડી ક્રાઇમ રાજકોટની ટીમે અઠવાડીયામાં ગાંજાના બે કેસ કર્યા છે. અગાઉ જુનાગઢની મહિલાને ગાંજા સાથે પકડી લેવાયા બાદ ગઇકાલે જંગલેશ્વર પાસે ગોવિંદનગર મેઇન રોડ સંત ભોજલરામ સોસાયટી-૪માં ભાડાના મકાનમાં રહેતાં શખ્સ કેતન હસમુખભાઇ દવેના ઘરમાં ગાંજો છે અને તે ગાંજાનો ધંધો કરે છે તેવી બાતમી મળતાં ત્યાં જઇ તપાસક રતાં રૂ. ૬૭૦૦નો ૬૭૦ ગ્રામ ગાંજો મળી આવતાં એનડીપીએસ એકટ હેઠળ ભકિતનગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવાયો હતો.

કેતન દવે પાસેથી ગાંજો ઉપરાંત વજન કાંટો, મોબાઇલ ફોન, રોકડા રૂ. ૬૫૦૦ મળી રૂ. ૧૪૨૦૦નો મુદમાલ કબ્જે કરાયો છે. સીઆઇડી ક્રાઇમ-ગાંધીનગરના ડીજીપીશ્રીની સુચના અને માર્ગદર્શન હેઠળ સીઆઇડી ક્રાઇમ રાજકોટ વિભાગના ડીવાયએસપી આર. એસ. પટેલની રાહબરીમાં ડિટેકટીવ પીઆઇ જે. જે. ચોૈહાણ સાંજે કચેરીએ હતાં ત્યારે બાતમી મળતાં તેઓ તથા સ્ટાફના પીઆઇ એમ. બી. શેરગીલ, પ્રદ્યુમનસિંહ પરમાર, સુભાષભાઇ ડાંગર,  રાજુભાઇ ખાચર, સુરેશભાઇ રાઠોડ, છગનભાઇ રાઠોડ, ડ્રાઇવર દિનેશભાઇ, હમીદભાઇ સહિતનો સ્ટાફ કેતનના ઘરે પહોંચ્યો હતો.

ઘરમાં પંચની હાજરીમાં તપાસ શરૂ કરવામાં આવતાં રસોડાના પ્લેટફોર્મ નીચે પ્લાસ્ટીકનો એક પારદર્શક ડબ્બો મળ્યો હતો. જેના ઉપર અંગ્રેજીમાં કેવીન ડેરી બૂમ લખેલુ સ્ટીકર હતું. આ ડબ્બો ખોલી જોતાં ઘેરા લીલા રંગના પાંદળા-ડાળખા અર્ધસુકાયેલા મળ્યા હતાં. જે સુંઘીને જોતાં પ્રાથમીક રીતે ગાંજો હોવાનું જણાયું હતું. એ પછી એફએસએલ અધિકારીને બોલાવી તપાસ કરાવતાં ગાંજો હોવાનું સ્પષ્ટ થતાં ગુનો દાખલ કરાવાયો હતો.

નોંધનીય છે કે ગત ૩/૭ના રોજ પણ રાજકોટ સીઆઇડી ક્રાઇમની ટીમે જુનાગઢના વંથલીની કુલસુમ ઇસ્માઇલ જુમાને તેના ઘરમાંથી પાંચ કિલો ગાંજા સાથે પકડી રૂ. ૧,૨૦,૦૦૦ રોકડા પણ કબ્જે લેવાયા હતાં.

ઝડપાયેલા કેતન વિરૂધ્ધ ભકિતનગર પોલીસમાં ગુનો દાખલ થયો હોઇ પીઆઇ જે. ડી. ઝાલાની રાહબરીમાં પીએસઆઇ આર. જે. કામલીયા અને ટીમે તેની વધુ પુછતાછ હાથ ધરી છે. તે લાદીકામની મજૂરી કરે છે. ગાંજો કયાંથી લાવ્યો? તે સહિતની પુછતાછ કરવાની હોઇ રિમાન્ડ મેળવવા તજવીજ થશે.

(1:02 pm IST)