Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

નાગેશ્વરમાં બે એટીએમ ગેસકટરથી કાપી ૧૫II લાખની ચોરી

સવારે ૪ વાગ્યે ૪ ચોરટ આવ્યાઃ બે જણાએ સીસીટીવી કેમેરા પર કાળો સ્પ્રે માર્યો...એ પછી નિરાંતે હાથફેરોઃ ચોકીદાર નહોતા : એકસીસ બેંકના એટીએમમાંથી ૧૨ લાખ અને સેન્ટ્રલ બેંકના એટીએમમાંથી ૩II લાખ ગયાઃ ફૂટેજ મેળવવા દોડધામઃ ગાંધીગ્રામ પોલીસે ફરિયાદ નોંધી : પહેલા સેન્ટ્રલ બેંકના એટીએમમાં ચોરી, એ પછી ત્યાંથી આશરે ૧૦૦ મીટર દૂર આવેલા એકસીસ બેંકના એટીએમને નિશાન બનાવ્યું : રાજકોટમાં એક એટીએમમાં ચોરીનો પ્રયાસ કરનાર ઝડપાયો, ત્યાં બીજી તરફ બે તૂટ્યા

જ્યાં ચોરી થઇ તે એકસીસ બેંક અને સેન્ટ્રલ બેંકના એટીએમ (જેને ગેસ કટરથી કાપી નાંખવામાં આવ્યા હતાં) જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૯: શહેરના જામનગર રોડ પર નાગેશ્વર સોસાયટી મેઇન રોડ પર વહેલી સવારે ચાર તસ્કરો અલગ અલગ બે બેંકના  એટીએમ ગેસ કટરથી કાપી એકમાંથી ૧૨ લાખ રોકડા અને બીજામાંથી ૩.૫૦ લાખ રોકડા મળી ૧૫ાા લાખની રોકડ ચોરી જતાં સનસનાટી મચી ગઇ છે. બે તસ્કર પીપીઇ કીટ પહેરીને અંદર ઘુસી સોૈ પહેલા એટીએમના સીસીટીવી કેમેરા પર કાળો સ્પ્રે મારી દે છે અને એ પછી બીજા બે તસ્કર ગેસ કટર સાથે ઘુસી જઇ એટીએમ કાપી ચોરી  ગયાનું સામે આવતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ નાગેશ્વર સોસાયટી નાગેશ્વર મંદિર નજીક આવેલા એકસીસ બેંકના એટીએમ અને સેન્ટ્રલ બેંકના એટીએમમાં ચોરી થયાની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને ટીમો તથા ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ દોડી ગયા હતાં. પોલીસે તપાસ કરતાં એકસીસ બેંકનું એટીએમ મશીન ગેસ કટરથી કાપી તેમાંથી રૂ. ૧૨ લાખની

રોકડ ચોરી જવામાં આવ્યાનું જણાયું હતું. ત્યાંથી આશરે ૧૦૦ મીટર દૂર આવેલા સેન્ટ્રલ બેંકના એટીએમમાંથી પણ ગેસ કટરથી મશીન કાપી રૂ. ૩,૫૦,૦૦૦ની રોકડ ચોરી જવામાં આવ્યાનું જણાતાં બંને બેંકના મેનેજર અને સિકયુરીટીની જવાબદારી સંભાળનારા અધિકારીઓને બોલાવી ફરિયાદ નોંધવા કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ચાર ચોરટાઓ સવારે ચારેક વાગ્યે આવ્યા હતાં. પહેલા સેન્ટ્રલ બેંકના એટીએમમાં બે શખ્સ પીપીઇ કીટ પહેરીને અંદર આવ્યા હતાં. આ બંનેએ એટીએમના સીસીટીવી કેમેરા પર કાળો સ્પ્રે મારી દીધો હતો. એ પછી બંને બહાર નીકળી ગયા હતાં અને બીજા બે શખ્સ ગેસ કટર સાથે આવી એટીએમ મશીન કાપી રોકડ ચોરી ગયા હતાં. આશરે બારથી તેર મિનીટમાં આ તસ્કરોએ એટીએમ કાપીને ચોરી કરી લીધી હતી.

એ પછી નજીકના એકસીસ બેંકના એટીએમમાં ઘુસી ત્યાં પણ ગેસ કટરથી એટીએમ કાપી નાંખ્યા હતાં. અહિથી ૧૨ લાખની રોકડનો લાભ થયો હતો. પોલીસે આસપાસના બીજા સીસીટીવી કેમેરા તપાસતાં સફેદ જેવી કારમાં ચાર ચોરટાઓ આવ્યાનું પ્રાથમિક રીતે જણાઇ આવ્યું છે. ફૂટેજને આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.

એસીપી પી. કે. દિયોરા, પીઆઇ કે. એ. વાળા, પીએસઆઇ જે. જી. રાણા, પીએસઆઇ એમ. બી. ગઢવી, પીએસઆઇ પી. એમ. અકવાડીયા,,હીરાભાઇ રબારી, ખોડુભા જાડેજા, ગોપાલભાઇ પાટીલ, વનરાજભાઇ લાવડીયા, દિવ્યરાજસિંહ જાડેજા, મહેશભાઇ કછોટ સહિતનો કાફલો પહોંચ્યો હતો અને તપાસ કરી હતી. ક્રાઇમ બ્રાંચની ટીમ પણ પહોંચી હતી.

નોંધનીય છે કે ચાર દિવસ પહેલા ત્રિશુલ ચોકમાં એટીએમમાં ચોરીનો પ્રયાસ થયો હતો. આ ગુનાનો ભેદ આજે જ ક્રાઇમ બ્રાંચે ઉકેલી એક યુવાન અને એક સગીરને પકડ્યા છે. ત્યાં બીજી તરફ બબ્બે એટીએમ તોડી લાખોની મત્તા ઉસેડી જઇ ચોરટાઓએ પોલીસને પડકાર ફેંકયો છે. (૧૪.૧૧)

જાણકાર ચોરઃ સાયરનના કેબલ પણ કાપી નાંખ્યા

. એટીએમમાં ચોરી કરવા ઘુસેલા તસ્કરો રીઢા, જાણકાર હોવાની શકયતા છે. તેણે સાયરનના કેબલો પણ કાપી નાંખ્યા હતાં.

રાજસ્થાનની મેવાતી ગેંગ ગેસ કટરથી ચોરી કરવાની આદત ધરાવે છેઃ રાજકોટ પોલીસે અગાઉ આવી ગેંગ પકડી હતી

.નોંધનીય છે કે એટીએમને ગેસ કટરથી કાપીને ચોરી કરવાની આદત રાજસ્થાનની મેવાતી ગેંગ ધરાવે છે. અગાઉ રાજકોટ પોલીસે આ રીતે ચોરીઓ કરતી ટોળકીને ઝડપી લીધી હતી. ભકિતનગર અને ગાંધીગ્રામ પોલીસે આવી ટોળકીને પકડી હતી. આજના ગુનામાં આ ટોળકી સામેલ છે કે પછી અન્ય કોઇ? તેની તપાસ થઇ રહી છે. (૧૪.૧૧)

બે જણા ગેસ કટર સાથે ઘુસે છે અને ૧૩ મિનીટમાં એટીએમ કાપી નાંખે છે

.ગેસ કટરથી એટીએમ કાપીને ચોરી અને ચોરીના પ્રયાસના બનાવ અગાઉ પણ રાજકોટ શહેરમાં બની ચુકયા છે. આજે નાગેશ્વર સોસાયટીમાં બનેલા ચોરીના બનાવમાં પણ એટીએમ કાપવામાં ગેસ કટરનો ઉપયોગ કરાયો છે. બે શખ્સ સવારે ચારેક વાગ્યે અંદર ઘુસી જાય છે અને લગભગ તેર મિનીટમાં કટરથી એટીએમ કાપી નાંખી બાર લાખની ચોરી કરી લે છે. એ પછી બાજુના બીજા એટીએમમાં પણ સફળતા પુર્વક એટીએમ કાપી સાડા ત્રણ લાખની ચોરી કરી લે છે. બંને એટીએમમાં ચોકીદાર ન હોઇ જેથી તસ્કરોએ નિરાંતે હાથફેરો કર્યો હતો. (૧૪.૧૦)

હવે પીપીઇ કીટનો ચોરીમાં પણ ઉપયોગ, બે ચોરટાઓએ પીપીઇ કીટ પહેરી હતી!

.જાણવા મળ્યા મુજબ કુલ ચાર ચોરટાઓ ગેસ કટર લઇને એટીએમ મશીન કાપવા આવ્યા હતાં. પહેલા બે ચોરટા પીપીઇ કીટ પહેરીને આવ્યા હતાં અને તેણે એટીએમના સીસીટીવી કેમેરા પર કાળો સ્પ્રે માર્યો હતો જેથી રેકોર્ડિંગ થઇ શકે નહિ. એ પછી બીજા બે ચોરટા આવ્યા હતાં અને તેણે ગેસ કટરથી મશીન કાપ્યું હતું. આ ચોરટાઓ અન્ય સીસીટીવી કેમેરામાં દેખાયા હોઇ તેના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.

(3:07 pm IST)