Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

જેને પ્રેમ કરતી'તી એ છોકરાએ લગ્નની ના પાડતાં બામણ ગામની યુવતિએ ઝેર પીધું

બંનેને મેટોડામાં સાથે કામ કરતી વખતે ઓળખ થઇ'તીઃ રાજકોટ ખસેડાઇ

રાજકોટ તા. ૯: કાલાવડના બામણ ગામે રહેતી અને મેટોડા જીઆઇડીસીમાં કારખાનામાં કામ કરતી કિંજલ બાબુભાઇ મકવાણા (ઉ.વ.૨૧)એ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ચોકીના સ્ટાફે કાલાવડ પોલીસને જાણ કરી હતી.

કિંજલ ચાર બહેનમાં મોટી છે. તેના પિતા બાબુભાઇ ખેત મજૂરી કરે છે. તેણે કહ્યું હતું કે કિંજલને ચરેલ ગામના યુવાન સાથે મેટોડા ખાતે તે આવતો જતો હોઇ તેના કારણે ઓળખાણ થઇ હતી અને બંને વચ્ચે પ્રેમ થયો હતો. કિંજલને તેની સાથે લગ્ન કરવા હોઇ જ્ઞાતિ એક હોવાથી અમે લગ્નની હા પણ પાડી હતી અને સામેથી જ છોકરાને ફોન કરી વડિલોને લઇને વાત કરવા આવવા કહ્યું હતું.

પરંતુ છોકરાના પરિવારજનોને આ લગ્ન પસંદ ન હોઇ જેથી છોકરાએ પણ પોતે પરિવાર વિરૂધ્ધ જઇને લગ્ન ન કરી શકે તેમ કહી દેતાં અમારી દિકરીને માઠુ લાગી જતાં તેણે આ પગલુ ભર્યુ છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(11:15 am IST)