Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

રાજકોટમાં કોરોના કહેરઃ કોર્પોરેશનમાં સંકલન જાળવવું જરૂરીઃ પદાધિકારીઓને મુખ્યમંત્રીનું તેડુ

જનરલ બોર્ડમાં શાસકો સામે થયેલા બેફામ આક્ષેપોઃ વ્યકિતગત જમીન દરખાસ્તમાં સર્જાયેલ આંતરીક ડખ્ખાઓઃ ચૂંટણી નજીક છે ત્યારે હવે પક્ષની બદનામી ન થાય તે જોવા ખાસ સુચનાઓ

રાજકોટ, તા., ૯: શહેરમાં કોરોનાની સ્થિતિ બેકાબુ બની રહી છે. એટલુ જ નહી મ્યુ. કોર્પોરેશનનાં જનરલ બોર્ડમાં પણ કોરોનાની બાબતોમાં તંત્ર ઉણુ ઉતરી રહયાના બેફામ આક્ષેપો વિપક્ષ કોંગ્રેસ દ્વારા થયા અને શાસકોમાં સંકલનનો અભાવ વગેરે બાબતોની ગાંધીનગરમાં ગંભીર નોંધ લેવાઇ છે.

કેમ કે આજે એકાએક મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મેયર, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન, મ્યુ. કમિશ્નર, શહેર ભાજપ પ્રમુખ અને પ્રદેશ અગ્રણી તેમજ સિનીયર કોર્પોરેટરને ગાંધીનગર તેડાવ્યા હતા.

જાણવા મળ્યા મુજબ તાજેતરમાં જ યોજાયેલ બે જનરલ બોર્ડમાં કોરોના સંક્રમણ બાબતે કોંગ્રેસે શાસકો ઉપર જબરી પસ્તાળ પાડી હતી.

છેલ્લા જનરલ બોર્ડમાં વિપક્ષનાં બિમાર સભ્ય સહીતનાં વિપક્ષી સભ્યો હાજર હોવા છતાં તેઓની ગેરહાજરી ગણવા બાબતે પણ  શાસકોની ભારે ટીકાઓ થઇ હતી.

આ ઉપરાંત ટી.પી. કમીટીમાં જમીન હેતુફેરની વ્યકિતગત દરખાસ્ત બાબતે પણ તંત્રની ભારે બદનામી થઇ હતી અને આંતરીક ડખ્ખાઓ-સંકલનનો અભાવ બહાર આવ્યો હતો.

ઉપરાંત હાલમાં શહેરમાં કોરોનાના કેસ બેકાબુ બની રહયા છે. ત્યારે પગલા લેવામાં તંત્ર ઉણુ ઉતરી રહયાનો લોક રોષ પણ જોવા મળી રહયો છે.

આમ ઉપરોકત તમામ બાબતોને મુખ્ય મંત્રીશ્રીએ ગંભીરતાપુર્વક લીધી છે કેમ કે કોર્પોરેશનની ચૂંટણીઓ નજીકમાં જ છે ત્યારે શાસકો પ્રત્યે લોકોની નારાજગી કોઇ કાળે પોસાય તેમ નથી માટે હવે મ્યુ. કોર્પોરેશનમાં સૌ સાથે મળી એક સુત્રતાથી સંકલન જાળવી અને પ્રજામાં ભાજપનું સ્થાન જાળવી રાખે તે અત્યંત જરૂરી છે.

આથી હવે ઉપરોકત તમામ બાબતોએ હવે પછીથી તમામ પદાધિકારીઓ-વિવિધ સમીતીના ચેરમેનશ્રીઓ, મ્યુ.કમિશ્નર સહીતનાં અધિકારીઓ સુચારૂ સંકલન રાખી શહેરની વિકાસ યાત્રાને આગળ વધારે તે બાબતે મુખ્યમંત્રીશ્રી પદાધિકારીઓ સાથે ઘનિષ્ઠ ચર્ચા કરનાર હોવાનું જાણવા મળ્યું છે.

(4:06 pm IST)