Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

જિલ્લા ભાજપનું જુથ બેન્કે ન ડોકાયુઃ આગમના એંધાણ ?: લોધીકા બેઠક માટે પણ ફોર્મ ઉપાડયું

રાજકોટ : આજે રાદડિયા પેનલના ફોર્મ ભરતા પૂર્વેની જિલ્લા બેંક ખાતે ભાજપ અને સહકારી ક્ષેત્રના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. જિલ્લા ભાજપના પ્રમુખ ડી. કે. સખિયા, ઉપરાંત અગ્રણીઓ પરસોતમ સાવલિયા, હરદેવસિંહ જાડેજા, ભાનુભાઇ મેતા, નીતિન ઢાંકેચા,  વગેરે ડોકાયા ન હતાં. રાજકોટ બેઠકમાં આ જુથે વિજય સખીયાને આશિર્વાદ આપ્યા બાદ અન્ય બેઠકો પર પણ રાદડીયા જુથ સામે ઉમેદવારો ઉભા કરવાનો પ્રયત્ન કર્યો છે. લોધીકામાંથી એક ક્ષત્રિય આગેવાનને લડાવવા માટે ફોર્મ ઉપાડયાનું જાણવા મળે છે.

આજે એક તરફ જિલ્લા બેન્ક ખાતે ભાજપ અને સહકારી ક્ષેત્રના આગેવાનોનો મેળાવડો હતો. રાદડીયાની પેનલને શુભેચ્છા આપવા મોહનભાઈ કુંડારિયા, અભય ભારદ્વાજ, અરવિંદ રૈયાણી, ગોવિંદભાઈ રાણપરિયા, ભરત બોઘરા, જયંતિભાઈ ઢોલ વગેરે ઉપસ્થિત રહેલ. બીજી તરફ તે જ સમયગાળામાં રા.લો. સંઘ ખાતે જિલ્લા ભાજપ જુથની સમાંતર બેઠક ચાલતી હતી. જેમાં રાદડિયા જુથને ભીડવવાની રણનીતિ નક્કી થતી હતી.

ટૂંક સમયમાં જ રાજકોટ-લોધિકા સંઘ, રાજકોટ ડેરી અને તાલુકા-જિલ્લા પંચાયતોની ચૂંટણી આવી રહી છે. સત્તાવાર રીતે સહકારી ક્ષેત્રની ચૂંટણી પાર્ટીના નિશાન વગર લડાતી હોય છે પરંતુ પાર્ટીની આંતરિક જુથબંધી આજે ઉભરી આવી છે. સહકારી ક્ષેત્રમાં ગમે ત્યારે અણધાર્યા સંઘર્ષ અને સમાધાન થઈ જતા હોય છે. જો કે આજની સ્થિતિ આગમના એંધાણ જેવી ગણાય છે

(3:54 pm IST)