Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

૩૧ ઓગષ્ટ સુધી રેકડીઓની હરરાજી મોકૂફઃ ૩૭.૨૫ કરોડના વિકાસકામોને મંજૂરી

સ્ટેન્ડીંગ કમિટીએ દાખવી સંવેદનશીલતાઃ રાજમાર્ગો પરથી જપ્ત થયેલ રેકડીઓની હરરાજીની દરખાસ્તમાં સુધારો : ૮ કર્મચારીઓને ઉંચો પગાર આપવાની દરખાસ્ત પરત : કુલ ૩૭.૨૫ કરોડના વિકાસકામોને લીલીઝંડી આપતા ચેરમેન ઉદય કાનગડ

રાજકોટ તા. ૯ : મ્યુ. કોર્પોરેશનમાં આજે મળેલી સ્ટેન્ડીંગ કમિટિમાં ચેરમેન ઉદય કાનગડે કુલ ૩૭.૨૫ કરોડના વિકાસ કામો મંજૂર કર્યા હતા.

સ્ટેન્ડીંગ કમિટિની મહત્વની દરખાસ્તો અંગે માહિતી આપતા ઉદય કાનગડે જણાવ્યું હતું કે, મ્યુ. કમિશ્નરશ્રીએ શહેરના રાજમાર્ગો ઉપરથી ઝડપાયેલી અને જપ્ત થયેલી રેકડી - કેબીનોની હરરાજી માટે દરખાસ્ત કરી હતી પરંતુ સ્ટેન્ડીંગ કમિટિ દ્વારા ગરીબોની રોજીરોટીનાં સાધન સમી રેકડી - કેબીનોની હરરાજીમાં ઉતાવળ નહી કરવા વિચાર કર્યો કેમકે લોકડાઉનના કારણે ઘણા લોકો રેકડી - કેબીનોનો દંડ ભરીને છોડાવી નથી શકયા આથી આવા લોકો પ્રત્યે સંવેદના દાખવી સ્ટેન્ડીંગ કમિટિએ ૩૧ ઓગષ્ટ પછી આવી રેકડી - કેબીનોની હરરાજી ગોઠવવાનો સુધારો કરી દરખાસ્ત મંજુર કરી હતી.

જ્યારે મ્યુ. કોર્પોરેશનના ૮ જેટલા કર્મચારીઓની ફરજનો સમયગાળો સળંગ ગણી અને ઉચ્ચતર પગાર ધોરણ આપવાની દરખાસ્તને મ્યુ. કમિશનરે પરત મોકલી અને તેમાં નોંધ મુકી છે કે, 'રાજ્ય સરકારના નિયમ મુજબ' આ કિસ્સાઓમાં કાર્યવાહી કરવી.  ઉકત દરખાસ્તો સહિત સ્ટેન્ડીંગ કમિટિએ બગીચાઓના ૭.૬૮ કરોડના કામો, સફાઇના ૧૫ કરોડના કામો, સાંસ્કૃતિક કાર્યક્રમોનાં ૩૦ લાખનો ખર્ચ, આરોગ્યના ૫૯ લાખના કામો, ૨ કરોડના રસ્તા કામો, ભૂગર્ભ ગટરના ૪૮ લાખ, પ્રદ્યુમન પાર્ક જુના ૪૩ લાખ, વોટર વર્કસનાં ૮૧ લાખ સહિતના કુલ ૩૭.૨૫ કરોડના કામોની દરખાસ્તો થતાં ૧૬.૪૫ કરોડની આવકની દરખાસ્તોને સ્ટેન્ડીંગ કમિટિએ લીલીઝંડી આપી હતી.

(3:06 pm IST)