Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

કોરોના આવા દિવસો પણ દેખાડશે એ કયાં ખબર હતી...દા'ડામાં હાજરી આપનારા ગુનેગાર બન્યા!

કોરોનાથી મૃત્યુ પામનાર ઘુસાભાઇ હુંબલની અંતિમક્રિયામાં મંજુરી વગર ૫૦થી વધુ લોકો ભેગા થતાં ૧૩ને કોરોના લાગુ પડી ગયો'તોઃ મૃતકના પુત્ર-પોૈત્ર સહિતના વિરૂધ્ધ ભકિતનગર પોલીસે એફઆઇઆર નોંધી

રાજકોટ તા. ૯: કોરોનાની મહામારીએ લોકોને કદી વિચાર્યુ ન હોય એવા દિવસો દેખાડી દીધા છે. કોઇએ કદી સ્વપ્નેય વિચાર્યુ નહિ હોય કે કોઇ ગુજરી જાય અને તેમની અંતિમક્રિયા, દા'ડામાં હાજરી આપવાથી ગુનેગાર બનવું પડશે!...શહેરના કોઠારીયા રોડ દિપ્તીનગરમાં એક પરિવારના સ્વજનનું અવસાન થતાં તેમની અંતિમક્રિયા રાખવામાં આવી હતી. કોરોના મહામારીમાં ૫૦થી વધુ લોકો ભેગા થવાની મનાઇ હોવા છતાં મંજુરી વગર વધુ લોકો ભેગા થયા હોઇ અને એ પછી ૧૩ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોઇ આ મામલે ભકિતનગર પોલીસે તપાસ કરી મૃત્યુ પામનારના પુત્ર અને પોૈત્ર તથા અંતિમક્રિયામાં હાજર રહેનારા તથા તપાસમાં ખુલે તે તમામ સામે એફઆઇઆર દાખલ કરી છે.

પીએસઆઇ પી. બી. જેબલીયાએ ફરિયાદી બની આ અંગે દિપ્તીનગરના વિરભાનુભાઇ ઘુસાભાઇ હુંબલ અને તેના પુત્ર નૈમિષ વિરભાનુભાઇ હુંબલ તથા વિરભાનુભાઇના પિતાશ્રી ઘુસાભાઇ હુંબલની અંતિમક્રિયામાં હાજર રહેનારા તમામ વિરૂધ્ધ આઇપીસી૨૬૯, ૨૭૦, જીપીએકટ ૧૩૫ મુજબ કોવિડ-૧૯ વાયરસ અંતર્ગત માઠા પ્રસંગમાં પચાસથી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ હોવા છતાં મંજુરી વગર વધુ લોકોને ભેગા કરી સોશિયલ ડિસ્ટન્સ ન જાળવી વાયરસ ફેલાય તેવી બેદરકારી દાખવવા સબબ ગુનો નોંધ્યો છે.

વિરભાનુભાઇના પિતાશ્રી ઘુસાભાઇ હુંબલનું બિમારી સબબ અવસાન થયું હતું. તેમની ઉત્તરક્રિયા વિધી ૨૬/૬ના રોજ રાખવામાં આવી હતી. એ પછી આ ભેગા થયેલા લોકોમાંથી ૬/૭ના રોજ ૧૩ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતાં. પોલીસે વિધીમાં હાજર રહેલા લોકોના કોન્ટેકટ ટ્રેસીંગ કરી તપાસ કર્યા પછી મૃતક ઘુસાભાઇના પુત્ર વિરભાનુભાઇ હુંબલ અને પોૈત્ર નૈમિષ વિરભાનુભાઇ હુંબલે અંતિમક્રિયામાં પુર્વ મંજુરી વગર પચાસથી વધુ માણસો ભેગા કર્યાનું ખુલતાં ગુનો દાખલ કરાવાયો છે. હાલ આ બંને સહિતના સારવાર હેઠળ હોઇ રજા અપાયા બાદ ધરપકડ થશે. અંતિમક્રિયામાં હાજર રહેનારાના તમામની શોધખોળ કરવામાં આવશે. હાજર રહેલા કોઇને શંકાસ્પદ લક્ષણો જણાતા હોય તો ટેસ્ટ કરાવી લેવા પીઆઇ વી. કે. ગઢવીએ અપિલ કરી છે.

(2:52 pm IST)