Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

આજી ડેમે સ્વપ્નલોક જેવું અર્બન ફોરેસ્ટ નિર્માણ થશે : સ્ટેન્ડીંગમાં ૭.૬૮ કરોડ મંજુર

રાજકોટ : શહેરની ભાગોળે હરવા - ફરવાના સ્થળ તરીકે આજીડેમનો વધુ વિકાસ કરવાના ભાગરૂપે ડેમના ડાઉન સ્ટ્રીમમાં સ્વપ્નલોક જેવું અર્બન ફોરેસ્ટ મ્યુ. કોર્પોરેશન ૭.૬૮ કરોડના ખર્ચે નિર્માણ થનાર છે. આ યોજનાની ઝલક તસ્વીરમાં નજરે પડે છે. સ્ટેન્ડીંગ કમિટિમાં યોજના આજે મંજુર થતાં ચેરમેન શ્રી કાનગડે તેની વિસ્તૃત વિગતો રજૂ કરી છે જે આ મુજબ છે.

વોર્ડ નં. ૧૫માં આજીડેમ પાસે ડાઉન સ્ટ્રીમ વિસ્તારમાં સર્વે નં. ૨૩૭ પૈકી પર નેશનલ હાઇવેથી નજીક શહેરમાં આશરે ૪૭ એકર જમીન પર 'અર્બન ફોરેસ્ટ' વિકસાવવા માટે આયોજન હાથ ધરવામાં આવેલ છે. જેમાં શહેરીજનોને એક શાંતિપૂર્ણ તેમજ સ્વાસ્થ્યપ્રદ વાતાવરણની અનુભૂતિ થશે. આ કામ બે ફેઇઝમાં પૂર્ણ કરવામાં આવનાર છે. પ્રથમ ફેઇઝમાં સિવિલને લગત કામગીરી પૂર્ણ કરવામાં આવશે. જ્યારે બીજા ફેઇઝમાં અર્બન ફોરેસ્ટના બ્યુટીફીકેશનની કામગીરી હાથ ધરવામાં આવશે.

ફેઇઝ-૧ અંતર્ગત અર્બન ફોરેસ્ટ ફરતે કમ્પાઉન્ડ વોલ અને ફેન્સીંગ, એડમીન ઓફિસ, સાઇકલ ટ્રેક, વોકીંગ ટ્રેક, ગઝેબો, કુદરતી પાણીના સ્ત્રોતોનું નવીનીકરણ, પાથ-વે તેમજ બ્રીજ અને રેલીંગ, પાણીના પરબ, ટોઇલેટ બ્લોકસ, બાળકો માટે પ્લેગ્રાઉન્ડ, એકઝીબીશન એરિયા માટે પ્લેટફોર્મ, જુદા જુદા પ્રકારના પથ્થરો તેમજ અન્ય મટીરીયલનો ઉપયોગ કરીને પાથ-વે, ઓપન એર એમ્ફી થીયેટર, વિવિકા પ્રકારની બેન્ચીસ, રોજ જંકશન આઇલેન્ડ, સોલાર લાઇટસ, આકર્ષક એન્ટ્રી ગેઇટ, જુદા-જુદા પ્રકારના પ્લાન્ટેશન માટે બ્લોકસ, વિશાળ એરીયામાં પાર્કિંગ વગેરે સુવિધાઓ ઉભી થશે.

(2:43 pm IST)