Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

રાજકોટ જિલ્લામાં કર્ફયુની કડક અમલવારી કરાવવા કલેકટરના આદેશો : દરેક પ્રાંતને પોલીસ સાથે રાખી ચેકીંગની સૂચના

હિરાસર એરપોર્ટ અંગે આવતા વીકમાં મીટીંગ : એઇમ્સનું કામ રાબેતા મુજબ ચાલુ છે : પાકને નુકસાન અંગે જિલ્લા પંચાયતની ટીમો સર્વે કરી રહી છે : હોમ આઇસોલેશન અંગે ત્રણ હોસ્પિટલને મંજૂરી

રાજકોટ તા. ૯ : રાજકોટ જિલ્લામાં પણ કોરોનાના ધડાધડ કેસો વધી રહ્યા છે, પરિણામે વહિવટી તંત્ર ચિંતાતુર બનયું છે, આ સંદર્ભે અનેક મહત્વની સૂચનાઓ જિલ્લા આરોગ્ય તંત્ર - પ્રાંત - મામલતદારોને ગઇકાલે મહત્વની સૂચનાઓ કલેકટર દ્વારા અપાઇ છે.

જિલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને આજે 'અકિલા'ને જણાવ્યું હતું કે, શહેરમાં તો પોલીસ તંત્ર કામગીરી કરે જ છે, પરંતુ જિલ્લામાં પણ રાત્રે ૧૦થી સવારે ૫ સુધીનો જે કર્ફયુ અમલમાં છે તેની કડક અમલવારી માટે દરેક પ્રાંતને આદેશો કરાયા છે.

દરરોજ રાત્રે પોલીસ તંત્રને સાથે રાખી ચેકીંગ કરવા અને રીપોર્ટ કરવા કહેવાયું છે.

તેમણે જણાવેલ કે, જે પ્રાંતનું હેડ કવાર્ટર છે ત્યાં પ્રાંત પોતે ચેકીંગ કરશે અને હેડ કવાર્ટર સિવાયના વિસ્તારોમાં મામલતદારોને ચેકીંગની સુચના અપાઇ છે.

કલેકટરે જણાવેલ કે, કાળીપાટ પાસે ગરૈયા કોલેજમાં કોવીડ કેર સેન્ટર શરૂ થઇ ગયું છે, તો સીટીમાં કોર્પોરેશન દ્વારા રેનબસેરામાં વધુ એક કોવીડ કેર સેન્ટર ઉભુ કરાયું છે.

તેમણે હોમ આઇસોલેશન અંગે જણાવ્યું હતું કે, જે ત્રણ ખાનગી હોસ્પિટલ છે તેમને કોર્પોરેશને મંજૂરી આપી છે.

હિરાસર એરપોર્ટ અંગે તેમણે જણાવેલ કે, ડેવલપનું કામ ચાલુ છે, અને નેસ્ટવીકમાં ફરી તમામ લેવલે મીટીંગ યોજાશે, એઇમ્સમાં પણ ડેવલપનું કામ શરૂ કરી દેવાયું છે.

ભારે વરસાદને કારણે રાજકોટ જિલ્લામાં ખેતીની પાકને ધોવાણ અંગે તેમણે જણાવેલ કે, જિલ્લા પંચાયતની ટીમો સર્વે કરી રહી છે, રીપોર્ટ આવ્યા બાદ સરકારમાં જાણ કરાશે, તેમણે ઉમેર્યું હતું કે, જીલ્લામાં ખાસ એવું અન્ય નુકસાન નથી. ધોરાજીમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા થોડા લોકોને ખસેડવા પડયા હતા.

(2:40 pm IST)