Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

સણોસરામાં વાડીએ ફેન્સીંગ બાંધવાના ડખ્ખામાં મારામારીઃ મર્ડર કરી નાંખવાની સામ-સામી ધમકીઓ

રાજકોટ રામનાથપરાના અલ્તાફ ભુવર અને સામે પક્ષે રહિમભાઇ સોરાના ભાઇ આદમભાઇ સોરાની ફરિયાદ

રાજકોટ તા. ૯: કુવાડવાના સણોસરામાં વાડીના જગ્યાના વિવાદમાં અને ફેન્સીંગ કામ કરવા બાબતે બોલચાલી થતાં રાજકોટના જંગલેશ્વરના પ્રોૈઢ તથા સામેના રામનાથપરાના મુસ્લિમ યુવાનના પરિવારો વચ્ચે મારામારી થતાં ચારને ઇજા થતાં સામ-સામી ફરિયાદ નોંધાઇ છે. જેમાં એક ફરિયાદમાં આરોપી તરીકે કોંગ્રેસના રહિમભાઇ સોરા તથા તેના પરિવારજનોના નામ અપાયા છે.

કુવાડવા પોલીસે બનાવ અંગે રામનાથપરા-૧૨માં રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં અલ્તાફ આમદભાઇ ભુવર (ઉ.૩૮)ની ફરિયાદ પરથી રાજકોટના ગફારભાઇ, રહિમભાઇ સોરા, રહિમભાઇના ભાઇ, તેની બહેન અને તેના પુત્ર વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. અલ્તાફ ભુવરે ફરિયાદમાં જણાવ્યું છે કે સણોસરા રેવન્યુ સર્વે નં. ૩૬૧ પૈકી ૧ અને ૨ની જમીન સંબંધે અમારે ગફારભાઇ સાથે તકરાર ચાલે છે. બુધવારે બપોર બાદ હું, મારા માતા અમીનાબેન વાડીએ જતાં ત્યાં ગફારભાઇ અને રહિમભાઇ વાડીમાં ફેન્સીંગ કરાવતાં હોઇ અમે તેને શા માટે ફેન્સીંગ કરો છો? તેમ પુછતાં તેણે હવે વાડીમાં પગ મુકશો તો બધાના મર્ડર થઇ જશે તેમ કહી ધમકી આપી હતી. આથી મેં તેને આ અમારી વાડી છે અને તેમાં અમે તલ અને જાર વાવ્યા છે અને ખેતી પણ કરી છે. અમે રોજ વાડીએ આવીએ છીએ તેવું કહેતાં રહિમ સોસરાએ ધારીયાથી હુમલો કરી માથામાં ઇજા કરી હતી. ગફારભાઇએ પણ માર માર્યો હતો. મારા માતા અમીનાબેન વચ્ચે પડતાં તેને પણ ધક્કો મારી વાડમાં નાંખી દીધા હતાં.

મારા સસરા ગુલાબહુશેન દાઉદભાઇ ચાવડા વચ્ચે પડતાં તેને પણ ધોકાથી માર મારવામાં આવ્યો હતો. ઝપાઝપીમાં મારા રોકડા ૨૫ હજાર ગુમ થઇ ગયા હતાં અને મારો મોબાઇલ ફોન પણ ખોવાઇ ગયો હતો. અમને ઇજા થઇ હોઇ હું તેના પગે પડ્યો હતો અને દવાખાને લઇ જવાનું કહેતાં રહિમભાઇનો સાળો ખાનગી હોસ્પિટલમાં મુકી ગયો હતો. રહિમભાઇનો છોકરો પણ ધમકી આપી ગયો હતો કે જમીન પર પગ મુકશો તો ટાંટીયા ભાંગી નાંખશું. આ લોકોએ અમારી વાડીમાં નોટીસ બોર્ડ પણ લગાવી દીધુ છે.

સામા પક્ષે જંગલેશ્વર-૫૬માં રહેતાં અને દેવપરા રોડ પર ગાંઠીયાની દૂકાન ચલાવતાં આદમભાઇ મામદભાઇ સોરા (ઉ.૫૬)એ પણ અલ્તાફ આમદભાઇ ભુવર સામે વળતી ફરિયાદ નોંધાવી છે. આદમભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે સણોસરામાં ગફારભાઇ અયુબભાઇ જગરેલાની વાડી છે. ત્યાં હું તથા ગફારભાઇ અને રહીમભાઇ ફેન્સીંગનું કામ કરવા જતાં અલ્તાફ, તેના સસરા અને તેના માતાએ આવી વાડીએ શું કામ આવ્યા છો? ફેન્સીંગ નહી બાંધવા દઇેએ તેમ કહી ઝઘડો કરી મને ધક્કો મારતાં અને માથામં ધોકો ફટકારતાં ઇજા થઇ હતી. અલ્તાફે મને મારી નાંખવાની ધમકી પણ આપી હતી. મારને કારણે મારે સારવાર લેવી પડી હતી.

ફરિયાદી આદમભાઇએ વધુમાં જણાવ્યું હતું કે મારા ભાઇ રહિમભાઇ સોરાએ બેંક મારફત આ જમીન હરરાજીમાં લીધી છે અને અમારી માલિકી છે, વાવણી પણ અમે કરીએ છીએ.

(12:45 pm IST)