Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

લોકડાઉન અને આર્થિક ભીંસ વધુ એક મોત માટે કારણ બન્યાઃ કારખાનેદાર હિતેષભાઇ પુરોહિતની આત્મહત્યા

માલ વેંચાયો તેની ઉઘરાણી ફસાઇ ગઇ હતી, ટેકસ ભરવાનો બાકી હતોઃ કંટાળીને ગોંડલ રોડના કારખાનામાં પગલુ ભર્યુઃ દ્વારકાધીશ સોસાયટીના બ્રાહ્મણ આધેડે બુધવારે રજા હોવા છતાં કર્મચારીઓનોને બોલાવી પગાર કરી દીધોઃ એક કર્મચારી ન આવતાં ઘરે જઇ પગાર આપી દીધોઃ નાના કારખાનેદારોને રાહત આપવા સરકારને વિનંતી કરતી ચિઠ્ઠી લખીઃ મોટાભાઇ, ભાભીએ ખુબ સહકાર આપ્યો, સારું થઇ જશે એવું સતત આશ્વાસન આપ્યું પણ મને નહોતું લાગતું કે હવે આ ધંધામાં આગળ વધી શકાશેઃ ચિઠ્ઠીમાં ઉલ્લેખ

રાજકોટ તા. ૯: કોરોનાને કારણે લોકડાઉન અમલમાં આવતાં  કામ-ધંધા ભાંગી પડતાં અને આર્થિક મુશ્કેલીઓ ઉભી થતાં આત્મહત્યાની ઘટનાઓ અગાઉ પણ બની ચુકી છે. વધુ એક આવી ઘટના પાછળ લોકડાઉન અને આર્થિકભીંસ કારણ બન્યા છે. 'મને માફ કરજો...મોટા ભાઇ અને ભાભી ખુબ સહકાર આપતા હતાં, બધુ સરખુ થઇ જશે એમ કહેતા હતાં. પરંતુ મને નથી લાગતું કે ધંધામાં હવે આગળ વધી શકાય...ભાઇ-ભાભીને બધી મુડી મેં ધંધામાં વાપરી નાંખી છે...જીએસટી અને નવા ટેકસમાં નાના કારખાનેદારોને સરકારે રાહત આપવી જોઇએ'...આવી ચિઠ્ઠી લખી ૧૫૦ ફુટ રીંગ રોડ પર ઉમિયો ચોક પાસે દ્વારકાધીશ સોસાયટીમાં રહેતાં હિતેષભાઇ ધીરૂભાઇ પુરોહિત (ઉ.વ.૪૫) નામના કારખાનેદારે ગોંડલ રોડ પર પરિન ફર્નિચર પાછળ શિવ એન્ટરપ્રાઇઝ નામના પોતાના કારખાનામાં ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. આ પગલુ ભરતાં પહેલા તેઓ પોતાના કર્મચારીઓનો પગાર કરતાં ગયા હતાં અને સ્વજનની વિમા પોલીસી પણ ભરતાં ગયા હતાં.

બનાવની જાણ ૧૦૮ મારફત થતાં તાલુકા પોલીસ મથકના હેડકોન્સ. રમેશભાઇ ચોૈહાણ અને લાલજીભાઇએ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર હિતેષભાઇ પુરોહિત પાસેથી પોલીસે સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેણે ભાઇ-ભાભીએ પોતાને ખુબ મદદ કર્યાની અને લોકડાઉનને કારણે વેંચાયલા માલની ઉઘરાણી પણ ફસાઇ ગઇ હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેમજ નાના ઉદ્યોગકારોને ટેકસમાં સરકારે વધુ રાહત આપવી જોઇએ તેવી પણ ટકોર કરી છે.

પોલીસે જણાવ્યા મુજબ ગઇકાલે કારખાનામાં બુધવારે રજા હતી. આમ છતાં હિતેષભાઇ સવારે બાઇક લઇની નીકળ્યા હતાં. બપોરે પત્નિ અને પુત્રએ જમવા માટે ફોન જોડતાં ફોન રિસીવ ન થતાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પુત્રએ કારખાનાની બાજુમાં રહેતાં એક મજૂરને ફોન કરી પપ્પા કારખાને તો નથી આવ્યા ને? તે જોઇ આવવા કહેતાં મજૂર ત્યાં તપાસ કરવા પહોંચતા હિતેષભાઇ કારખાનાની ઓફિસમાં લટકતા જોવા મળ્યા હતાં. તેમને સંતાનમાં એક પુત્ર  અને બે પુત્રી છે. એક પુત્રી અમદાવાદ એરપોર્ટ ખાતે નોકરી કરે છે. પુત્ર કોલેજમાં અભ્યાસ કરે છે. જ્યારે બીજી પુત્રી નાની છે. 

હિતેષભાઇએ આ પગલુ ભરતાં પહેલા પોતાના મજૂરોને બોલાવી પગાર ચુકવી દીધો હતો. એક મજૂર ન આવી શકતાં તેના ઘરે જઇને તેઓ પગાર આપી આવ્યા હતાં. તેમજ સ્વજનની વિમા પોલીસી પણ તેઓ ભરપાઇ કરતાં ગયા હતાં. પોલીસના કહેવા મુજબ લોકડાઉનને કારણે માલ વેંચાયો તેનું પેમેન્ટ અટકી ગયું હતું તો જીએસટી ભરવાનું પણ બાકી હતું. પોતાની અને ભાઇ-ભાભીની મુડી પણ ધંધામાં રોકી દીધી હતી. જે કયારે રિકવર થશે તેની સતત ચિંતા હોઇ અને આર્થિક સંકડામણ ઉભી થઇ હોઇ જેથી આ પગલુ ભરી લીધાનું તારણ છે. બનાવથી પુરોહિત પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

(12:44 pm IST)