Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

સીટી અને બીઆરટીએસ બસમાં છેલ્લા એક મહિનામાં ૧૩ લાખ મુસાફરોએ મુસાફરીની મજા માણી

કામમાં બેદરકારી બદલ મારૂતી ટ્રાવેલ્સ, માતેશ્વરી ટ્રાવેલ્સ, જે.કે. સિકયુરીટી, ડી.જી.નાકરાણી સહીતની એજન્સીઓને રૂ. ૧૦૦૦થી લઇ ૬ લાખ સુધીનો દંડઃ બસમાં કચરા ટોપલી મુકાઇઃ જુન મહીનાનો અહેવાલ પ્રસિધ્ધ કરતા મ્યુ. કમિશ્નર બંછાનીધી પાની

રાજકોટ, તા., ૮:  રાજકોટ મહાનગર પાલીકાના નેજા હેઠળ  રાજપથ લીમીટેડ સંચાલીત સીટી બસ અને બીઆરટીએસ બસમાં  જુન મહિનામાં કુલ અંદાજીત ૧૩ લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી. તેમજ બસમાં સ્વચ્છતા જળવાઇ રહે તે હેતુથી ડસ્ટબીન મુકવામાં આવ્યા છે. સીટી બસ અને બીઆરટીએસ બસના બસ ઓપરેટરો અને સિકયુરીટી એજન્સીઓને કામની બેદરકારી બદલ અંદાજીત ૧.૩પ લાખ જેવો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ લોકોની સુવિધા માટે અનેક રૂટ વધારાયા છે.

આ અંગેની પ્રાપ્ત માહીતી મુજબ શહેરમાં ચાલતી સીટી બસ અને બીઆરટીએસ બસની સેવામાં જુન મહિનાની કામગીરીનો અહેવાલ મ્યુનિસીપલ કમિશ્નર બંછાનીધી પાનીએ જાહેર કર્યો છે. જેમાં જણાવ્યું હતું કે સીટી બસ અને બીઆરટીએસ બસમાં કુલ ૧૩ લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી.

સીટી બસ સેવામાં ગેરરીતી સબબ કુલ ૧૬ કંડકટરોને ફરજમાંથી મુકત કરવામાં આવ્યા છે. તેમજ બસ ઓપરેટર, મારૂતી ટ્રાવેલ્સને કામમાં ક્ષતી બદલ રૂ. ૬.૧ લાખ  તથા માતેશ્વરી ટ્રાવેલ્સને  રૂ. ૧.ર૬ લાખ, ફેર કલેકશન કરતી એજન્સી ડી.જી.નાકરાણીને રૂ. ૬ર,૦૦૦ તેમજ સિકયુરીટી એજન્સી નેશનલ સિકયુરીટી સર્વિસ તથા જે.કે. સિકયુરીટી સર્વિસને ૩૪,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ ઉપરાંત લોકોની સુવિધા માટે રૂટ નં. પ ને ત્રંબા ગામથી શિલ્પન ઓનેક્ષ ટાવર સુધી તથા રૂટ નં. ૩૬ને ભકિતનગર સર્કલથી ન્યારા ગામ સુધી દોડાવવામાં આવશે. (૪.૧૧)

(3:54 pm IST)