Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

સૌરાષ્ટ્રના આર્કિટેકચર જગતના ભિષ્મપિતામહઃ ઇન્દુભાઇ પારેખ

ઇન્દુભાઇ પારેખનું યોગદાન ફકત સૌરાષ્ટ્રના પ્રથમ આર્કિટેકટ્ર હોવા કરતા અનેક ગણું વધારે છે. આર્કિટેકચર માટે લોકજાગૃતિ લાવવાની તેમણે ભેખ ધરી હતી અને ગાંધીજીની સાદગી અને કરકસરને તેમણે મકાનોના બાંધકામમાં બખુબી સાકાર કરી હતી. કથા એક એવા અદ્ભુત ઇન્સાનની જે ભુતકાળના વારસાને સમજતા હતા, વર્તમાની માંગ માટે કામ કરતા અને ભવિષ્યને દુરદ્રષ્ટિપુર્વક નિહાળી શકતા હતા...

વાહન ચલાવતો દરેક શખ્શ જયાં બાજુમાંથી સરકીને ઝપાટાભેર નીકળી જવા માંગે છે અને કદાચ એટલે જ આખો રસ્તો ટ્રાફીકથી ખદખદે છે એવા ઘોંઘાટ અને ઝાકળઝમાટના પર્યાય સમા યાજ્ઞિક રોડ પર એક નાનુ મકાન બિલકુલ શિસ્તબધ્ધ રીતે ઉભુ છે. બહારની દુનિયાથી અલિપ્ત આ મકાન એક પ્રકારની કડક છાપ ધરાવે છે. એની બારીઓ બિલકુલ સીધી છે. અને અંદર ઝાંકી  ન શકાય તે પ્રકારની છે. મકાન રોડને અડોઅડ ઉભુ છે અને એક પણ વૃક્ષ કે બગીચા વિહોણું છે. પણ તેને જયારે અંદર પ્રવેશો ત્યારે અહેસાસ થાય છે કે  મકાનની અંદરના ભાગે એક ખુલ્લો ર્કોટ છે અને તેમા સુંદર ઝાડ પણ છે. મકાનના ઘણા ભાગમાંથી આ ખુલ્લી જગ્યાને અને એ થકી કુદરતને માણી શકાય છે. વરસાદ પડે ત્યારે વરસાદી ટીંપાનો મધુર અવાજ સુધ્ધા સાંભળી શકાય છે. મકાન થોડા ટીપાંને સીડી પર પડવાનો અવકાશ આપે એટલા ખુલ્લા મનનું છે. કદાચ આ મકાન તેને બનાવનારા અને તેમાં રહેનારા એ અલગારી માણસનું જ પ્રતીબીંબ છે. જેઓ બહારથી શાંત, શિસ્તબધ્ધ અને કડક હતા અને તેમને નજદીકથી ઓળખી શકનારા માટે ઋતુ અને સરળ ઇન્સાન હતા. હતા એટલે કે દેહરૂપ એ હવે આપણી વચ્ચે રહયા નથી. એ હતા સૌરાષ્ટ્રના આર્કિટેકચરના ભિષ્મપિતામહ ઇન્દુભાઇ પારેખ.

ઇન્દુભાઇ સૌરાષ્ટ્રના પ્રથમ આર્કિટેકટ્ર  હતા પણ એમનું યોગદાન ફકત પ્રથમ હોવા કરતા અનેકગણું વિશેષ છે. આર્કિટેકચર  ફિલ્ડ પ્રત્યે લોક જાગૃતિ લાવવામાં તેઓ પ્રહરી બની રહયા, તે માટે ઘણા વર્ષો સુધી 'ફુલછાબ' માં લેખ પણ લખતા સૌરાષ્ટ્રના લોકલ મટીરીયલ્સ અને લોકલ ટેકનીકસનો ઉપયોગ કરવામાં અને તેને વિકસાવવામાં તેમની મહત્વની ભુમિકા રહી. આજે રાજકોટ સ્માર્ટ સીટી બનાવવાની કોશીશ થઇ રહી છે. પણ તેમણે પાંચ દાયકા પહેલા હાઉસીંગ અને અર્બન પ્લાનીંગના મોર્ડન કોન્સેપ્ટસ અમલમાં મુકી દીધા હતા. અમદાવાદની વિખ્યાત ફર્મ એચ.સી.પી. હવે મુવેબલ વર્ટીકલ લુર્વસનો બહારના ભાગમાં ભરપુર ઉપયોગ કરે છે. પણ ઇન્દુભાઇએ ૧૯૬૦માં બનેલા પોતાના ઘરમાં જ પ્રિકાસ્ટ સિમેન્ટના મુવેબલ લુર્વસ મુકેલા. સરકારે પાંચ માળની લો-રાઇઝ આવાસ યોજનાની પોલીસી બનાવી હતી ત્યારે એમણે પ્રપોઝલ આપી બતાવ્યું હતુ કે એટલી જ જગ્યામાં દરેક યુનીટ એ જ માપ સાઇઝનું રાખી એપાર્ટમેન્ટ બનાવવાને બદલે જમીન પર ફરતા મકાન બનાવી વચ્ચે કોમ્યુનીટી સ્પેસ તરીકે ખુલ્લો ચોક મળી શકે છે. !

 ઇન્દુભાઇએ પોતાની જીંદગીમાં દેશની અને આર્કિટેકચરની શકલ બદલાતી જોઇ હતી. તેમનો જન્મ વઢવાણમાં થયો હતો અને સાતેક વર્ષની ઉંમરે તેમનો પરીવાર રાજકોટ આવીને સ્થિર થયો. સ્વાતંત્ર્ય ચળવળમાં ભાગ લેવાને કારણે તેમને ૧૯૪૨માં સ્કુલમાંથી એક વર્ષ માટે બરતરફ કરવામાં આવેલા. કલાભવન એટલે કે એમ.એસ.યુનીવસીર્ટીમાં તેમણે ૧૯૪૪માં પાંચ વિદ્યાર્થીની બેચમાં આર્કિટેકચર  કોર્સની શરૂઆત કરી. ૧૯૪૮માં જયારે તેમનું ગ્રેજયુએશન પુર્ણ થયું ત્યારે નવા આઝાદ  થયેલા દેશને વિકસીત કરવાના સ્વપ્નો જોવાની શરૂઆત થઇ ચુકી હતી પણ ત્યારે ભારતમાં અંદાજે ૩૦૦ આર્કિટેકસ  જ હતા.

રાજકોટમાં તેમણે પ્રેકટીસની શરૂઆત કરી ત્યારે 'આર્કિટેકટ' એવો કોનસેપ્ટ જ લોકો સુધી પહોંચ્યો ન હતો. એટલે કોન્ટ્રાકટર અને મિસ્ત્રીને સમાંતર ૨૫ રૂપીયાની કન્સલન્ટન્સી ફિમાં કામની શરૂઆત થઇ. આવી પરિસ્થિતી જો કે તેમના આર્કિટેકચર  પ્રત્યેનો પેશનને ઝુકાવી શકી નહિ કારણ કે તેમના આદર્શ હતા દક્ષિણ ભારતના પ્રખ્યાત આર્કિટેકચર  લોરી બેકર. જેમણે એક ખેડુત માટે કોટેજ ડિઝાઇન કરેલુ ત્યારે ખેડુતે ફિ તરીકે અનાજની બોરી આપેલી તેમની શરૂઆતની પ્રેકટીશ ''વન મેન્સ ઓફીસ'' બની રહેલી જેમાં ડ્રોઇગ્સ અને પરસ્પેકટીવ વ્યુ દોરવાથી માંડીને સાઇટ વિઝીટ બિલની ગણતરી અને કોર્પોરેશન પાસીંગ સુધીની તમામ કામગીરી તેઓ એકલા હાથે પાર પાડતા.

સૌરાષ્ટ્રની ઢેબરભાઇની સરકારે તેમને લો-કોસ્ટ હાઉસીંગનું મોડેલ રજુ કરવા દિલ્હી મોકલ્યા હતા. જયાં તેમના મોડેલને અદભુત પ્રતિસાદ સાંપડેલો 'કોસ્ટ ઇફેકટીવનેસ' હમેશા ઇન્દુભાઇની પ્રાથમીકતા અને તેમનું જમા પાસુ રહેલુ એ નાનકડુ ઘર હોય કે પછી મોટા ઇન્સ્ટીટયુશન પ્રોજેકટ. રાજકોટની કેન્દ્રીય વિદ્યાલય માટે સરકારનું બજેટ ૧૦ લાખનું હતુ અને તેમણે ૬.૬ લાખમાં અને સમય કરતા પહેલા પ્રોજેકટ પુર્ણ કરી પી.ડબલ્યું ડી.માં રાષ્ટ્રીય વિક્રમ સ્થાપીત કરેલો. બાંધકામ ખર્ચ ઘટાડવા માટેતેમણે પ્રિ-કાસ્ટ અને પ્રિસ્ટ્રેસની અદ્યતન ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ કરેલો. તે સમયે સિમેન્ટ અછતને કારણે રાશન પર મળતી હતી. એટલે જ રાજકોટમાં તેમણે બનાવેલા અનેક બંગલાઓમાં આર.સી.સી.ની ભરાઇ કરેલા સ્લેબને બદલે (પાપડા પિઢિયા જેવા) તેમણે મતે વિકસાવેલા પ્રિ-કાસ્ટ એલીમેન્ટસના સ્લેબ છે. આ સ્લેબની એક ખુબી એ હતી કે તેનાથી સિમેન્ટ અને સ્ટીલની માત્રામાં અડધો અડધ બચાવ થઇ શકેલો. નવાઇની વાત એ છે કે આજે સાઇઠ વર્ષ પછી પણ આ બંગલાઓ બિલકુલ અડીખમ રહેલા છે.!

રાજકોટના જાણીતા આર્કિટેકટ્  શ્રી કિશોરભાઇ ત્રિવેદી એક બહુ મહત્વની વાત કહે છે 'ઇન્દુભાઇ માનતા હતા કે આર્કિટેકચર  ફકત સમૃધ્ધ લોકો માટે જ નથી. આર્કિટેકચર  સમાજના તમામ વર્ગો માટે છે. એટલે જ તેઓ  સતત એવી ટેકનીકસ વિકસાવતા રહયા જેનાથી આર્કિટેકચર  લોકભોગ્ય અને સમાજને ઉપયોગી થઇ શકે. તેમના આર્કિટેકચરમાં એવા કોઇ એલીમેન્ટસ ન હતા કે જે બિનજરૂરી હોય. તેમનું આર્કિટેકચર  બિલકુલ દંભ વગરનું હતુ.' ગામડાના ઘરોની મુળભુત બાંધકામ પધ્ધતી જાળવીને વધુ સારી રીતે મકાન કેવી રીતે બનાવી તે બાબતે જાગૃતિ માટે તેમણે 'ગામડાના ઘરો'નામનું પુસ્તક પણ લખ્યુ આજે ક્રોકીંટ અને ઇંટોનો બગાડ કરીને લીલાઢાળ મકાનો બનાવવાને 'મજબુતાઇ' ગણાવવામાં આવે છે. જયારે તેમણે અલગ અલગ પ્રકારના પત્થરોમાં ચણતરમાં મોઝેક એન સિમેન્ટનો ફલોરમાં કલાત્મક આકૃતિ ધરાવતી લોખંડની ગ્રીલ, સિમેન્ટની પ્રિ-કાસ્ટ પ્રોડકટનો અનેક જગ્યાએ બખુબી ઉપયોગ કરેલો. ડિલકસ સિનેમામાં તેમણે સાઉન્ડ ઇન્સ્યુલેશન માટે તૈયાર શીટને બદલે બળેલી કોલસી નાખવાનો કિફાયતી અને સફળ પ્રયોગ કરેલો.

આર્કિટેકટ્   મુઝકકીર ભેડાએ ઇન્દુભાઇ પારેખના પ્રોજેકટસ પર થીસીસ કરેલી છે. જે મુજબ સૌરાષ્ટ્રમાં તેમના નોંધપાત્ર કામમાં રાજકુંવરબા લેડીઝ કલબ ભકિતનગરમાં આવેલી નાગરીક બેંક, એ.વી. જસાણી, ટી.બી. હોસ્પિટલ, સૌરાષ્ટ્ર યુનિવસીર્ટીમાં લાયબ્રેરી - સ્ટાફ કર્વાટર-વી.સી.બંગલો સૌરાષ્ટ્ર સ્કુલ, રાષ્ટ્રીય શાળામાં દરબાર ગોપાલદાસ સ્મારક, પુતળીબા મહિલા ઉદ્યોગ મંદિર, કુંડલીયા કોલેજ, જેતપુરમાં  જગદીશ ફેકટરી-ઓફીસ-જગદીશ ગેસ્ટ હાઉસ-બંગલો, જનતા સોસાયટી અને નેમીનાથ સોસાયટીના મકાનો, યાજ્ઞિક રોડ પર આવેલા વિવેકાનંદ એપાર્ટમેન્ટ વગેરે ગણી શકાય. ઇન્દુભાઇનો રાજકોટનો સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેકટ હતો-રેસકોષ એ સમયે જયારે લોકોને આર્કિટેકચરની ગતાગમ માંડ પડતી હતી. ત્યારે તેમણે અર્બન પ્લાનીંગની પોતાની આગવી સુઝથી રેસકોષને એક સંપુર્ણ પબ્લીક સ્પેસ બનાવી શકાય તે રીતે આયોજન કર્યુ હતુ. અતીશય મર્યાદીત બજેટમાં તેમણે રેસકોર્ષની કમ્પાઉન્ડ વોલ એવી રીતે બનાવી જેથી ગ્રીલને કારણે રોડ પરથી અંદર સુધી જોઇ શકાય અને નીચેના ભાગની કંપાઉન્ટ વોલ બેઠક તરીકે  વાપરી શકાય! આજે રાજકોટની જનતા માટે રેસકોર્ષની પાળી ફકત એક ભૌતીક વસ્તુથી ઉપર ઉઠીને ફેનોમેન બની ગઇ છે. આજથી ૩૫ વર્ષ પહેલા જયારે રાજકોટની શકલ બિલકુલ અલગ હતી ત્યારે તેમણે રેસકોર્ષનું અદ્ભુત વિઝન જોયું હતુ. આટલા વર્ષો પછી પણ એમાંથી ઘણી વસ્તુઓ કરવાની બાકી રહે છે જેમ કે ૫૦ ફુટ ઉંચા સુબાબુલ ઝાડને સ્ક્રિન તરીકે રાખીને બનાવેલુ  એમ્ફીથીયેટર, ૪૦૦ મીટરનો ટ્રેક અને હોકી, ફુટબોલ, વોલીબોલ વગેરે તમામ રમતો સમાવતો ર્સ્પોટસ એરીયા, એરર્પોટથી કોઇ રાજકોટમાં દાખલ થાય ત્યારે રેસકોર્ષના એ ખુણાનું એવી રીતે લેન્ડસ્કેપ ડિઝાઇન કરવુ જેથી મહેમાન રાજકોટ વિશિષ્ટ છાપ લઇને શહેરમાં પ્રવેશ કરે.!!

બીજી એમના થકી સૌરાષ્ટ્રને મળેલી એક સોગાદ એટલે ૧૭ વર્ષ પહેલા શરૂ થયેલી ઇન્દુભાઇ પારેખ સ્કુલ ઓફ  આર્કિટેકચર. છેક ૧૯૯૦થી ઇન્દુભાઇ સૌરાષ્ટ્રમાં આર્કિટેકચર  કોલેજ હોય એ સ્વપ્નને સાકાર કરવા માંગતા હતા અને કિશોર ત્રિવેદી, કિરીટ કામદાર, પ્રવીણભાઇ મણીયાર અને નાગરીક બેંક દ્વારા એ શકય બન્યું. ઇપ્સાના ટુંકા નામે ઓળખાતી આ કોલેજની ગણના અત્યારે દેશની સારી આર્કિટેકચર  કોલેજમાં થાય છે.

 આજે દુનિયાભરના આર્કિટેકચરમાં 'સસ્ટેનેબીલીટી' (એટલે કે સંસાધનોનો ઓછામાં ઓછો બગાડ) એ હોટ ટોપીક ગણાય છે. પણ ઘણી વખત વિખ્યાત આર્કિટેકસના  'સસ્ટેનબલ' કહેવાતા પ્રોજેકટ્સ સામાન્ય બજેટથી કયાંય વધુ ખર્ચાળ બની જાય છે. જયારે ઇન્દુભાઇની પ્રેકટીશ કોઇ શબ્દોની માયાજાળમાં અટવાયા વિના જ એક મુળભુત સિંધ્ધાતને અનુસરતીઃ કેવી રીતે સારૂ બાંધકામ ઓછા ખર્ચે થઇ શકે. ખર્ચ બચાવવો હોય તો  'સસ્ટેનેબીલીટી' આપ મેળે આવી જાય છે.

બ્રિટનમાં જન્મેલા આર્કિટેકટ લોરી બેકરે ૧૯૪૫માં ભારત આવીને આઝાદ ભારતને એક નવી દિશા બતાવી હતીઃ આર્કિટેકચર  ફોર ઓલ . સમાજના દરેક વર્ગ માટેનું આર્કિટેકચર  છેવાડાના માણસ સુધી પહોંચતું આર્કિટેકચર  આજેય લોરી બેકર આર્કિટેકચરલ સ્કુલમાં ખુબ પ્રચલીત છે પણ વાસ્તવીક પ્રેકટીસમાં એક અલગ હવા વ્યાપ્ત છે. આર્કિટેકટસ પૈસાદાર માણસો માટેના મકાનો, ઓફીસો અને જાજરમાન હોટેલ્સ બનાવવામાં મશગુલ છે. સંપતિનો દેખાડો એ જ ઘણીવાર આર્કિટેકચરનો હેતુ બની ગયું છે. જેમનું બજેટ મર્યાદીત હોય એ આર્કિટેકટ્સ કે ઇન્ટીરીયર ડીઝાઇનર પાસે જવાની હિંમત કરતા નથી. આર્કિટેકચર  એક એલીટ વર્ગ માટેની બ્રાન્ડ બની ચુકયુ છે.

ઇન્દુભાઇ પારેખ એટલે જ આજે વધુ પ્રસ્તુત છે. ગાંધીજીની સાદગી તેમણે આત્મસાત કરી હતી અને  તેમના મકાનોમાં પણ એ સુધડ સાદગી ઉડીને આંખે વળગતી હતી. તેમના મકાનો બીજાને આંજી નાખવા માટે નહિ પણ રહેનારની જીંદગીને વધુ બહેતર બનાવવાના હેતુસર બનેલા હતા. મર્યાદીત ખર્ચમાં બનાવવુ  એ તેમના સમયની માંગ હતી અને તેમણે એ માંગને ચેલેન્જ તરીકે સ્વીકારી કઇ રીતે ઉત્તમ આપી શકાય એ માટે પોતાની ક્રિએટીવ સ્કીલ્સનો ઉપયો ગ કર્યો હતો. કન્સ્ટ્રકશન પરનો તેમનો જબરદસ્ત કાબુ તેમના આર્કિટેકચરને આગળ વધારતો હતો. વધારાનું કશું પણ ન વાપરવું અને વપરાતા પ્રત્યેક મટીરીયલ્સનો કરકસરપુર્વકનો ઉપયોગ કરવો એ તેમનું જીંદગીભર ઉદેશ્ય રહયું ખરા અર્થમાં તેમનું આર્કિટેકચર  'ગાંધીયન આર્કીટેકચર' હતુ.

આર્કિટેકચર  તેમની જીંદગીનું જ એકસ્ટેન્શન હતુ. તેઓ જીંદગીભર ગાંધીજીના અને લોરી બેકરના અનુયાયી રહયા. ખાદી તો પહેરતા જ પણ એથી વિશેષ સાદગીથી અર્થપુર્ણ જીંદગી જીવતા જેમ મકાનમાં કોઇ વધારાનો ભપકો કે ખર્ચ ન કરતા એવી જ રીતે જીંદગીમાં પણ વધારાનો  કોઇ ખર્ચ ન કરતા તેમણે પોતાની સંપતિમાંથી ટ્રસ્ટ બનાવેલુ અને તેમાંથી  આર્કિટેકચર  કોલેજની સ્થાપનામાં માતબર રકમ આપવા ઉપરાંત અનેક સમાજ ઉપયોગી કામ સતત કરતા રહયા. પહેલેથી જ તેમના કામના કલાકો નકકી હતા. અને સાંજે તેમના ઘરની બાલ્કનીમાં તેમની પસંદીદા ખુરશી પર બેઠેલા અચુક જોવા મળતા. આયખાના નવમાં દસકામાં પણ ખાવાના શોખીન હતા અને પૌત્રી ઇન્ટીરીયર ડીઝાઇનર શૈલી ત્રિવેદી પિઝા બનાવે એ પણ એટલી જ લ્હેજતથી માણતા.

 આઇન્સ્ટાઇને ગાંધીજી માટે કહેલીએ વાતના અનુસંધાને કરી શકાય કે ભવિષ્યના આર્કિટેકટ્સની પેઢી માની નહિ શકે કે એક એવા આર્કિટેકટ પણ હતા જેઙ્ગ આર્કિટેકચરને ઉમદા મહાકાર્ય ગણતા હતા. બેહદ પેશનથી મકાનના પ્રત્યેક નાના ભાગમાં ખર્ચ બચાવી બજેટ કરતાં ઓછા ખર્ચમાં પ્રોજેકટ પુર્ણ કરતા. ગામડાના કાચા ઘરો પણ ડીઝાઇન થકી વિકસાવવા માટે જહેમત ઉઠાવતા હતા. રાજકોટની ધરતી પર એક એવા માણસ જીવતા હતા. જેમના માટે આર્કિટેકચર  વ્યવસાય કે શોખથી વધીને સાદગીનું , કરકસરનું અને જીંદગીને બહેતર બનાવવાનું માધ્યમ હતુ.

આ લેખન

કિન્નર આચાર્ય

મો.૯૮૨૫૩ ૦૪૦૪૧

(3:41 pm IST)