Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

હજ્જ યાત્રિકને કદી સબસીડી મળતી ન હતી : પ્રો. કાદરી

'અકિલા'ની મુલાકાતે ગુજરાત રાજય હજ્જ સમિતિના કાર્યદક્ષ ચેરમેન પ્રો.મહંમદ અલી કાદરીની વાતચીતઃ હજ્જ સમિતિના ધૂરંધર ડીરેકટર લીમડાવાલા કહે છે કે ભાજપ સરકારમાં હજ્જ સમિતિની પ્રસંશા ખૂદ વિપક્ષના ધારાસભ્યો કરી રહ્યા છેઃ અગાઉની સરકારોએ લોલીપોપ જ આપી અને મુસ્લિમોનું દ્રષ્ટિકરણ જ કર્યુ છે : આજે હજ્જ સમિતિ હજ્જ યાત્રિકોના સતત સંપર્કમાં રહે છે જેના લીધે ૨૦૧૭માં ગુજરાતમાંથી સૌથી વધુ : ૧૧ હજાર યાત્રિકો ગયેલા દરિયાઇ સફર માટે સ્ટીમરને રીનોવેટ કરવા વિદેશમાં પણ ઓફર કરાઇ છે : જહાજ ચાલુ થતા ગુજરાતના યાત્રિકો બે તબકકામાં મુંબઇ બંદરેથી રવાના થશે

રાજકોટ જીલ્લાના હજજ યાત્રિકોના તાલીમ કેમ્પ વેળા રાજકોટ આવેલા રાજય હજજ સમિતિના ચેરમેન પ્રો.મહંમદ અલી કાદરી 'અકિલા' કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા અને જૂના સંસ્મરણો વગોળીયા હતા અને હંમેશા 'અકિલા' દૈનિક સમાચારોમાં તટસ્થ રહી ખાસ કરીને સરકારની ગતિવિધિઓ, લાભાલાભને નાના માણસો સુધી પહોચાડી સરાહનીય સેવા બજાવી રહ્યાનું જણાવેલ ત્યારની તસ્વીર. આ વેળા તેઓની બાજુમાં બેસેલા હજજ સમિતિના ધૂરંધર ડીરેકટર સૈયદ રફીકબાપુ લીમડાવાલા (ભાવનગર) ઉપરાંત બાજુની તસ્વીરમાં મુલાકાત વેળા હાજર વડાપ્રધાનના ૧૫ મુદ્દાની અમલીકરણ સમિતિના સભ્ય હાજી ફારૂક બાવાણી, હજજ યાત્રિકો માટે રસીકરણની સેવા બજાવતા ડો.એમ.કે.કાદરી, હાજી અબ્દુલભાઇ સુમરા ઉપરાંત જમણી બાજુ મોદી ફેન કલબના શ્રી સુમા, અખિલ ભારત સુમરા સમાજના પ્રમુખ મહેબૂબભાઇ પતાણી, પાછળ રાજકોટના ટ્રેનર હાજીભાઇ દોઢીયા (મધુવન સ્કુલ) તથા હજજ સમિતિના સભ્ય યુનુસભાઇ મહેતર (વલ્લભીપુર) તથા બાજુમાં પત્રકાર ફારૂક ખત્રી તસ્વીરમાં દર્શાય છે.

રાજકોટ તા.૯ : અગાઉની સરકારોએ સબસીડીના નામે મુસ્લિમોને વર્ષો સુધી લોલીપોપ આપી હતી. હજજ યાત્રિકોને કદી સબસીડી મળતી ન હતી. તેમ રાજકોટ આવેલા ગુજરાત રાજય હજજ સમિતિના ચેરમેન પ્રો. સૈયદ મહંમહ અલી કાદરીએ જણાવ્યું હતુ.

પ્રો.કાદરીએ 'અકિલા'ની મુલાકાત વેળા વધુમાં જણાવ્યું કે, ૭૦ વર્ષની અંદર કોંગ્રેસની સરકારે મુસ્લિમોનું તૃષ્ટિકરણ જ કર્યુ છે અને ગાજરની પીપૂડી પણ આપી નથી અને સુપ્રિમ કોર્ટના આદેશથી જયારે આ સરકારે હજજની સબસીડી બંધ કરી છે ત્યારથી પણ ભારતથી હજજ યાત્રિકો વધુને વધુ સંખ્યામાં હજજ માટે જઇ રહ્યા છે.  ભારતથી ઉતરોતર હજજ યાત્રિકોમાં વધારો થઇ રહ્યો છે અને હાલમાં હજયાત્રા મોંઘી છે ત્યારે દરિયાઇ માર્ગે હજયાત્રા કરવાની દરખાસ્ત ખૂદ ભારત સરકારને તેઓએ પોતાના વતી જ કરી હતી. જેનો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વીકાર કરી લીધો છે તેમ જણાવી પ્રો.કાદરીએ વધુમાં કહ્યુ કે, આજે પણ ભાજપની કેન્દ્ર સરકારની સાથે ગુજરાત રાજય હજજ સમિતિ પણ હજજ યાત્રિકને વધુને વધુ સુવિધા મળે એવા પ્રયત્નો કરી રહી છે.

જેના પરિણામે આજે સૌરાષ્ટ્રના જીલ્લા મથકોએ હજજ યાત્રિકોને સમજણ પૂરી પાડવા તાલીમ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જે પૈકી એક શનિવારે રાજકોટ ખાતે યોજાઇ ગયો. જેમાં ૪૦૦ જેટલા હજજ યાત્રિકોએ ભાગ લીધો હતો.

જે દરિયાઇ માર્ગે હજજ યાત્રા થશે તે માટે સ્ટીમરને રીનોવેશન કરવા હેતુસર ટેન્ડરો પ્રસિધ્ધ કરાયા છે અને વિદેશોમાં પણ  તેની માટે ઓફરો કરાઇ છે. આ સ્ટીમરમાં ૪ થી પ હજાર લોકો એકીસાથે મુંબઇથી જઇ શકશે. જે જોતા ગુજરાતનો હાલનો કવોટો ૬૯૦૦ હોઇ બે તબકકામાં હજજ યાત્રિકોનો સમાવેશ થઇ જશે.

પોતાનું ચેરમેન પદનું આ ત્રીજું વર્ષ હોવાનુ જણાવી પ્રો.કાદરીએ કહ્યુ કે,ભાજપ સરકારમાં વર્તમાન હજજ સમિતિ યાત્રિકો માટે જે કામ કરી રહી છે તેવું કાર્ય આજ દિ'સુધી કોઇ સમિતિએ કર્યુ નથી અને એટલુ જ નહી ૨૦૧૭ના વર્ષમાં આજ દી'સુધીમાં સૌથી વધુ ૧૧ હજાર જેટલા હજયાત્રિકો ગુજરાતથી હજજયાત્રા માટે ગયા હતા.

આ પ્રસંગે હજયાત્રીઓને શુભેચ્છા પાઠવતા હજ કમિટીના ચેરમેન પ્રો.મોહમ્મદ અલી કાદરીએ જણાવ્યું હતુ કે, ચાલુ વર્ષે ગુજરાતમાંથી ૪૪૦૦૦ અરજીઓ આવી હતી. તેમાંથી હજ કમિટીને મળેલ કવોટા મુજબ ૬૯૦૦ હાજીઓ નસીબદાર બન્યા છે. નસીબદાર લોકો મકકા મદીના જઇ કુટુંબ - સમાજ - કોમ અને આપણા મહાન રાષ્ટ્ર ભારતની શાંતિ અને પ્રગતિ માટે અલ્લાહથી દુઆ કરશો. હજ પઢીને પરત આવ્યા બાદ હાજીના વર્તનમાં સુધારો થવો જોઇએ. વાણી વર્તન વ્યવહારથી આપણા સમાજના અને દેશના લોકોને ખુશ રાખવા જોઇએ. ખૂદ મુસ્લિમ ધર્મગુરૂઓ અને નેતાઓ પણ ઇચ્છતા હતા કે આ નામ માત્રની હજ સબસીડી બંધ થવી જોઇએ.  ત્યારે હજ સસ્તી કરવા માટે પાણીના જહાજથી હાજીઓને હજયાત્રા કરાવવાનુ સુચન કર્યુ હતુ. જે સરકારે સ્વીકારતા વર્ષ ૨૦૧૯ થી હવે હવાઇ જહાજના બદલે પાણીના જહાજથી હાજીઓ મકકા મદીના જશે. જીવનમાં એક વખત પણ હજ કે ઉમરાહ કરેલ હોય તેમની પાસેથી વધારાના પાત્રીસ હજાર બસો રૂપિયા લેવાના સાઉદી સરકારના મનસ્વી ફરમાનનો પ્રો. મોહમ્મદઅલી કાદરીએ સાઉદી સરકાર સમક્ષ વિરોધ નોંધાવવા ભારત સરકારને વિનંતી કરી હતી.

પ્રો.કાદરીની સાથે રહેલા હજજ સમિતિના ડીરેકટર સૈયદ રફીકબાપુ લીમડાવાલા (ભાવનગર)એ 'અકિલા'ની વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે, ભાજપ સરકારની હજજ સમિતિની પ્રસંશા આજે વિપક્ષના ધારાસભ્યો કરી રહ્યા છે. ૨૦૧૫ના વર્ષથી આ હજજ સમિતિ કાર્યરત છે. જેની કાર્યપ્રવૃતિથી મુસ્લિમ સમાજને ઘણી રાહત મળી છે. હજજ સમિતિ હજજયાત્રા માટે સંપુર્ણ માર્ગદર્શન આપે છે અને યાત્રિકોને તેના સુધી પહોચવા દરેક રીતે મદદરૂપ થઇ સતત સંપર્કમાં રહે છે.

જો કે ભાજપનું વલણ મુસ્લિમો પ્રત્યે સોહાર્દ પુર્ણ છે અને ભાજપ સરકારની તમામ યોજનાઓનો મોટા ભાગનો લાભ આજે મુસ્લિમ સમાજ લઇ રહ્યો છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી પણ મુસ્લિમો ભાજપ પ્રત્યેના પ્રેમનો અનેકવાર ઉલ્લેખ કરી ચુકયા છે જે જોતા મુસ્લિમો સૌરાષ્ટ્રમાં જે રીતે ભાજપ પ્રત્યે સદભાવના વર્તી રહ્યા છે તે રીતે સમગ્ર ગુજરાતમાં વર્તશે તો જરૂર એક દિવસ આ દેશની સ્થિતિ બદલી જશે અને ભાજપની કોઇ રાજનીતી નથી. ભાજપ એક સિધ્ધાંતવાદી પક્ષ છે. તેથી મુસ્લિમોએ પણ જો કોઇ ભાજપ સાથે ખાઇ પડી હોઇ તો તે દૂર કરવા પ્રયત્ન કરવા જોઇએ. તેમ રફીકબાપુએ અંતમાં જણાવ્યુ હતુ.

શનિવારે સવારે સુમરા કોમ્યુનિટી હોલમાં રાજકોટ જીલ્લાના હજજ યાત્રિકોના યોજાયેલ કેમ્પમાં ધોરાજીના ટ્રેનર હાજી યામીનભાઇ ઉપરાંત ગુજરાત વકફબોર્ડના ચેરમેન સજ્જાદ  હીરા (રાજકોટ) તથા ગોંડલના ટ્રેનર સુલેમાનભાઇ કુકડ ઉપરાંત હજજ સમિતિના માસ્ટર ટ્રેનર ધોળકાના મૌલાના અબ્દુલગની મોમીનએ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમ માટે રાજકોટના ટ્રેનર હાજીભાઇ દોઢીયા (મધુવન સ્કુલ) એ જહેમત ઉઠાવી હતી. જેમાં તેઓના સાથીદારો અને જ્ઞાતિજન કાર્યકરોએ વિવિધ જવાબદારીઓ સંભાળી હતી.

સૌરાષ્ટ્રમાંથી ૧૪૩૮ યાત્રિકો સમિતિ દ્વારા હજ્જ કરશે

રાજકોટ : હજ્જ સમિતીની યાદી મુજબ આ વખતે સૌરાષ્ટ્રમાંથી કુલ ૧૪૩૮ હજજયાત્રિકો અમદાવાદથી વિમાનમાર્ગે હજયાત્રા માટે જશે. જેમાં રાજકોટ - ૨૩૧, જૂનાગઢ - ૨૨૦, ભાવનગર - ૨૦૮, મોરબી - ૨૦૬, ગીર સોમનાથ - ૧૫૦, સુરેન્દ્રનગર - ૧૨૦, અમરેલી - ૧૧૦, જામનગર - ૧૦૫, બોટાદ - ૩૫, દ્વારકા - ૨૭ અને પોરબંદર જીલ્લાના ૨૦ હજજ યાત્રિકોનો સમાવેશ થાય છે.

હજ્જ તાલીમ

શનિવારે રાજકોટમાં યોજાયેલ હજ્જ યાત્રિકોને તાલીમ આપવાના કાર્યક્રમમાં રાજકોટ શહેર અને જીલ્લામાંથી ૪૦૦ જેટલા હજ્જ યાત્રિક ભાઈ-બહેનો હાજર રહ્યા હતા તે તસ્વીરમાં નજરે પડે છે.

૩૩૬ હજ યાત્રિકોને રસી અપાઇ

રાજકોટ : શનિવારે યોજાયેલા હજ યાત્રીકોના તાલીમ કેમ્પ પૂર્ણ થયા બાદ સુમરા હોલમાંજ સાંજે રસીકરણ કરાયું હતું જેમાં ૩૩૬ હજ યાત્રીકોને સ્થળ ઉપર મેનેજ જાઇટસની રસી અપાઇ હતી જે માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના ડો. જે.ડી.ટાંક, પાર્થ પંડયા, વિરલભાઇ શ્રાવણ, વિશાલ ચોૈહાણ, ભરતભાઇ બોરીચા, કેશ રાઇટર ચંદ્રેશ ગોહિલ અને  સિસ્ટર વલિયાણી સાથે ડો. એમ.કે.કાદરી, ડો. ઇમ્તિયાઝ દોઢીયા, બ્રધર અસલમ કાકા, મહેબુબ દોઢિયા, રિયાઝ દોઢીયા, રામજીભાઇ દેગડા, હાજી અબ્દુલભાઇ સુમરા, મોહયુદીનભાઇ કુરેેશી, સમીર હિંગોરજા અને યુનુસ ઘાડા એ સહ કાર્યવાહી કરી તે તસ્વીરમાં નજરે પડે છે.

(4:58 pm IST)