Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

આર્મ્સ એકટના ગુનામાં નીચેની કોર્ટ દ્વારા થયેલ સજા-દંડનો હુકમ રદ

કેસની વિસંગતતાઓ અંગે રજૂઆત થતા કેસ રીમાન્ડ કરાયેલ

રાજકોટ તા. ૯ :.. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર. આર. સોલંકીએ સરકાર તરફે જાતે ફરીયાદી બનીને આરોપી મહીપાલસિંહ પ્રદ્યુમનસિંહ ઝાલા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવેલ કે આરોપીના કબજામાંથી દેશી બનાવટનો તમંચો ગેરકાયદેસર રીતે મળી આવેલ જે કસમાં નીચેની અદાલતે આરોપીને ત્રણ વર્ષની સખ્ત કેદની સજા તથા રૂ. પ૦૦૦ નો દંડ ફરમાવવામાં આવેલ હતો.

આરોપીએ સેશન્સ અદાલત સમક્ષ સજાના હુકમ સામે અપીલ કરીને બચાવ પક્ષના એડવોકેટશ્રીએ કહેલ કે કાયદા દ્વારા 'ફેર-ઇન્વેસ્ટીગેશન' અને 'ફેર-ટ્રાયલ' નો જે બંધારણીય અધિકાર આરોપીને મળેલ છે તે અધિકાર ઉપર પોલીસ દ્વારા તેમજ નીચેની અદાલત દ્વારા તરાપ મારવામાં આવેલ હોય જેના કારણે આરોપીના બચાવ ઉપર માઠી અસર પહોંચેલ છે. સ્વતંત્ર સાહેદો કેસને સમર્થન આપતા નથી તેમજ આર્મ્સ એકટનાં  કેસમાં પ્રોસીકયુશનની મંજૂરી આપનાર નાયબ પોલીસ કમીશ્નરશ્રીને તપાસવામાં આવેલ નથી તેમ છતાં તે દસ્તાવેજને ધ્યાને લઇને નીચેની અદાલતે સજાનો જે હુકમ કરેલ છે.

આ કામમાં બચાવ પક્ષની રજૂઆત તથા સરકારી વકીલશ્રીની દલીલ તેમજ નીચેની અદાલતનું રેકર્ડ અને સાહેદોની જુબાની  અને દસ્તાવેજી પુરાવાને લક્ષમાં લેતા એવા મંતવ્ય ઉપર આવેલ કે આરોપીના વકીલશ્રીએ રજૂ કરેલ. સુપ્રીમ કોર્ટ તથા ગુજરાત હાઇકોર્ટના ચુકાદાઓ શા કારણોસર લાગુ પડતા નથી તે અંગે નીચેની અદાલતે કોઇ ખુલાસો કરેલ નથી તેમજ રેકર્ડ ઉપર ઘણી બધી વિસંગતતાઓ રહેલી હોય આરોપીની દસ્તાવેજો પુરાવા અને ચુકાદામાં વિસંગતતા રહેલી હોય જેથી તે દુર કરવા માટે તેમજ આરોપી પક્ષને પોતાનો બચાવ કરવાની તક આપીને ફરીથી કેસ કાયદાની જોગવાઇઓ નીચે ચલાવી નિર્ણય કરવામાં આવે તો ન્યાયનો હેતુ જળવાશે જેનાથી કોઇપણ પક્ષકારોને નુકશાન જવા સંભવ રહેલો નથી. જેથી રાજકોટના મહે. અધિક સેશન્સ જજશ્રી એચ. એ. બ્રહ્મભટ્ટે સજાનો હુકમ રદ કરીને વિસંગતતાઓ દૂર કરીને યોગ્ય અને કાયદાની  જોગવાઇ મુજબ નિર્ણય કરવા માટે નીચેની અદાલતને કેસ પરત મોકલવાનો હુકમ ફરમાવવામાં આવેલ છે.

આ કામે આરોપીઓના એડવોકેટ દરજ્જે રાજકોટના શ્રી લલિતસિંહ જે. શાહી, ભુવનેશ એલ. શાહી, કૃણાલ એલ. શાહી, હીતેષ ગોહેલ, મનીષ ગુરૃંગ, નિશાંત જોષી તથા કીરીટસિંહ જાડેજા રોકાયેલા છે. (પ-ર૧)

(4:51 pm IST)