Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

રેલનગર અમૃત રેસિડેન્સી પાસે લોહાણા વેપારી ચંદ્રકાંતભાઇને છરી ઝીંકી લૂંટ

જ્યુબીલી શાક માર્કેટ પાસે દૂકાન ધરાવતાં ચંદ્રકાંતભાઇ કોટક (ઉ.૫૦) રાત્રે દૂકાનેથી ઘરે પહોંચ્યા ત્યારે બનાવઃ બે લૂંટારા સીસીટીવીમાં કેદઃ ૧૨-૪૮ કલાકે ઘટના બનીઃ આખી રાત પ્રોૈઢ બેભાન પડી રહ્યાઃ સવારે સફાઇ કામદારે ઘરે જાણ કરતાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૯: રેલનગરની અમૃતા રેસિડેન્સી નજીક મોડી રાતે લૂંટની ઘટના બની છે. લોહાણા વેપારીને બાઇક પર આવેલા બે શખ્સો ઢીકા-પાટુનો મુંઢ માર મારી તેમજ સાથળના ભાગે કોઇ તિક્ષ્ણ હથીયારથી ઇજા કરી મોબાઇલ ફોન તથા અમુક રોકડ રકમ લૂંટી ગયા છે. આ પ્રોૈઢ બેફામ મારને લીધે બેભાન થઇ જતાં આખી રાત કણસતા પડી રહ્યા હતાં. સવારે સફાઇ કામદાર આવતાં તે તેમને ઓળખી જતાં તેમના ઘરે જાણ કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હોઇ તેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ રેલનગર પાસે આસ્થા રેસિડેન્સી બ્લોક નં. ૮૨માં રહેતાં અને જ્યુબીલી શાક માર્કેટ પાસે થેલી-બેગની દૂકાન ધરાવતાં ચંદ્રકાંતભાઇ બાબુભાઇ કોટક (ઉ.૫૦) નામના લોહાણા પ્રોૈઢ તેમના ઘર નજીક સવારે બેભાન અને ઇજાગ્રસ્ત પડ્યા હોઇ  સફાઇ કામદાર તેમને ઓળખી જતાં તેમના ઘરે જાણ કરતાં પત્નિ જ્યોતિબેન, પુત્ર સહિતના પરિવારજનો દોડી આવ્યા હતાં અને ૧૦૮ બોલાવી તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં.

ચંદ્રકાંતભાઇ સવારે ભાનમાં ન હોઇ શું બન્યું તે અંગે પરિવારજનો જાણી શકયા નહોતાં. તેમને આંખ પર સોજા ચડી ગયા હતાં અને સાથળમાં કોઇ તિક્ષ્ણ હથીયારથી ઇજા થઇ હોય તેવું નિશાન દેખાયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરતાં પીએસઆઇ બી. જી. ડાંગર સહિતે તપાસ શરૂ કરી હતી.

ચંદ્રકાંતભાઇને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે અને બે ભાઇ તથા એક બહેનમાં વચેટ છે. પરિવારજનોના કહેવા મુજબ તેઓ જ્યુબીલી પાસે આવેલી પોતાની દુકાને મોડે સુધી રોકાય છે અને ઘણીવાર વધુ મોડુ થઇ જાય તો ત્યાં જ સુઇ જાય છે. રાત્રે દુકાનેથી ઘરે આવવા માટે રિક્ષામાં બેસી પોપટપરા નાલા સુધી આવે છે અને ત્યાંથી પગપાળા ઘરે પહોંચે છે.

ગત રાત્રે તેઓ દૂકાનેથી ઘરે જવા નીકળ્યા બાદ સવારે ઇજાગ્રસ્ત અને બેભાન હાલતમાં સોસાયટી નજીકથી જ મળ્યા હતાં. સોસાયટીના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતાં રાત્રે ૧૨:૪૮ કલાકે બાઇક પર બે શખ્સો આવી ચંદ્રકાંતભાઇ પર હુમલો કરી બેફામ મારકુટ કરી ભાગી જતાં દેખાય છે. અંધારા જેવું હોઇ ચહેરા કે વાહન નંબર સ્પષ્ટ દેખાતા નથી. ચંદ્રકાંતભાઇ પાસેથી મોબાઇલ ફોન ગૂમ છે અને રોકડ પણ ગાયબ છે. કેટલી રોકડ ગઇ? તે અંગે તેઓ ભાનમાં આવ્યા પછી ખબર પડશે. પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ શરૂ કરી છે. બનાવથી આ વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે.

 

(4:48 pm IST)