Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

ઇન્દ્રનીલનું કમ બેક...

લોકપ્રશ્નો માટે રાજકારણમાં સક્રિય થવા રાજયગુરૂનું શકિત પ્રદર્શન

અમેરીકાની વિદેશ યાત્રાએથી પરત ફર્યા બાદ શહેર કોંગ્રેસનાં પુર્વ પ્રમુખનો ધડાકોઃ પુર્વ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન રાજભા ઝાલા સહિતના આગેવાનોએ ઇન્દ્રનીલભાઇને સક્રિય થવા વિનંતી કરીઃ વિવિધ સમાજના આગેવાનો-કાર્યકરો સેંકડોની સંખ્યાની નીલ સીટી કલબે ઉમટી પડયાઃ કોંગ્રેસની વર્તમાન નેતાગીરી અને નીતી સામે વાંધો હોવાની સ્પષ્ટ વાત કરતા ઇન્દ્રનીલ રાજયગુરૂ : ૧૬ મી પછી રાજકારણમાં સક્રિય થવાનો એકશન પ્લાન જાહેર કરશે

કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય  ઇન્દ્રનીલભાઇ રાજયગુરૂએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધા બાદ અમેરીકાની વિદેશ યાત્રાએ ગયા હતા આ દરમિયાન તેઓનું રાજીનામું કોંગ્રેસ હાઇ કમાન્ડે મંજુર કરી દીધાની વાતો પણ વહેતી થયેલઃ દરમિયાન આજે તેઓ અમેરીકાથી પરત આવતા નીલ સીટી કલબ ખાતે તેઓના નિવાસસ્થાને વિવિધ સમાજના સેંકડો આગેવાનો અને કાર્યકરોએ ઉમટી પડી અને ઇન્દ્રનીલભાઇને રાજકારણમાં લોકસેવા માટે સક્રિય થવા વિનંતી કરી હતી. તે વખતની તસ્વીરોમાં શ્રી રાજયગુરૂ સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી રહેલા દર્શાય છે. તેમજ આ તકે ભાજપના પુર્વ દિગ્ગજ નેતા અને સ્ટેન્ડીંગ કમીટીના પુર્વ ચેરમેન રાજભા ઝાલાએ પણ ઉપસ્થિત રહી ઇન્દ્રનીલભાઇને પોતાનો ટેકો જાહેર કર્યો હતો. જે તસ્વીરમાં દર્શાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૯: કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય ઇન્દ્રનીભાઇ રાજયગુરૂ એ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ  અમેરીકાની વિદેશ યાત્રાએથી પરત ફરી પોતે ફરીથી રાજકારણમાં સક્રિય થઇ રહયાનો ધડાકો આજે સવારે કર્યો હતો. તેઓએ ભાજપ કે કોંગ્રેસ કોઇ પણ રાજકીય પક્ષમાં પ્રવેશ કર્યા વગર એકલા હાથે લોકો અને કાર્યકરોના સહયોગથી રાજકીય ક્ષેત્રમાં સક્રિય રહી અને લોકપ્રશ્નો ઉકેલવા પ્રયાસ કરવાની જાહેરાત કરી હતી.

આજે સવારે ૧૧.૩૦ વાગ્યે નીલ સીટી કલબ ખાતે આવેલ ઇન્દ્રનીલભાઇના નિવાસસ્થાને પટેલ, કોળી, દલીત, ભરવાડ, આહીર, મોચી, ક્ષત્રીય, દરજી, લઘુમતીઓ સતવારા સહિતના વિવિધ સમાજોના આગેવાનો અને કાર્યકરો સેંકડો સંખ્યામાં ઉમટી પડયા હતા અને ઇન્દ્રનીલભાઇ રાજયગુરૂને લોકોના પ્રશ્નો ઉકેલવા માટે શાસકો અને તંત્ર સામે લડત માટે કોંગ્રેસમાં પરત ફરવા વિનંતી કરી હતી. પરંતુ શ્રી રાજયગુરૂએ તમામ સમાજના આગેવાનો પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ કે ભાજપ જેવા રાજકીય પક્ષોમાં રહીને જ રાજકારણમાં સક્રિય થઇ લોકસેવા થઇ શકે એ માન્યતા ખોટી છે. કોઇ પણ રાજકીય પક્ષ વગર પણ લોકસેવા થઇ શકે તેવું મારૂ માનવું છે એ માટે હું રાજકારણમાં કોઇ પણ પક્ષ સાથે જોડાયા વગર ફરી સક્રિય થઇ રહયો છું.

કોંગ્રેસમાં 'બાવળીયા' ઉભા નહિ થાય તેવી કોઇ ગેરંટી નથી

આ તકે પત્રકારો સાથે વાતચીત દરમિયાન શ્રી રાજયગુરૂએ કુંવરજીભાઇ બાવળીયાના ભાજપ પ્રવેશથી કોંગ્રેસને મોટો ફાયદો હોવાનું જણાવ્યું હતું. પરંતુ સાથોસાથ તેઓએ એવી ટીપ્પણી પણ કરી હતી કે કોંગ્રેસની વર્તમાન નેતાગીરીની નીતી-રીતીને કારણે આ પ્રકારના 'બાવળીયા'ઓ ભવિષ્યમાં ઉભા નહિ થાય તેવી કોઇ ગેરંટી નથી માટે તેઓ હાલ તુર્ત કોંગ્રેસ સાથે જોડાવાના મુડમાં નથી તથા ભાજપમાં પણ નહિ જોડાય તેમ પણ તેઓએ સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો.

શ્રી રાજયગુરૂના આ શકિત પ્રદર્શન સમા આ કાર્યક્રમ વખતે કોંગ્રેસના આગેવાનોના વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા, મિતુલ દોંગા, જગદીશભાઇ મોરી, તુષારભાઇ નંદાણીયા, ભાવેશ બોરીચા સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત હતા.

નોંધનીય છે કે ઇન્દ્રનીલભાઇ ૧૬મી જુલાઇ સુધી બહારગામ જવાના હોય ત્યાંથી પરત ફર્યા બાદ તેઓ રાજકારણમાં કયાં પ્રકારે સક્રિય થશે? તેનો એકશન પ્લાન જાહેર કરશે તેમ તેઓએ જણાવેલ.

ઇન્દ્રનીલ જુથ નવું સંગઠન ઉભુ કરે તેવો નિર્દેશ આપતા રાજભા ઝાલા

રાજકોટઃ આજે ઇન્દ્રનીલ ભાઇને સક્રિય રાજકારણમાં પરત ફરવા માટે પુર્વ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન રાજભા ઝાલાએ પણ વિનંતી કરી હતી. તેઓએ પત્રકારોને જણાવ્યંુ હતું કે ઇન્દ્રનીલભાઇ કોઇ પણ પક્ષમાં જોડાયા વગર રાજકારણમાં સક્રિય થશે તો પણ હું તેમનો સાથ આપીશ. ભવિષ્યમાં રાજકોટ હિત રક્ષક સમીતી જેવું કોઇ સંગઠન બનાવી લોકસેવાનો અભિગમ ઇન્દ્રનીલભાઇ અપનાવે તો તેમા પણ હું સક્રિય રહીશ તેમ જણાવી રાજભા ઝાલાએ ઇન્દ્રનીલ જુથ નવુ સંગઠન ઉભુ કરે તેવો નિર્દેશ આપ્યો હતો. 

ઇન્દ્રનીલભાઇના સત્કાર સમારોહમાં માત્ર એક  કોર્પોરેટર!

રાજકોટઃ કોંગ્રેસના કોર્પોરેટરોને હાઇ કમાન્ડે નોટીસ આપ્યા બાદ ઇન્દ્રનીલભાઇ  રાજયગુરૂએ કોંગ્રેસ સાથે છેડો ફાડી અને રાજીનામુ ધરી દીધું હતું. ત્યાર બાદ તેઓ વિદેશ યાત્રાએ જતા રહેલ. આજે ત્યાંથી પરત ફર્યા બાદ ઇન્દ્રનીલભાઇને સત્કારવા માટે કોંગ્રેસના આગેવાનો-કાર્યકરો બહોળી સંખ્યામાં તેમના નિવાસસ્થાને ઉમટી પડયા હતા. પરંતુ આ સત્કાર સમારોહમાં એક માત્ર કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયા જ હાજર હતા. બાકી અન્ય કોઇ પણ કોંગી કોર્પોરેટર જોવા નહિ મળતા અનેક વિધ ચર્ચાઓ થઇ રહી હતી. જેના માટે ઇન્દ્રનીલભાઇએ રાજીનામુ ધરી દીધું તે કોર્પોરેટરો જ આજે તેઓની સાથે નહિ રહેતા અને તર્ક-વિતર્કો થઇ રહયા હતા.

(4:46 pm IST)