Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

પોલીસે ૮૩ બોટલો સાથે બે શખ્સને પકડ્યા... તેમાં ૪ દારૂની અને ૭૯ બોટલ રંગીન પાણીની નીકળી!

ગામને ગાળીયા પરોવવા નીકળેલા ભીચરીના મહેશ કોળી અને રાજકોટના ભરત કોળીની ધરપકડઃ ખાલી બોટલો શોધી લાલ-પીળા રંગનું પાણી ભરી લીધુ'તું: પ્યાસીઓને ધાબડીને છેતરે એ પહેલા સકંજામાં

દારૂની ૪ અને રંગીન પાણીની ૭૯ બોટલો સાથે બંને શખ્સ અને કુવાડવાનો સ્ટાફ જોઇ શકાય છે

રાજકોટ તા. ૯:  ગામને ગાળીયા પરોવવા નીકળી પડતાં હોય તેને મોંઘવારી નડતી નથી. ખાણી-પીણીની ચીજવસ્તુઓમાં ભેળસેળ થતી હોવાના કિસ્સા અનેક વખત સામે આવતા રહે છે. પણ ભીચરી અને રાજકોટના બે શખ્સોએ દારૂની બોટલોમાં રંગીન પાણી ભરી દારૂ તરીકે ખપાવવાની કોશિષ કરતાં પોલીસની ઝપટે ચડી ગયા છે! પોલીસે આ શખ્સો પાસેથી વિદેશી દારૂની ૪ બોટલ અને રંગીન પાણી ભરેલી ૭૯ બોટલ કબ્જે કરી છે. લોકોને વેંચીને છેતરપીંડી કરે એ પહેલા બંને ઝડપાઇ ગયા છે.

કુવાડવા પોલીસ મથકની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. દિલીપભાઇ બોરીચા, કૃષ્ણદેવસિંહ જાડેજા, સિરાજભાઇ ચાનીયા, મનિષભાઇ ચાવડા અને રાજશેભાઇ ચાવડાને હકિકત મળી હતી કે હિરાસર ગામના પાટીયા પાસે બે શખ્સો દારૂનું કટીંગ કરવા ઉભા છે. પોલીસ ત્યાં પહોંચતા ૮૩ બોટલ સાથે બે શખ્સ મળતાં પુછતાછ કરતાં પોતાના નામ મહેશ ઉર્ફ મયલો કરમશીભાઇ ડાભી (કોળી) (ઉ.૩૭-રહે. ભીચરી અમરગઢ, વિજયભાઇ પટેલના મકાનમાં, મુળ જેપુર મોરબી) તથા ભરત અમરશીભાઇ સાપરા (કોળી) (ઉ.૩૦-રહે. માંડા ડુંગર પાછળ પિઠડઆઇ સોસાયટી-૨) જણાવ્યા હતાં.

પોલીસે તપાસ કરતાં આ ૮૩ બોટલોમાંથી માત્ર ૪ બોટલમાં જ દારૂ હતો. બાકીની ૭૯ બોટલમાં લાલ-પીળુ રંગીન પાણી ભરેલું જોવા મળતાં પોલીસ આશ્ચર્યમાં પડી ગઇ હતી. બંને સામે ચાર બોટલનો કેસ કરી ધરપકડ કરી પુછતાછ કરવામાં આવતાં દારૂના બદલે પાણી ધાબડી છેતરપીંડી કરવાના હોવાનું રટણ કર્યુ હતું. મહેશ ઉર્ફ મયલો અગાઉ દારૂમાં પકડાઇ ચુકયો છે. તે અને ભરત છુટક મજૂરી કરે છે. નદીમાંથી પાણી લાવી ખાલી બોટલો ભંગારમાંથી ભેગી કરી તેમાં રંગીન પાણી ભર્યુ હોવાનું બંનેએ કહ્યું હતું. બંને પાસેથી બે મોબાઇલ ફોન પણ કબ્જે કરાયા છે.

આ કાર્યવાહીમાં પી.આઇ. એ. આર. મોડીયાની રાહબરીમાં પીએસઆઇ એમ. કે. ઝાલા, એએઅસાઇ રાયધનભાઇ કે. ડાંગર, હરેશભાઇ સારદીયા, હિતેષ માલકીયા સહિતની ટીમ જોડાઇ હતી. પ્રારંભે તો બોટલોનો જથ્થો જોઇ કવોલીટી કેસ થયાનું સમજી પોલીસ ઉત્સાહમાં આવી ગઇ હતી. પણ ૭૯ બોટલો પાણીની નીકળતાં સ્ટાફમાં રમૂજ ફેલાઇ ગઇ હતી. (૧૪.૧૧)

(12:57 pm IST)