Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

તમંચો-સ્ટાર્ટર રિવોલ્વર સહિત ૧૦ હથીયારો સાથે બે પકડાયાઃ યુ.પી. અને અમદાવાદથી લાવ્યાનું રટણ

ભકિતનગર પોલીસે જમીન મકાનના બે ધંધાર્થીને બાપુનગરમાંથી દબોચ્યાઃ એક અગાઉ જામનગર પંથકમાં ત્રણ મર્ડરમાં સંડોવાયો'તોઃ ઝાકીર દલ અને મિત્ર મહમદ હિરીયાને મહિલા પીએસઆઇ ડી.એ. ધાંધલીયાની બાતમી પરથી પકડાયા

રાજકોટઃ જીલ્લા ગાર્ડન પાસે બાપુનગર મેઇન રોડ પર કવાર્ટર નં. ૧૨૬માં રહેતાં અને જમીન-મકાનનો ધંધો કરતાં ઝાકીર આમદભાઇ દલ (સંધી) (ઉ.૫૨) અને તેની સાથે જ કામ કરતો તથા સાથે જ રહેતો મહમદ કરીમભાઇ હિરીયા (મીર) (ઉ.૫૦) ઘરમાં ગેરકાયદે તમંચો સહિતના હથીયારો રાખતા હોવાની બાતમી ભકિતનગરના મહિલા પીએસઆઇ ડી. એ. ધાંધલ્યાને મળતાં  દરોડો પાડવામાં આવતાં દેશી તમંચો, એક જીવતો કાર્ટીસ, સ્ટાર્ટર રિવોલ્વર (જેમાં ખાલી અવાજ થાય છે), ૨૮ ફુટેલા કાર્ટીઝ, ત્રણ જીવતા કાર્ટીઝ, એક બેઝબોલનો ધોકો, પિત્તળના ગોળ હાથાવાળી તલવાર, હોકી, સિલ્વર ધાતુવાળી તલવાર, ત્રણ છરીઓ અને એક કોયતો સહિતના હથીયારો મળી આવતાં બંને સામે આર્મ્સ એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરાઇ હતી. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી બલરામ મીના, એસીપી ભરત બી. રાઠોડ અને પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ ધાંધલ્યા, એએસઆઇ સુરેશભાઇ મકવાણા, હેડકોન્સ. પ્રકાશભાઇ વાંક, નિલેષભાઇ મકવાણા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, કિશોરભાઇ પરમાર, નરભેરામ પટેલ, પ્રવિણભાઇ સોનારા, કોન્સ. ભાવેશભાઇ મકવાણા, દેવાભાઇ ધરજીયા, વિક્રમભાઇ ગમારા સહિતે આ કામગીરી કરી હતી. ઝાકીર અગાઉ જામનગર પંથકમાં હત્યાના ત્રણ ગુનામાં સંડોવાયો હોઇ તેણે આ કારણોસર તમંચો સાતેક વર્ષ પહેલા યુ.પી.ના શખ્સ પાસેથી લીધાનું અને સ્ટાર્ટર રિવોલ્વર કે જેમાંથી માત્ર અવાજ થાય છે તે અમદાવાદથી લાવ્યાનું રટણ કર્યુ છે. વિશેષ પુછતાછ માટે રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે. (૧૪.૯)

(12:55 pm IST)