Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

રાજકોટ-અમદાવાદના બે બ્રાહ્મણ ભાઇઓ નયન અને વિજય પર સરધારમાં દરબાર શખ્સોનો હીચકારો હુમલો

અલ્ટો કાર આંતરી 'તમને ના પાડી તો'ય કેમ સરધારમાં આવો છો?' કહી ધમાલ મચાવાઇઃ મિત્ર મહેશને મુકવા ગયા ત્યારે અગાઉની બોલાચાલીનો ખાર રાખી મનોહરસિંહ જાડેજા, રઘુવીરસિંહ, અજયસિંહ, રામદેવસિંહ અને દિગ્વીજયસિંહ લોખંડના એંગલ-ધોકાથી તૂટી પડ્યા

રાજકોટ તા. ૯: રાજકોટ અને અમદાવાદ રહેતાં બે બ્રાહ્મણ ભાઇઓ ગઇકાલે અલ્ટો કારમાં પોતાના મિત્રને મુકવા સરધાર ગયા ત્યારે ત્યાંના દરબાર શખ્સોએ બે દિવસ પહેલા થયેલી બોલાચાલીનો ખાર રાખી કારને આંતરી બંને ભાઇઓને 'તમને ના પાડી તો'ય કેમ સરધાર આવ્યા?' તેમ કહી લોખંડના એંગલ અને બેઝબોલના ધોકાથી બેફામ માર મારી ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપતાં બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

રેલનગર પાસે શ્રધ્ધા પાર્ક સોસાયટી બ્લોક નં. ૪૩માં રહેતો અને એલ્યુમિનીયમ સેકશનનું કામ કરતો નયન હર્ષદરાય ઠાકર (ઉ.૩૨) અને તેનો ભાઇ વિજય હર્ષદરાય ઠાકર (ઉ.૩૦) સાંજે લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. પીએસઆઇ આર. વી. કડછાની તપાસમાં બંને ભાઇ પર સરધારમાં હુમલો થયાનું ખુલતાં નયન ઠાકરની ફરિયાદ પરથી સરધારના મનોહરસિંહ બહાદુરસિંહ જાડેજા, રઘુવીરસિંહ જાડેજા, અજયસિંહ, રામદેવસિંહ જાડેજા અને દિગ્વીજયસિંહ જાડેજા સામે ગુનો નોંધ્યો હતો.

નયનના કહેવા મુજબ તેનો ભાઇ વિજય અમદાવાદ વેજલપુર રહી મજૂરી કરે છે. તે પાંચેક દિવસથી રાજકોટ આવ્યો છે. ગઇકાલે પોતે મિત્ર સરધારના મહેશ થડેશ્વરને મુકવા પોતાની અલ્ટો કાર લઇને સરધાર ગયો હતો. સાથે તેનો ભાઇ વિજય અને બીજો મિત્ર ગોપાલ વાળંદ પણ હતો. બે દિવસ પહેલા પોતે અને મિત્ર મહેશ સરધારમાં ઉભા હતાં ત્યારે દરબાર શખ્સોએ ઝઘડો કરી ગામમાં આવવાની ના પાડી હતી. આ બાબતે એ દિવસે ફોનમાં પણ માથાકુટ થઇ હતી. ગઇકાલે પોતાને ભાઇ વિજયને અમદાવાદ મુકવા જવું હોઇ એ પહેલા મિત્ર મહેશને તેના ગામ સરધાર મુકવા ગયો હતો. ત્યારે દરબાર શખ્સોએ અલ્ટો કારનો સ્વીફટ કારથી પીછો કરી કાર ઉભી રખાવી તમને ના પાડી તો પણ કેમ ગામમાં આવ્યા? તેમ કહી લોખંડના એંગલ અને બેઝબોલના ધોકાથી બંને ભાઇઓ પર હુમલો કરાયો હતો. તેમજ મારી નાંખવાની ધમકી અપાઇ હતી. પોલીસે તમામ હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.(૧૪.૭)

(12:05 pm IST)