Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

પ્ર.નગર પોલીસ મથક હેઠળના વિસ્તારોમાંથી લારી-ગલ્લાવાળાને શોધી વેકસીનેશન કામગીરી કરાવાઇ

પોલીસ ઇન્સ્પેકટર એલ. એલ. ચાવડા અને ટીમે સુપર સ્પ્રેડરને શોધી સદર બજાર અને જંકશન પ્લોટના આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જઇ વેકસીન માટે વ્યવસ્થા કરી આપી

રાજકોટઃ શહેરમાં કોરોનાની બીજી લ્હેર પુરી થવામાં છે અને ત્રીજી લ્હેર સંભવીત આવી શકે તેમ છે. એ પહેલા શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ વેકસીનેશનની કામગીરી ઝડપી બનાવી છે. આ કામગીરીમાં શહેર પોલીસ પણ ખભેખભો મિલાવી કામ કરી રહી છે. શાકભાજીની લારીઓ તથા બીજા લારી ગલ્લા વાળા સુપરસ્પ્રેડર તરીકે ઓળખાય છે. આ તમામને કોરોના વેકસીન આપી સુરક્ષીત કરવાના ધ્યેય સાથે પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે તમામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને સુચનાઓ આપી હોઇ તમામ પોલીસ સ્ટેશનના પીઆઇ અને તેમની ટીમો પોતપોતાના વિસ્તારોમાંથી સુપરસ્પ્રેડર શોધી તેમણે વેકસીન લીધી ન હોય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં મોકલી વેકસીન અપાવવા કામગીરી કરી રહી છે. તે અંતર્ગત આજે જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની સુચના મુજબ પ્ર.નગર પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ બી. વી. બોરીસાગર, પીએસઆઇ કે. ડી. પટેલ , દેવશીભાઇ ખાંભલા, જનકભાઇ, અક્ષયભાઇ, યુવરાજસિંહ સહિતની ટીમે લારી ગલ્લાવાળા કે જેમણે વેકસીન લીધી ન હોય તેમને સમજાવીને પોલીસ વેનમાં બેસાડી સદર બજાર અને જંકશન પ્લોટ વિસ્તારના આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જઇ વેકસીન અપાવવાની સુવિધા કરી આપી હતી. દરરોજ અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા આ કામગીરી થઇ રહી છે.

(3:14 pm IST)