Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

મોરબી રોડ પર વિધી કરવાના બહાને અજાણી સ્ત્રી મહેશ્વરી પરિવારને છેતરીને રોકડ-સાડી લઇ ગઇ!

અજાણી મહિલાએ આવીને કહ્યું-તમારા ઘરમાં તકલીફ છે, દુર કરી દઇશ...: લાલ મરચા અને નમકવાળુ પાણી પીવાનું નાટક કરી 'હમણા આવું, તમે કલાક સુધી બહાર ન નીકળતા' કહીને છનનન થઇ ગઇ

રાજકોટ તા. ૯: મોરબી રોડ પર લાખાજીરાજ રેલ્વે સ્ટેશન સામે મુરલીધર ગાંઠીયાની બાજુમાં રહેતાં કચ્છી મહેશ્વરી પરિવારના ઘરે પરમ દિવસે બપોરે પાણી પીવાના બહાને આવેલી અજાણી મહિલાએ 'તમારા ઘરમાં નડતર છે, વિધી કરી દઉ તો બધુ સારુ થઇ જશે' તેવું નાટક કરી રોકડ, સાડી, નાકની નથડી તેમજ પ્યાલા લઇ છનનન થઇ જતાં આ અંગે પોલીસને લેખિત ફરિયાદ કરવામાં આવી છે.

આ અંગે મોહનભાઇ સજણભાઇ ફફલ નામના કચ્છી મહેશ્વરી આધેડે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે હું પત્નિ, બે પુત્રો અને બે પુત્રી સાથેના પરિવારમાં રહુ છું. તા. ૭ના બપોરે ત્રણેક વાગ્યે આશરે ૬૦ વર્ષની એક સ્ત્રી ઘરે આવી હતી. તેણીએ લીલા રંગની સાડી પહેરી હતી અને હાથમાં પ્લાસ્ટીકની સફેદ કલરની બે બેગ હતી. તેણે પાણી પીવું છે તેમ કહ્યું હતું અને ઘરમાં આવી જતાં મારી દિકરી નંદનીએ મારી પત્નિને બોલાવી હતી. જેથી મારી પત્નિ ડેલીએ જતાં એ મહિલાએ કહેલ કે તમારા ઘરમાં તકલીફ છે, તમારો દિકરો ઉમરામાં જમે છે. આ તકલીફ હું દુર કરી દઇશ તેમ જણાવી પોતે માતાજીની ભુઇ છે તેમ પણ કહ્યું હતું.

આ મહિલાએ પોતે ગોંડલ રોડ પર રહેતી હોવાનું અને શાંતાબેન મનસુખભાઇ  નામ હોવાનું કહ્યું હતું. પાણી પીવું છે તેમ કહેતાં મારા પત્નિએ તેને ઘરમાં બોલાવ્યા હતાં. બાદમાં તેણીએ પાણીનો ગ્લાસ, લાલ મરચાની ભુકી અને મીઠુ (નમક) લાવવાનું કહેતાં અમે તેને આ વસ્તુ આપી હતી. તેણીએ કહેલ કે પોતે નમક-મરચાવાળુ પાણી પીને તકલીફ દુર કરશે. એ પછી તેણે પાણી પીતા-પીતા મારી દિકરીની સોનાની નથડી ઉતરાવી લીધી હતી. એક વાસણ મંગાવી તેમાં ચા પીવાના પાંચ કપ, એક સાડી, રોકડા રૂ. ૯૫૦૦ મુકાવ્યા હતાં. અમને બધાને સામે બેસાડી એ મહિલાએ વિધીનું નાટક કર્યુ હતું અને કહેલ કે આ બધી વસ્તુ લઇને હું વિધી કરવા જાવ છું. તમે એક કલાક સુધી બહાર ન નીકળતાં. તેમ કહી જતી રહી હતી. કલાક પછી પણ તે પાછી ન આવતાં તપાસ કરતાં ઠગાઇ થયાની ખબર પડી હતી. તેમ પોલીસ ફરિયાદમાં જણાવાતાં તપાસ શરૂ થઇ છે.

(4:33 pm IST)
  • સીરિયાના બળવાખોર કબ્જાગ્રસ્ત ઇદ્લીબ પ્રાંતના એક ગામ પર રશિયાએ ફરી કર્યા ઘાતક હવાઈ હુમલાઓ : ૬ બાળકો સહિત લગભગ ૪૪ લોકોના મોત થયાનું બહાર આવ્યું : જોકે રશિયાએ આ વાતનો રદિયો આપતાં કહ્યું છે કે તેમણે આ હુમલાઓ નથી કર્યા access_time 12:37 pm IST

  • હવામાન વિભાગે આગામી ચાર-પાંચ દિવસ માટે ચેતવણી આપી છે, જે મુજબ દેશના ઘણા વિસ્તારોમાં આંધી-તોફાન અને ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મુંબઈ, કોંકણ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશથી લઈને બંગાળ સુધી આંધી-તોફાન અને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સાથે દરિયાઈ વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. access_time 2:40 am IST

  • તાજેતરમાં દક્ષિણ આફ્રિકામાં પીટર મેરિત્સબર્ગ રેલવે સ્ટેશ પર મુકવામાં આવેલા રાષ્ટ્રપિતા ગાંધીજીના બે ચહેરાવાળા પુતળાને લઈને ભારે વિવાદ થયો છે. આ પુતળું "મોહન થી મહાત્મા" ની સફરને ઉજાગર કરે છે. દક્ષિણ આફ્રિકામાં ભારતીય હાઇકમિશનરે પુતળાનેને અજાયબી ગણાવી છે, તો બીજી બાજુ ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ટ્વિટ દ્વારા રોષ ઠાલવ્યો હતો કે "બે ચહેરાઓ, નોનસેન્સ! તોડી નાખવું જોઇએ." access_time 10:47 am IST