News of Saturday, 9th June 2018

બિલીયાળા નજીક કાર અકસ્માતમાં રાજકોટના વ્હોરા મહિલા બાદ સસરા યુસુફભાઇનું પણ મોત

મુળ વતન વંથલીથી પરત આવતી વખતે બુધવારે ગોંડલ નજીક બનાવ બન્યો'તોઃ રણછોડનગરમાં રહેતાં વૃધ્ધે સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ બરફવાલા પરિવારમાં માતમં

રાજકોટ તા. ૯: ગોંડલના બિલીયાળા પાસે સાંજે કાર રોડ ડિવાઇડર પર ચડી જતાં ચાલક મુળ વંથલીના અને હાલ રાજકોટ રહેતાં દાઉદી વ્હોરા યુવાન, તેના પત્નિ, માતા-પિતા અને પુત્રને ઇજા થઇ હતી. જેમાં ગંભીર ઇજાગ્રસ્ત પત્નિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. સારવાર દરમિયાન આ યુવાનના પિતાનું પણ આજે મોત નિપજ્યું છે. ચાર જ દિવસમાં એક જ પરિવારના પુત્રવધૂ અને સસરાના મોત નિપજતાં માતમ છવાઇ ગયો છે.

જાણવા મળ્યા મુજબ રણછોડનગરમાં રહેતાં અને એ.સી. ફિટીંગ, રિપેરીંગનું કામ કરતાં જુજરભાઇ યુસુફભાઇ બરફવાલા (વ્હોરા) (ઉ.૩૫) મંગળવારે પોતાની કાર લઇ પોતાના મુળ વતન વંથલી ગયા હતાં. તેમની સાથે પત્નિ ફાતેમાબેન જુજરભાઇ બરફવાલા (ઉ.૩૩), માતા શાહેદાબેન (ઉ.૫૫), પિતા યુસુફભાઇ સુલ્તાનભાઇ બરફવાલા (ઉ.૬૦) અને પુત્ર મોઇઝ જુજરભાઇ (ઉ.૬) પણ ગયા હતાં.

બુધવારે સાંજે  બધા કાર મારફત પરત રાજકોટ આવવા નીકળ્યા હતાં. કાર જુજરભાઇ ચલાવી રહ્યા હતાં. બિલીયાળા નજીક પહોંચ્યા ત્યારે કોઇપણ કારણોસર જુજરભાઇએ કાબુ ગુમાવતાં કાર રોડ ડિવાઇડરમાં ચડી જતાં તમામને ઇજા થઇ હતી. જેમાં જુજરભાઇના પત્નિ ફાતેમાબેનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

પિતા યુસુફભાઇ અને માતા શાહેદાબેનને ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે જુજરભાઇ અને પુત્ર મોઇઝનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો. યુસુફભાઇને રાજકોટ સિવિલમાં અને શાહેદાબેનને જલારામ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આજે સારવાર દરમિયાન યુસુફભાઇએ પણ દમ તોડી દીધો છે. તેઓ બે ભાઇ અને છ બહેનમાં બીજા હતાં. હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે કાગળો કરી ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

(11:49 am IST)
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ચીનના કિંગદાઓ શહેરમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી. બંન્ને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી. મીટિંગથી પહેલા બંન્ને નેતાઓ ગર્મજોશીથી મળ્યા. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, ભારત અને ચીન વચ્ચે મજબૂત અને સ્થિર સંબંધથી વિશ્વને સ્થિરતા અને શાંતિની પ્રેરણા મળી શકે છે. તેમણે વુહાનમાં શીની સાથેની અનૌપચારિક મુલાકાતને પણ યાદ કરી હતી. શી જિનપિંગ સાથેની મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ચીનના રાષ્ટ્રપતિ સાથેની તસ્વીર પણ પોતાના ટ્વીટર પર શેર કરી હતી. access_time 7:17 pm IST

  • આજે ફરી તટીય મહારાષ્ટ્ર, ગોવામાં અતિ ભારે વરસાદની સંભાવના : ગઈકાલે મહારાષ્ટ્રમાં ચોમાસાનો પ્રારંભ થયા બાદ આજે રાજ્યના તટીય ભાગો, મુંબઈ અને ગોવામાં અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. તટીય કર્ણાટક, ગોવા અને દક્ષિણ મહારાષ્ટ્રમાં પહેલેથી જ વરસાદની સ્થિતિ સર્જાઈ છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં પ્રશાસન કોઈ પણ ઈમરજન્સીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એલર્ટ પર છે. BMC કર્માચારીઓની વીકેન્ડની રજાઓ પણ રદ કરી દેવામાં આવી છે. access_time 11:16 am IST

  • અમદાવાદમાં કાલથી હળવા વરસાદની આગાહી: અમદાવાદવાસીઓ પણ અસહય બફારા ઉકળાટથી ત્રસ્ત છેઃ ત્યારે તેઓ માટે થોડા રાહતના સમાચાર છેઃ આવતીકાલથી અમદાવાદમાં હળવા વરસાદની હવામાન ખાતાએ આગાહી કરી છે access_time 11:27 am IST