News of Saturday, 9th June 2018

ધો-૧૨ના છાત્રનો ગળાફાંસો ખાઇ આપઘાત

મોરબી રોડ પર મહાશકિત પાર્કમાં બનાવઃ માતા સવારે પાંચ વાગ્યે ઉઠીને અગાસીએથી નીચે આવ્યા ત્યારે ૧૭ વર્ષનો દિકરો હર્ષ રૂમમાં લટકતો મળ્યોઃ આપઘાતનું કારણ અકળ

રાજકોટ તા. ૯: જુના મોરબી રોડ પર મહાશકિત પાર્કમાં રહેતાં અને ધોરણ-૧૨માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં સગર પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

મહાશકિત પાર્કમાં હર્ષ રાજેશભાઇ કારેણા (ઉ.૧૭)એ ઘરમાં પંખામાં સાડી બાંધી ગળફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ થતાં બી-ડિવીઝનના હેડકોન્સ. ખોડુભા જાડેજા સહિતના સ્ટાફે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. આપઘાત કરનાર હર્ષ માતા-પિતાનો એકનો એક પુત્ર હતો અને એક બહેનથી નાનો હતો. તે કુવાડવા રોડ પર આવેલી નક્ષત્ર વિદ્યાલમાં ધોરણ-૧૨માં અભ્યાસ કરતો હતો. આ વર્ષે જ તેણે બારમા ધોરણમાં પ્રવેશ લીધો હતો.

પરિવારના બધા લોકો રાત્રે અગાસી પર સુતા હતાં. હર્ષએ વહેલી સવારે કે મોડી રાત્રે નીચે આવી રૂમ અંદરથી બંધ કરી લઇ આ પગલુ ભરી લીધુ હતું. તેના માતા સવારે પાંચ વાગ્યે ઉઠીને નીચે આવ્યા ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. ખખડાવવા છતાં નહિ ખોલાતાં પડોશીએ અગાસીએથી રૂમની બારીમાંથી જોતાં હર્ષ લટકતો જોવા મળતાં દરવાજો તોડવામાં આવ્યો હતો. એકના એક દિકરાના મોતથી માતા-પિતા ઉંડા આઘાતમાં ગરક થઇ ગયા છે. આપઘાતનું કારણ બહાર ન આવતાં તપાસ યથાવત રખાઇ છે.

હર્ષ અભ્યાસ કરવા સાથે ઇમિટેશનનું કામ પણ કરતો હતો. તેના પિતા મજૂરી કરે છે. મુળ ગોંડલનો આ પરિવાર વર્ષોથી રાજકોટ સ્થાયી થયો છે. (૧૪.૬)

(4:24 pm IST)
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ચીનના કિંગદાઓ શહેરમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી. બંન્ને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી. મીટિંગથી પહેલા બંન્ને નેતાઓ ગર્મજોશીથી મળ્યા. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, ભારત અને ચીન વચ્ચે મજબૂત અને સ્થિર સંબંધથી વિશ્વને સ્થિરતા અને શાંતિની પ્રેરણા મળી શકે છે. તેમણે વુહાનમાં શીની સાથેની અનૌપચારિક મુલાકાતને પણ યાદ કરી હતી. શી જિનપિંગ સાથેની મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ચીનના રાષ્ટ્રપતિ સાથેની તસ્વીર પણ પોતાના ટ્વીટર પર શેર કરી હતી. access_time 7:17 pm IST

  • હવામાન વિભાગે આગામી ચાર-પાંચ દિવસ માટે ચેતવણી આપી છે, જે મુજબ દેશના ઘણા વિસ્તારોમાં આંધી-તોફાન અને ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મુંબઈ, કોંકણ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશથી લઈને બંગાળ સુધી આંધી-તોફાન અને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સાથે દરિયાઈ વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. access_time 2:40 am IST

  • તાજેતરમાં દક્ષિણ આફ્રિકામાં પીટર મેરિત્સબર્ગ રેલવે સ્ટેશ પર મુકવામાં આવેલા રાષ્ટ્રપિતા ગાંધીજીના બે ચહેરાવાળા પુતળાને લઈને ભારે વિવાદ થયો છે. આ પુતળું "મોહન થી મહાત્મા" ની સફરને ઉજાગર કરે છે. દક્ષિણ આફ્રિકામાં ભારતીય હાઇકમિશનરે પુતળાનેને અજાયબી ગણાવી છે, તો બીજી બાજુ ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ટ્વિટ દ્વારા રોષ ઠાલવ્યો હતો કે "બે ચહેરાઓ, નોનસેન્સ! તોડી નાખવું જોઇએ." access_time 10:47 am IST