Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

કુવાડવા પાસે આઇશર પાછળ અથડાતાં કારનો બૂકડોઃ ઇન્દોરના મરાઠા પ્રોૈઢનું મોત-પાંચને ઇજા

મૃતક વિનાયકભાઇ ડકારે શિક્ષણ ખાતાના કર્મચારી હતાં: પત્નિ- દિકરી- જમાઇઓ સાથે મહેસાણાથી દ્વારકા જતી વખતે બનાવ

આઇશર પાછળ ઘુસી જતાં આગળના ભાગેથી બૂકડો બોલી ગયેલી અર્ટીગા કાર અને ઇન્સેટમાં મૃતક વિનાયકભાઇ ડકારેનો નિષ્પ્રાણ દેહ તથા અન્ય તસ્વીરોમાં તેમના ઇજાગ્રસ્ત પરિવારજનો જોઇ શકાય છે (ફોટોઃ ભીમજી સોઢા-કુવાડવા)

રાજકોટ તા. ૯: વહેલી સવારે સાડા પાંચેક વાગ્યે કુવાડવા જીઆઇડીસી નજીક આઇશર પાછળ અર્ટીગા કાર અથડાતાં કારમાં બેઠેલા ઇન્દોરના મરાઠા પ્રોૈઢનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે તેમના પત્નિ, દિકરીઓ, જમાઇ તથા કાર ચાલકને ઇજા થતાં રાજકોટ ખસેડાયા હતાં. આ પરિવાર દ્વારકા જઇ રહ્યો હતો.

જાણવા મળ્યા મુજબ એમ.પી.ના ખંડવામાં રહેતાં અને શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતાં મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ પરિવારના વિનાયકભાઇ પદ્માકરભાઇ ડકારે (ઉ.૫૬) તથા તેમના પત્નિ વંદનાબેન વિનાયકભાઇ ડકારે (ઉ.૫૦), પુત્રી નિકીતા દુર્ગેશ વૈદ્ય (ઉ.૨૮), જમાઇ દુર્ગેશ એમ. વૈદ્ય (ઉ.૩૦), બીજી દિકરી પ્રણિતા સંદિપ દસ્તુરે (ઉ.૨૪), જમાઇ સંદિપભાઇ દસ્તુરે તે સહિતના લોકો બે દિવસ પહેલા મહેસાણા આવ્યા હતાં. અહિથી દ્વારકા જવું હોઇ રાત્રે ત્યાંથી રવાના થયા હતાં. વહેલી સવારે કુવાડવા જીઆઇડીસી નજીક આગળ જઇ રહેલા આઇશરના ચાલકે અચાનક બ્રેક મારતાં તેની પાછળ અર્ટીગા કાર નં. જીજે૨૪કે-૮૬૨૫ ધડાકાભેર અથડાતાં કારમાં બેઠેલા તમામને ઇજા થઇ હતી. જેમાં વિનાયકભાઇ ડકારેનું  ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

અન્ય ઇજાગ્રસ્તો કાર ચાલક મહેસાણાના મુકેશ એદુજીભાઇ ઠાકોર (ઉ.૨૨) તથા વંદનાબેન ડકારે, નિકીતા દુર્ગેશ, સંદિપ દસ્તુરે, દુર્ગેશ વૈદ્ય સહિતને રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઇ પી.સી. મોલીયા અને રાઇટર હમીરભાઇએ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવથી મરાઠા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. મૃતકને સંતાનમાં બે દિકરીઓ છે. (૧૪.૫)

(11:47 am IST)