Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

માંડણ મેર ત્રણ વર્ષથી શિવધારાના તમામ રહેવાસીઓને ફલેટ ખાલી કરી ભાગી જવા ધમકાવતો હતોઃ વૃધ્ધને ઇંટ ફટકારી'તી

ડો. જયેશ મોઢવાડીયાને ફલેટ પડાવવા ધમકાવનાર એસ્ટેટ બ્રોકર સામે વધુ એક ગુનો નોંધાયોઃ માલવીયાનગર પોલીસમાં અલગ ગુનો નોંધી ધરપકડઃ કોઇના સહારાથી તે ફલેટ ધારકોને દબવાડતો હતોઃ લિફટમાં કોઇ પરિવારના મહિલા મળી જાય તો તેને પણ ધમકાવતોઃ તે કહેતો હું કહું એ ભાવે જ ફલેટ વેંચવા પડશે!

રાજકોટ  તા. ૯: કાલાવડ રોડ પર શિવધારા એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતાં અને વિદ્યાનગર મેઇન રોડ પર હોસ્પિટલ ધરાવતાં ડો. જયેશભાઇ દુદાભાઇ મોઢવાડીયા (ઉ.૫૪)ને આ એપાર્ટમેન્ટમાં જ ઉપરના માળે રહેતાં એસ્ટેટ બ્રોકર માંડણ અરજણભાઇ ગોરાણીયાએ તેમની હોસ્પિટલમાં ઘુસી રિવોલ્વર બતાવી ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપતાં એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધી અટકાયત કરી હતી. બાદમાં આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાઇ હતી. બીજી તરફ માંડણ સામે સતત બીજો ગુનો દાખલ થયો છે. જેમાં તેણે શિવધારાના રહેવાસીઓ પાસેથી બળજબરીથી ફલેટ પડાવી લેવા કોશિષ કર્યાનો અને ૮૦ વર્ષના વૃધ્ધને ઇંટ ફટકારી ઇજા કર્યાનો આરોપ મુકાયો છે.

પોલીસે કાલાવડ રોડ નાલંદા સોસાયટી પાસે શિવધારા એપાર્ટમેન્ટ ફલેટ નં. ૧૦માં રહેતાં શ્યામભાઇ બિહારીલાલ માથુર (ઉ.૮૦)ની ફરિયાદ પરથી આ એપાર્ટમેન્ટમાં જ ફલેટ નં. ૪માં રહેતાં માંડણ ગોરાણીયા  તથા અન્ય વ્યકિત કે મદદ કરનાર સામે આઇપીસી ૩૮૫, ૩૮૬, ૩૨૭, ૫૧૧, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

શ્યામભાઇ માથુરે ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું. શિવધારા એપાર્ટમેન્ટમાં કુલ ૧૦ ફલેટ છે. જેમાં નવમા માળે આવેલ ફલેટ બિપીનભાઇ પાલાનો છે અને તેઓ ઇંગ્લેન્ડ ખાતે છે. પહેલા માળનો ફલેટ ક્રિષ્નાભાઇ ઠક્કરનો છે તેઓ આફ્રિકા રહે છે. ચોથા માળે માંડણ ગોરાણીયા રહે છે. હાલમાં આ એપાર્ટમેન્ટમાં આઠ વ્યકિતઓ રહે છે. દોઢેક વર્ષ પહેલા હું તથા ડો. મોઢવાડીયા, વિભાકરભાઇ ચોટાઇ, યોગેશભાઇ સોમૈયા,  નિપુલભાઇ પટેલ તથા માંડણ ગોરાણીયા અમારા પાર્કિંગમાં બેઠા હમતાં. મેન્ટેનન્સ જળવાતું ન હોઇ જેથી આ ફલેટો યોગ્ય ભાવે વેંચી બીજી જગ્યાએ શિફટ થઇ જવાની વાત કરતાં હતાં. આ વખતે માંડણએ કહેલ કે ૧ કરોડ ૫૦ લાખ આપી દવ, હું કહુ તે કિંમત ગણાય. તેવી વાત કરતાં મેં તેને કહેલ કે બજાર ભાવ કરતાં આ ભાવ ઘણો ઓછો છે.

આમ કહેતાં માંડણએ એકદમ ઉભા થઇ ઇંટ ઉપાડી મને મારવા લાગ્યો હતો. બીજા લોકોએ મને છોડાવ્યો હતો. માંડણે વિભાકરભાઇને પણ ધમકી આપી હતી કે ફલેટ તો હું કહુ તે કિંમતે જ આપવો પડશે. તેમ કહી લાકડુ ઉપાડી મારવાની ધમકી આપી હતી. જે તે વખતે અમે ફરિયાદ કરી નહોતી. માંડણ ખુબ માથાભારે અને ઝનુની સ્વભાવનો હોઇ જેથી બીક લાગી હતી. મેને માથા-ખભા પર ઇજા થઇ હતી. પણ સારવાર લીધી નહોતી. આમ માંડણ મને તથા એપાર્ટમેન્ટના બીજા રહેવાસીઓને ત્રણેક વર્ષથી સતત ધમકી આપી ફલેટ ખાલી કરી ભાગી જવાનું અથવા પોતે નક્કી કરે એ ભાવે વેંચી દેવાનું કહી પરવાનાવાળુ હથીયાર બતાવી ધમકાવે છે. લિફટમાં ફલેટના કોઇપણ રહેવાસી પછી એ બહેનો હોય તે ભેગા થઇ જાય તો તેને પણ માંડણ ફલેટ ખાલી કરવાનું કહી ધમકાવે છે.

પરમ દિવસે જ માંડણે ડો. મોઢવાડીયાને તેમની હોસ્પિટલે જઇ ધમકી આપતાં તેણે ફરિાયદ નોંધાવતાં મેં પણ ફરિયાદ કરી છે. આમ માંડણ અન્ય કોઇ વ્યકિતના સહારાથી અમારા ફલેટ ધારકોના ફલેટ બળજબરથી પોતાની કિંમતે પડાવી લેવા કોશિષ કરી ધમકીઓ આપે છે. તેમ વધુમાં શ્યામભાઇ માથુરે ફરિયાદમાં જણાવતાં પી.આઇ. એન. એન. ચુડાસમા, પરેશભાઇ જારીયા, અરૂણભાઇ, જાવેદભાઇ રિઝવી સહિતના સ્ટાફે ગુનો નોંધી માંડણ ગોરાણીયાની ધરપકડ કરી વિશેષ પુછતાછ હાથ ધરી છે.

 

(11:47 am IST)