Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

રાજકોટમાં સવારે મેઘાવી માહોલઃ વાદળો છવાયાઃ અસહ્ય બફારા વચ્ચે ચોમાસુ પવન ફૂંકાયા

રાજકોટથી દક્ષિણ સૌરાષ્ટ્રના છૂટાછવાયા અમુક વિસ્તારોમાં ઝાપટા - મધ્યમ વરસાદની આગાહીઃ પવનનું જોર રહેશે : ચોમાસુ આગળ વધ્યુ

રાજકોટ, તા. ૯ : દક્ષિણ પશ્ચિમ ચોમાસુ રૂમઝૂમ કરતુ આગળ વધી રહ્યુ છે. હાલ મહારાષ્ટ્ર અને ગોવામાં પહોંચી ગયુ છે. મુંબઈમાં જોરદાર વરસાદ ચાલુ છે. દરમિયાન આજે રાજકોટમાં સવારે વરસાદી વાતાવરણ જોવા મળ્યુ હતું. ઘનઘોર વાદળો છવાઈ ગયા હતા. ચોમાસુ પવન ફૂંકાતા હતા. અસહ્ય બફારા વચ્ચે ઠંડા પવનો ફૂંકાતા શહેરીજનોને થોડી રાહત મળી હતી.

એક ખાનગી હવામાન ખાતાની વેબસાઈટમાં જણાવ્યા મુજબ હાલ અરબ સાગરમાં યુ.એ.સી. ૧૬.૬૬એન, ૭૧.૭૪ઈ આસપાસ કેન્દ્રીત છે. તેમજ ઓફસોર ટ્રફ દક્ષિણ મહારાષ્ટ્રથી કેરલ સુધી સક્રિય છે.  મધ્ય અરબ સાગરથી ગોવા, કર્ણાટકા, રાયલશીમા તથા ઙ્ગદક્ષિણ મહારાષ્ટ્રના ભાગો, મરાઠાવાડા, વિદર્ભ, સાઉથ છત્તીસગઢના ભાગો તેમજ સાઉથ ઓડીશા, તેલંગણા, આંધ્રપ્રદેશના ભાગો તેમજ નોર્થ ઈસ્ટ બી.ઓ.બી.માં આગળ ચાલ્યુ. આગામી તા.૧૩ જૂન સુધી રાજકોટથી દક્ષિણ સૌરાષ્ટ્રના છુટાછવાયા અમુક વિસ્તારોમાં પ્રિમોન્સૂન એકટીવીટી સ્વરૂપે ઝાપટા હળવો કોઈક વિસ્તારમાં મધ્યમ વરસાદની શકયતા છે. તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા તેને લાગુ સીમીત વિસ્તારમાં વધુ શકયતા બાકીના સૌરાષ્ટ્રમાં કયાંક છાંટા છૂટી કે હળવા ઝાપટા જોવા મળે તેવી શકયતા છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પ્રિમોન્સૂન એકટીવીટી સ્વરૂપે ઝાપટા, હળવો, મધ્યમ વરસાદની શકયતા છે. એકલ દોકલ વિસ્તારમાં ભારે વરસાદની શકયતા છે.

દરમિયાન રાજકોટ શહેરમાં આજે સવારે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. વરસાદ તૂટી પડે તેવુ વાતાવરણ સર્જાયુ હતું. ઘનઘોર વાદળો છવાયા હતા. ઠંડા પવન ફૂંકાતા હતા. અસહ્ય બફારાથી ત્રસ્ત શહેરીજનોને થોડી રાહત મળી હતી.(૩૭.૬)

(4:24 pm IST)