Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

પિતાને સારું થયા બાદ મોત થતા પુત્રનો હૉસ્પિટલમાં હંગામો

રાજકોટમાં પિતાનાં રિપોર્ટ જોઇને તબીબે કહ્યું, સારું છે : સારૂ છતાં પિતાનું મોેત થયા બાદ પુત્રએ વાહનોમાં તેમજ હોસ્પિટલમાં તોડફોડ કરી ભયનો માહોલ ઉભો કર્યો હતો

રાજકોટ,તા.૯ : રાજકોટ શહેરની વધુ એક હોસ્પિટલમાં દર્દીના સગા વ્હાલાઓએ હોસ્પિટલમાં ઘૂસી તબીબને માર માર્યા હોવાની ઘટના સામે આવી છે. સાકેત હોસ્પિટલમાં તોડફોડ અને તબીબને માર મારવાનો મામલો, માલવિયા નગર પોલીસે બે આરોપીઓ નવદીપ સિંહ જાડેજા અને અભીજીતસિંહ જાડેજાની ધરપકડ કરી છે. ગત રાત્રે સાકેત હોસ્પિટલમાં ઘૂસી આ બંનેએ તોડફોડ કરીને તબીબને માર્યો હતો માર, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજનગર ચોક ખાતે આવેલી સાકેત હોસ્પિટલમાં રાત્રિના ૧૧ વાગ્યા બાદ કેટલાક શખ્શો ગેરકાયદેસર રીતે હોસ્પિટલમાં ઘૂસી આવ્યા હતા. વાહનોમાં તેમજ હોસ્પિટલમાં તોડફોડ કરી ભયનો માહોલ ઉભો કર્યો હતો. તો સાથે જ તબીબને માર પણ માર્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી. જે બાબતના સીસીટીવી હાલ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યા છે. માર માર્યા હોવાની ઘટના ઘટી થયા હોવાની જાણ માલવિયાનગર પોલીસને થતા માલવિયાનગર પોલીસનો કાફલો તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ત્યાર બાદ આરોપીઓને પોતાના સકંજામાં લઇ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. માલવિયા નગર પોલીસ સ્ટેશનના પીઆઈ કેએન ભૂકાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આરોપી નવદિપસિંહ દિલીપ સિંહ જાડેજા એપ્રિલ મહિનામાં પોતાના પિતા દિલીપ સિંહ જાડેજાને સાકેત હોસ્પિટલ ખાતે બીમારી સબબ બતાવવા આવેલા હતા. જે તે સમયે નવદીપ સિંહે પોતાના પિતાના રિપોર્ટ તબીબને બતાવેલા પરંતુ તબીબે તમામ રિપોર્ટ નોર્મલ હોવાનું જણાવ્યું હતું. જોકે, ત્યારબાદ માત્ર આઠથી દસ દિવસની અંદર આરોપીના પિતાનું મૃત્યુ નિપજતા તેને આ બાબતનો ખાર હતો. ત્યારે શનિવારે રાત્રે નવદીપ સિંહ અને તેના મિત્ર અભિજીતસિંહ દ્વારા હોસ્પિટલમાં ગેરકાયદેસર પ્રવેશ કરી વાહનોમાં તોડફોડ કરી હોસ્પિટલમાં તોડફોડ કરી તેમજ તબીબને માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ એપ્રિલ માસમાં શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં તબીબ અને તેના સાથી કર્મીઓને માર મારવો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવાની ઘટના સામે આવી હતી.

(9:59 pm IST)