Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

બ્રેઈન સર્કીટનો ઉપયોગ કરીને કોરોનાના ૫૦થી વધુ દર્દીઓની જીંદગી બચાવાઈ

'જરૂરિયાત એ શોધખોળની જનની છે' ઉકિતને સાર્થક કરતો રાજકોટ સિવિલ હોસ્પિટલનો એનેસ્થેસિયા વિભાગ : ઓછામાં ઓછા ઓકિસજનમાં બ્રેઈન સર્કીટ વડે દર્દીનું મહત્તમ ઓકિસજન લેવલ મેઈન્ટેઈન કરી શકાયઃ ડો. ચેતના જાડેજા, નોડલ ઓફિસર એનેસ્થેસિયા વિભાગ

રાજકોટ તા. ૮: જરૂરિયાત-આફત કે મહામારી એ શોધખોળની જનની છે. આ કહેવત હાલમાં કોરોના સંક્રમણની બીજી લહેરમાં સાચી પુરવાર થઇ રહી છે. વધતા જતા કોરોના કેસોના કારણે ઓકિસજનની કટોકટી સર્જાવાના અનેક કિસ્સાઓમાં કસોટીના સમયે રાજકોટ સિવિલ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગે અત્યાર સુધી માત્ર પોતાના ક્ષેત્રમાં વપરાતી 'બ્રેઇન સર્કિટ'નો ઉપયોગ કરીને કોરોનાના ૪૦-૫૦ જેટલા દર્દીઓની મહામૂલી જીંદગી બચાવી છે.

સામાન્ય રીતે એનેસ્થેસિયા એટલે ઓપરેશન વખતે દર્દીને શરીરની વાઢકાપ વખતે દર્દ ન થાય તે માટે બેહોશ કરવાની તથા સમયાંતરે દર્દીને હોશમાં લાવવાની પધ્ધતિ. પરંતુ તમને સવાલ થશે કે, એ સારવારની કોવિડના દર્દીઓમાં શી જરૂર? બ્રેઇન સર્કિટ શું છે ? તેનો શા માટે અને કેવી રીતે ઉપયોગ થાય ?

આ સવાલના જવાબ અંગે એનેસ્થેસિયા વિભાગના નોડલ ઓફિસર ડો. ચેતના જાડેજા જણાવે છે કે, અમારા એનેસ્થેસિયા વિભાગના હેડ વંદનાબેન પરમારના માર્ગદર્શન હેઠળ અમે કોવિડ-૧૯ના અતિ ગંભીર દર્દીઓની સારવાર કરીએ છીએ. કોરોનાને લીધે ફેફસાને પુરતો ઓકિસજન તથા લોહી ન મળવુ કાર્યક્ષમતા ઓછી થવી, વ્યકિતમાં લોહી ગંઠાઈ જવું, જેવી અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. આવા સંજોગોમાં દર્દી હવામાં રહેલ ૨૧% જેટલો ઓકિસજન નથી મેળવી શકતો. કોરોના સંક્રમિત દર્દીને ગંભીર પરિસ્થિતિમાં ૭૦% થી ૧૦૦% જેટલો ઓકિસજન આપવો પડે છે, તેથી તેના શ્વસનતંત્રને યોગ્ય રીતે કાર્યરત રાખી શકાય. આવા સંજોગોમાં દર્દીઓની પરિસ્થિતિ પારખીને તેને મદદરૂપ થઈ શકે તેવા અનુભવી અને કાબેલ એનેસ્થેસિયોલોજીસ્ટની જરૂર પડે છે.

ડો. જાડેજાએ કહ્યું હતું કે, શ્વાસોચ્છવાસની સમસ્યા અને ઓકિસજનનું ઓછું પ્રમાણ ધરાવતા દર્દીઓને ક્રિટીકલ કેરમાં રાખવામાં આવે છે. અને તેમના માટે અદ્યતન પ્રકારના વેન્ટીલેટર ઉપલબ્ધ હોય છે. દર્દીની સ્થિતિ સામાન્ય કરતા થોડી ગંભીર હોય તેને હાઈફલો નોઝલ ઓકિસજન થેરાપી નામના મશીન દ્વારા સારવાર આપવામાં આવે છે. વધુ ગંભીર સ્થિતિના દર્દીઓને બાય પેપ નામના મશીનની મદદથી શ્વાસ લેવા માટે સપોર્ટ આપવામાં આવે છે. જેમ-જેમ દર્દીની પરિસ્થિતિમાં સુધારો થતો જાય છે તેના આધારે દર્દી પોતાની રીતે શ્વાસ લેતો થાય તથા ઓકિસજનનું લેવલ સામાન્ય થાય ત્યાં સુધી તેને આઈ.સી.યુ.માં રાખવામાં આવે છે ત્યાર બાદ તેને જનરલ વોર્ડમાં દાખલ કરવામાં આવે છે.

પરંતુ જયારે ઓકિસજનનો જથ્થો ઓછો હોય અને દર્દીની જરૂરીયાત વધારે હોય ત્યારે બ્રેઇન સર્કિટનો ઉપયોગ કરીને ઓછા ઓકિસજને મહત્ત્।મ સારવાર આપી શકાય છે. વેન્ટિલેટર સામાન્ય રીતે ૫૦ લિટર જેટલો ઓકિસજન એક મિનિટમાં વાપરે છે તેની સરખામણીમાં બ્રેઇન સર્કિટ સર્કિટમાં ઘણો જ ઓછો ઓકિસજન વપરાય છે. સામાન્ય રીતે બ્રેઇન સર્કિટમાં ૧૨ થી ૧૫ લીટર રાખવો પડે છે પરંતુ ઓકિસજન બચાવવાની પદ્ઘતિમાં ૮ લિટર સુધી પણ દર્દીઓનું ઓકિસજન લેવલ સુયોગ્ય રીતે જાળવી શકાય છે. બ્રેઇન સર્કિટનો ઉપયોગ દર્દીનું ઓકિસજન લેવલ ૯૫ થી ૧૦૦ સુધી સારામાં સારી રીતે મેઈન્ટેઈન કરી શકાય છે. આ ટેકન્કિનો ઉપયોગ દર્દીના રીકવરી ફેઈઝમાં કરી શકાય છે.

એનેસ્થેસિયા વિભાગના હેડ ડો વંદનાબેન પરમાર જણાવે છે કે, હાલમાં એનેસ્થેસિયા વિભાગના કુલ ૪૫ જેટલા ડોકટરો સતત કાર્યરત છે. જેમાં સીનીયર કન્સલ્ટન્ટ, સીનિયર રેસિડેન્ટ વગેરેનો સમાવેશ થાય છે. કોરોનાની બીજી લહેરમાં ૯૦ ટકા જેટલો સ્ટાફ કોરોનામાં વ્યસ્ત છે.જયારે બાકીનો ૧૦ ટકા સ્ટાફ નોન-કોવિડમાં ડ્યુટી બજાવે છે. જેમાં પણ રોજની સરેરાશ ૧૦ જેટલા ઓપરેશન કરવાના હોય છે. રાજકોટ સિવિલ હોસ્પિટલનો એનેસ્થેસિયા વિભાગ કોવિડ-૧૯ના દર્દીઓ માટે રાતદિવસની પરવા કર્યા વગર ઉત્તમ સારવાર આપી રહયો છે.

ડો વંદનાબેન પરમારે કહ્યું હતું કે, દરરોજ દિવસમાં ૨૦-૩૦ મિનીટ યોગ, પ્રાણાયમ, તથા ઉંડા શ્વાસની સાથે ઓમકાર કરવા અથવા નિયમિત રીતે સાયકલીંગ કે રનિંગ કરવાથી સમગ્ર શ્વસનતંત્રની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય છે. તેમજ માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સીંગ અને દર કલાકે ૪૦ સેકન્ડ સુઘી ઘસીને હાથ સાફ કરીએ સ્વસ્થ રહીએ અને અન્યોને પણ સ્વસ્થ રાખીએ.

(11:58 am IST)