Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

કેરીના વેપારીઓએ કાર્બાઇડનો ઉપયોગ બંધ કરી દીધો!

ફળોના ગોડાઉનોમાં આરોગ્યના દરોડાઃ ૧૮૦ કિલો ચીકુનો નાશ

ગઇકાલે સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ અને સભ્ય જયમીન ઠાકરે સુચન કર્યા બાદ આજે સવારે ૩૦ સ્થળોએ ચેકીંગઃ કેરી પકાવવા માટે હવે માન્યતા પ્રાપ્ત પાઉડરનો ઉપયોગ થતો હોવાનું ખુલ્યું: ચિકુ પકાવવા વપરાયેલ કાર્બનની રર પડીકી ઝડપાઇઃ વેપારીને ૧૦૦૦નો દંડ

રાજકોટ, તા., ૮: શહેરમાં હાલમાં ચાલતી બિમારી અને ઉનાળાની ઋતુને કારણે ફળોનો વપરાશ વધ્યો હોવાથી ફળોને પકાવવા માટે ગેરકાયદે રીતે પ્રતિબંધીત કાર્બાઇડ કેલ્શીયમનો ઉપયોગ થતો હોવાની ફરીયાદો મળતા ગઇકાલે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલ અને સ્ટેન્ડીંગ કમીટી સભ્ય જયમીન ઠાકરે આરોગ્ય અધિકારીને સુચન કરી અને ફળોનાં ગોડાઉનો ચેક કરવા જણાવેલ.

આ સુચન બાદ આજે સવારથી ફળોના ગોડાઉનમાં દરોડા પાડયા હતા. બપોર સુધીમાં ૩૦ સ્થળે ચેકીંગ કરાયેલ જેમાં કેરીના ગોડાઉનોમાં કાર્બાઇડનો ઉપયોગ નહી થતો હોવાનું ખુલ્યું હતું. કેમ કે  કેરીના વેપારીઓ હવે માન્યતા પ્રાપ્ત પાઉડરનો ઉપયોગ કરવા લાગ્યા છે.

જયારે ચિકુને પકાવવા માટે વપરાયેલ રર જેટલી કાર્બાઇડની પડીકીઓ જપ્ત કરી અને કાર્બાઇડથી પકાવેલા ૧૮૦ કિલો ચિકુનો નાશ કરી અને વેપારીને રૂ ા. ૧૦૦૦નો દંડ ફટકાર્યો હતો.

આ અંગે મ.ન.પા.ની સત્તાવાર યાદીમાં જણાવાયું છે કે આજરોજ રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટિમ દ્વારા પ્રતિબંધિત કેલ્શિયમ કારબાઇડના ઉપયોગથી અમાન્ય રીતે કેરી પકવવા આસામીઓને  ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમ્યાન ૧૦ આસામીઓને નોટિસ, ૧૮ પડીકી કેલ્શિયમ કાર્બાઇડનો જથ્થો નાશ કર્યો તેમજ ૧૮૦ કી. ગ્રા. કેલ્શિયમ કાર્બાઇડથી પકવેલ ચીકુ નાશ કર્યા હતા.  ચેકીંગ દરમ્યાન આસામીઓને નોટિસ આપવામાં આવી છે જેમાં (૧) કિસ્મત ફ્રુટ, છોટુનગર (૧૮૦ કિ. ગ્રા. કાર્બાઇડથી પકવેલ ચીકુનો નાશ અને ૧૦૦૦/- ની પેનલ્ટી), (૨) કે. બી. ફ્રૂટ્સ, છોટુનગર, (૩) સતનામ ફ્રુટ, (૪) શ્રાવ્ય સિઝન સ્ટોર, (૫) રાધે સિઝન સ્ટોર, (૬) રાધે સિઝન સ્ટોર, (૭) રામનાથ ફ્રુટ, (૮) કુળદેવી ફ્રુટ, (૯) જય માતાજી ફ્રુટ અને (૧૦) જલારામ ફ્રૂટ ખાતે નોટિસ આપવામાં આવી હતી.

હાલની સ્થિતિએ કેરી પકવતા આસામી દ્વારા FSSAI માન્ય ઇથેપીયોન પાવડર અને ઈથીલીન ગેસનો ઉપયોગ થતો જોવા મળેલ છે. જેની સરકારશ્રી દ્વારા માન્યતા આપેલ છે. ઉપરોકત ચેકીંગની કાર્યવાહી આરોગ્ય અધિકારી ડો.વાંઝાના તથા ફુડ સેફટી વિભાગના ડેઝીગ્નેટેડ ઓફીસર અમિત પંચાલના માર્ગદર્શન હેઠળ ફુડ સેફટી ઓફીસરો દ્વારા શહેરના સદર બજાર વિસ્તારમાં તથા રૈયા રોડ અને યુનિવર્સિટી રોડ વિસ્તારમાં કરાયું હતું.

(3:09 pm IST)