Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

ચોકીદાર પુત્ર સંજય ધોરીયાની સિદ્ધિ આસમાનેઃ ૯૯.૨૨ પીઆર : કોમ્પ્યુટર ઈજનેરની મહેચ્છા

અભ્યાસમાં તેજસ્વી સંજય પાસે હજુ મોબાઈલ નથી : શાળા ઉપરાંત વધુ ૭ કલાક અભ્યાસ કર્યો અને મળી સફળતા : એસઓએસ સ્કુલના છાત્રની અનેરી સિદ્ધિ

રાજકોટ : શહેરની માસૂમ સ્કુલમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા હરેશભાઈ ધોરીયાના સુપુત્ર સંજય ધોરીયાએ ધો.૧૨ સાયન્સની પરીક્ષામાં ૯૯.૨૨ પીઆર મેળવીને આસમાની સિદ્ધિ હાંસલ કરી છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૯ : સફળતા માટે સાધન નહિં પરંતુ ઉચ્ચ લક્ષ્યાંક, સખત પરિશ્રમ જ અનિવાર્ય હોય છે. આવા જ એક તેજસ્વી વિદ્યાર્થીએ ધો.૧૨ સાયન્સમાં ૯૯.૨૨ પીઆર મેળવી કોમ્પ્યુટર બનવાની મહેચ્છા વ્યકત કરી છે. ચોકીદારના આ સુપુત્ર સંજય હરેશભાઈ ધોરીયાએ આસમાની સિદ્ધિ પ્રાપ્ત કરી અનેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યો છે.

રાજકોટની માસુમ શાળામાં ચોકીદાર તરીકે નોકરી કરતા હરેશભાઇ ધોરીયાના પુત્ર સંજયને ધો.૧૨ સાયન્સમાં ૯૯.૨૨ પીઆર આવ્યા છે. ચોકીદારના પુત્રએ ઝળહળતું પરિણામ મેળવતા પરિવારમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. ચોકીદાર તરીકે નોકરી કરી હરેશભાઇ પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે પુત્રના ઝળહળતા પરિણામને લઇને પિતા પણ ખુશ છે.

હું એસઓએસ સ્કુલમાં શાળા ઉપરાંત દરરોજ ૭ કલાકનું લેખન - વાંચન કરતો હતો. સંજયે જણાવ્યું હતું કે, મારા પિતા રાજકોટમાં ચોકીદાર તરીકે નોકરી કરે છે, ધો. ૧૦માં ૯૮.૬૪ પીઆર મેળવતા ઉચ્ચ અભ્યાસ માટે રાજકોટ પરિવાર સાથે આવી ગયો હતો. આજે પણ મારી પાસે મોબાઇલ નથી. રેફરન્સ તથા ટેકસબુક પર જ પૂરી તૈયારી કરી હતી. કમ્પ્યૂટર એન્જિનિયર બની મલ્ટિનેશનલ કંપનીમાં મોટું સ્થાન મેળવવાની મહેચ્છા છે. ધોરણ ૧૨માં પણ ૯૯.૨૨.પીઆર આવ્યા છે.

સંજય ધોરીયાની અનન્ય સિદ્ધિ બદલ એસઓએસ સ્કુલના ટ્રસ્ટી ભરતભાઈ પાનેલીયા, પ્રિન્સીપાલ કેતનભાઈ ભાલોડીયા ધર્મેશભાઈ પટેલ, વિપુલભાઈ પાનેલીયા, વિશાલભાઈ નાલોડીયા, અનિલભાઈ ગરાડા, પુનિતભાઈ વ્યાસ, શત્રુઘ્નભાઈ સિંહાર, નિલેશભાઈ ઠુંમર સહિતનાએ અભિનંદન પાઠવ્યા છે.

(3:51 pm IST)