Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

મત ગણતરીમાં કલેકટરને પણ મોબાઈલ રાખવાની છુટ નહિઃ પરિણામ ૨૩મીએ જ

માત્ર એક કેન્દ્રીય નિરીક્ષક સિવાઈ કોઈ મત ગણતરી ખંડમાં ફોન લઈ જઈ શકશે નહિઃ કલેકટરે પ્રારંભે ઓટીપી મેળવ્યા બાદ તુરત ફોન છોડી દેવો તેવો આદેશ : વિધાનસભા દિઠ પાંચ-પાંચ મતદાન મથકના ઈવીએમ-વીવીપેટના મત સરખાવવાના હોવાથી પરિણામ બે કલાક જેટલુ મોડુ

રાજકોટ, તા. ૯ :. લોકસભાની ચૂંટણીની મત ગણતરી આજથી બરાબર એક પખવાડીયા પછી ૨૩ મે એ ગુરૂવારે થનાર છે. ચૂંટણી પંચ દ્વારા મત ગણતરીની પૂર્વ તૈયારીની સમીક્ષા અને સૂચના માટે ગઈકાલે તમામ કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. પ્રથમ ૧ કલાક કેન્દ્રીય ચૂંટણી પંચે અને ત્યાર બાદ ચૂંટણી પંચના ગુજરાત એકમના અધિકારીઓએ રાજ્યમા ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવતા કલેકટરોને મત ગણતરીના નીતિ નિયમોથી વાકેફ કર્યા હતા. મત ગણતરી ખંડમાં મોબાઈલ ફોન જેવા ઉપકરણોના ઉપયોગ બાબતે ચૂંટણી પંચે કડક નિયંત્રણ મુકયા છે. જે તે કલેકટરને પણ પ્રારંભિક ઉપયોગ બાદ મોબાઈલ ફોન છોડી દેવા આદેશ અપાયો છે. કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી મુકવામા આવેલ નિરીક્ષક સિવાય કોઈપણ વ્યકિત મત ગણતરી ખંડમાં મોબાઈલ સાથે પ્રવેશી શકશે નહિં.

સવારે ૮ વાગ્યે મત ગણતરીનો પ્રારંભ થાય ત્યારે સ્કેનીંગ વખતે કલેકટરને મોબાઈલની જરૂર પડે છે. બારકોડેડને લગતી જરૂરી પ્રક્રિયા માટે વન ટાઈમ પાસવર્ડ (ઓટીપી) મેળવ્યા પછી તુરત કલેકટરે પોતાનો મોબાઈલ ફોન કેન્દ્રીય નિરીક્ષકને આપી દેવાનો રહેશે અથવા મત ગણતરી ખંડની બહાર મુકી દેવાનો રહેશે. મત ગણતરી ખંડમાં કલેકટર સહિતના અધિકારીઓ, પ્રક્રિયામાં રોકાયેલા કર્મચારીઓ, ઉમેદવારો, એના એજન્ટ સહિત કોઈને પણ મોબાઈલ ફોન લઈ જવાની છુટ નથી.

વિધાનસભા દીઠ પાંચ - પાંચ મતદાન મથકના ઈવીએમ અને વીવીપેટની ખરાઈ કરવાની ચૂંટણી પંચની સૂચના છે. તેના કારણે પરિણામ બે કલાક જેટલુ મોડુ થશે. કોઈ અણધાર્યુ કારણ ઉભુ ન થાય તો અત્યારના સંજોગો મુજબ સંપૂર્ણ પરિણામ મત ગણતરીના દિવસે તા. ૨૩મીએ જ જાહેર થઈ જશે. મુખ્ય ચૂંટણી અધિકારીએ વિધાનસભાની ચૂંટણી વખતે ધોળકામાં મત ગણતરીમાં થયેલ વિવાદ અને ત્યાર બાદ હાઈકોર્ટના અને ચૂંટણી પંચના આદેશનો એકથી વધુ વખત ઉલ્લેખ કરી પંચના નીતિ નિયમોને આધીન રહીને જ કામ કરવા કલેકટરોને તાકીદ કરી હતી.

(2:56 pm IST)