Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

રાજપૂત (ક્ષત્રિય) સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જીપીએસસી ઉતિર્ણ અધિકારીઓ તેમજ ક્ષત્રિય ધારાસભ્યોનું સન્માન

રેલનગર, પોપટપરા, માઉન્ટેન પોેલીસ લાઈન દ્વારા સન્માન સમારંભ યોજાયોઃ નરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય ગીતાબા જાડેજા, બાલસિંહજી સરવૈયા, અજીતસિંહ જાડેજા-ભુણાવા, પી.ટી. જાડેજા, હરીશ્ચંદ્રસિંહ-માખાવડ, ગાયત્રીબા વાઘેલા, રણજીતસિંહ (દાદા)ની પ્રેરક ઉપસ્થિતિ

રાજકોટ, તા. ૯ :. વોર્ડ નં. ૩ માં આવેલ રાજપૂત (ક્ષત્રિય) સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ-રેલનગર દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છના રાજપૂત ધારાસભ્યો તથા તાજેતરમાં જી.પી.એસ.સી.ની સ્પર્ધાત્મક પરીક્ષામાં ડે. કલેકટર તથા ડી.વાય.એસ.પી. તરીકે ઉતિર્ણ થયેલા તમામ ૧૦ ગૌરવવંતા તેજસ્વી તારલાઓનો અદકેરો સન્માન સમારંભ અકિલાના સીનીયર પત્રકાર અને જીવન બેન્કના એમ.ડી. નરેન્દ્રસિંહજી જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, નગરસેવિકા ગાયત્રીબા વાઘેલા, રેલનગરના સમાજ ભવનના પ્રમુખ દાતા સમાજના ભામાશા અજીતસિંહ જાડેજા (ભુણાવા), રાષ્ટ્રીય પ્રમુખ પી.ટી. જાડેજા, બાલસિંહ સરવૈયા, હરીશ્ચંદ્રસિંહજી જાડેજા, અશોકસિંહ વાઘેલા, રણજીતસિંહ જાડેજા (દાદા) કોઠારીયાએ ઉપસ્થિત રહી પ્રેરક ઉદબોધન કર્યુ હતું.

વોર્ડ નં. ૩ માં આવેલ રેલનગર બસ સ્ટેશન પાસે રાજપૂત સમાજમાં હરખની હેલી સાથે રાજપૂત સમાજના ધારાસભ્યો તથા જી.પી.એસ.સી.માં ઉતિર્ણ સમાજના ૧૦ તેજસ્વી તારલાઓને વધાવવા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

કાર્યક્રમમાં દિપ પ્રાગટય બાદ હરભમજી રાજ રાજપૂત ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરેલ, રાજપૂત ક્ષત્રિય ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ આઈ.બી. જાડેજા (ખાખરડા) દ્વારા ટ્રસ્ટના ઉદેશો તેમજ રેલનગરમાં રાજપૂત ભવન (વાડી) વિશે ટૂંકી માહિતી આપેલ. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે નિમંત્રિત કરાયેલ સૌરાષ્ટ્ર-કચ્છના ચારેય ધારાસભ્યો ગીતાબા જાડેજા (ગોંડલ), ધર્મેન્દ્રસિંહજી, મેરૂભા જાડેજા, હકુભા (જામનગર), વિરેન્દ્રસિંહ જાડેજા (માંડવી) તથા પ્રદ્યુમનસિંહજી જાડેજા તમામ ધારાસભ્યો વતી સન્માન સ્વીકારી ગોંડલના ગીતાબા જાડેજાએ સમાજને પ્રેરક ઉદબોધન કર્યુ હતું.

ધારાસભ્ય ગીતાબા જાડેજાએ જી.પી.એસ.સી.માં ઉતિર્ણ તમામ તેજસ્વી તારલાઓને બિરદાવી સમાજને શિક્ષણના માધ્યમથી તમામ અન્ય સમાજ સાથે ખભેખભા મીલાવી હકારાત્મક અભિગમ સાથે વિકાસ સાધવા પર ભાર મુકયો હતો. તેમણે કન્યા કેળવણી અને આપણા ભાતીગળ ઈતિહાસ સંસ્કાર તથા અન્ય સમાજમાં રાજપૂત પ્રત્યે આદર ભાવ વધે તે માટે રાજપૂત ધર્મને વધુ ઉજાગર કરવા અનુરોધ કર્યો હતો. રાજપૂત સમાજના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પી.ટી. જાડેજાએ તેમના તેજાબી વકતવ્યમાં સૌ સાથે મળીને તમામ સમાજને સાથે રાખી સૌનો સાથ સૌનો વિકાસની ઉકિતને વધુ પ્રજ્વલીત કરી સૌની રાજપૂત સમાજ પ્રત્યેની જવાબદારી વધુ નિભાવીએ તેના પર જોર મુકયુ હતું.

રેલનગર વિસ્તારના નગરસેવિકા શ્રીમતી ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ કન્યા કેળવણીમાં સાંસ્કૃતિક, સામાજિક અને સમાજ પ્રત્યેની નિષ્ઠાના અભિયાનને આગળ ધપાવી આ વિસ્તારમાં સમાજની એકતા વધુ મજબુત બને તથા આ વિસ્તારના તમામ સમાજ સાથે કદમ મીલાવીને આગળ વધવા અનુરોધ કર્યો હતો.

રેલનગર વિસ્તારના સીનીયર અગ્રણી અને ક્રિકેટ તજજ્ઞ બાલસિંહ સરવૈયા એ શૈક્ષણિક સંસ્કૃતિ સાથે રમત-ગમતમાં પણ કારકિર્દી ઘડવા યુવાનોને હાકલ કરી હતી. રણજીતસિંહ જાડેજા (કોઠારીયા) એ યોગ અને સ્વાધ્યાયના માધ્યમથી સમાજના યુવાનોને એક નવી દિશા તરફ લઈ જવા અનુરોધ કર્યો હતો. લોધીકા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન તથા સમાજ મોભી હરીશ્ચંદ્રસિંહજી (માખાવડ)એ તમામ જીપીએસસીના ઉતિર્ણ યુવાનોને અભિનંદન આપી સમાજમા શિક્ષણ માધ્યમથી તેમનું વધુ યોગદાન આપશે તેવી આશા વ્યકત કરી હતી.

પૂર્વ વિપક્ષી નેતા તથા વોર્ડ નં. ૩ના ભૂતપૂર્વ નગરસેવક નરેન્દ્રસિંહજી જાડેજાએ આ અનેરા સન્માન સમારંભના પ્રમુખ સ્થાનેથી જણાવ્યુ હતુ કે રેલનગર વિસ્તારમાંથી રાજપૂત સમાજના હકારાત્મક વલણ શૈક્ષણિક સાંસ્કૃતિક વારસાને આગળ ધપાવી સમાજને સર્વાંગી વિકાસ તરફ લઈ જવા માટેનું ઉદાહરણ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ માટે પુરૂ પાડવાની જવાબદારી આપણા સૌના શીરે છે.

શ્રી નરેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં રાજપૂત સમાજ બહોળી સંખ્યામાં વસવાટ કરે છે ત્યારે સમાજના દરેક પરિવારને શિક્ષણ સાંસ્કૃતિ રમત-ગમત રોજગારી માટે યોગ્ય મળી રહે તે માટે સમાજની વાડી માટેની કામગીરીમાં કોઈપણ વિઘ્નોનો સામનો કરી તૂર્તમાં કામગીરી પૂર્ણ કરાશે. સામાજીક પ્રવૃતિનો વ્યાપ વધુ વિસ્તરે તે માટે તમામ આગેવાનો તથા કાર્યકરો અનેરી એકતા દર્શાવી તેમણે રેલનગર વિસ્તારમાં વિકાસ કાર્યો માટે શ્રી અજીતસિંહજી જાડેજા (ભુણાવા) દ્વારા કરવામાં આવેલ તમામ મદદને બિરદાવીને તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીને સમાજ વતી ઋણ સ્વીકાર કર્યો હતો.

જી.પી.એસ.સી. ઉતિર્ણ થયેલ અને કાર્યક્રમમાં સન્માનીત થયેલ તમામ તેજસ્વી તારલાઓ વતી મૂણાલદેવી ગોહિલે આભાર પ્રતિભાવ પ્રવચનમાં તેમની સફળતા માટે દાદા-દાદી, માતા-પિતાને યશ આપી સમાજમાં દિકરીઓને સફળતાની ટેકરી સુધી સાથ આપવાની વાતને ખરા દિલથી બીરદાવી અને રાજપૂત સમાજનો દિકરીને વ્હાલનો દરીયો માનીને અપાતો પ્રેમ સમાજને ગૌરવ પ્રદાન કરે તેવી આશા વ્યકત કરીને તમામ સફળતાના પ્રહરીઓ વતી રેલનગર રાજપૂત સમાજનો આભાર વ્યકત કર્યો હતો.

જી.પી.એસ.સી.માં ઉતિર્ણ થઈ સમાજનું ગૌરવ વધારનાર સફળતાના યશ ભાગી નિશાબા જીતેન્દ્રસિંહજી ચુડાસમા, મૃણાલદેવી અશોકસિંહજી ગોહિલ (સોનગઢ) મૈત્રીદેવી નિત્યમકુમારસિંહજી સીસોદીયા (અરણીયા), હિનાબા જગદીશસિંહજી (નાની લાખાણી), વીરજીતસિંહ કુલજીતસિંહ પરમાર (મુળી), યુવરાજસિંહ અનિરૂદ્ધસિંહજી ગોહીલ (ભોમીવદર), વિશ્વદીપસિંહ મહીપતસિંહજી ગોહીલ (જૂના જાળીયા), ડો. સકેતસિંહ દલપસિંહ જેતાવડ (પાલી), યુવરાજસિંહ નટવરસિંહ ચૌહાણ (સોની)ને બીરદાવી તેમનું અદકેરૂ સ્વાગત કરવામાં આવ્યુ હતું. ઉપસ્થિત વિશાળ મેદનીએ તાળીઓના ગડગડાટથી અધિકારીઓને બિરદાવ્યા હતા.

અંતમાં આભારવિધિ સામતસિંહ જાડેજા (વડસર) રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાં નિવૃત વીજીલન્સ ઓફિસરે કરેલ તેમજ કાર્યક્રમનું ખૂબ જ સરસ રીતે સંચાલન દયવતસિંહ જાડેજા (ચાંદલી) દ્વારા સંચાલન કરવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા રાજપૂત ક્ષત્રિય સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ-રેલનગર પ્રમુખશ્રી આઈ.બી. જાડેજા (ખાખરડા), લાલુભા જાડેજા (મોરારસાહેબ ખંભાળીયા), રાજેન્દ્રસિંહજી જાડેજા (રાયસંગપર), ચતુના પરમાર (જૂના દેવળીયા), હરપાલસિંહ જાડેજા (જગા), સામતસિંહ જાડેજા (વડસર), જયેન્દ્રસિંહ જાડેજા (મોટી ચિરઈ), સહદેવસિંહ જાડેજા (બેલા), સિદ્ધરાજસિંહ જાડેજા (મોટી ચાણોલ), સેમરાજસિંહ જાડેજા (શાપર), અનિરૂદ્ધસિંહ જાડેજા (તરવડા) તેમજ રેલનગર ક્ષત્રિય સમાજના યુવા ભાઈઓએ જહેમત ઉઠાવીને  કાર્યક્રમ સફળ  બનાવેલ.

(3:56 pm IST)