Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

કવિ વિવેચક- સૌરાષ્‍ટ્ર યુની.ના નિવૃત અધ્‍યાપક ડો.ભાનુપ્રસાદ પંડયાની ચીર વિદાય

રાજકોટઃ ગુજરાતી ભાષાના જાણીતા કવિ અને વિવેચક ડો. ભાનુપ્રસાદ પંડ્‍યાનું ૯૦ વર્ષની જૈફ વયે આજે વહેલી સવારે દોઢ વાગ્‍યે નિધન થયું છે. અડોઅડ અને ઓતપ્રોત જેવા કાવ્‍ય સંગ્રહ તથા શબ્‍દે કોર્યા શિલ્‍પ જેવા સોનેટ સંગ્રહ આપનાર કવિએ ૧૧૪ જેટલા માતબર વિવેચન ગ્રંથો લખી ગુજરાતી ભાષા સાહિત્‍ય ક્ષેત્રે અમૂલ્‍ય પ્રદાન આપ્‍યું છે. સદગત કવિને ૧૯૬૯માં કુમાર ચંદ્રકથી સન્‍માનિત કરાયેલા તો ૨૦૧૧માં દલપતરામ એવોર્ડ, ૨૦૧૨માં પૂજ્‍ય મોરારીબાપુના હસ્‍તે નરસિંહ મહેતા એવોર્ડ તેમજ ૨૦૧૫માં પ્રતિષ્ઠિત ધનજી કાનજી સુવર્ણ ચંદ્રક અર્પણ થયેલા. તેમના સોનેટ સંગ્રહ શબ્‍દે કોર્યા શિલ્‍પને ગુજરાત સાહિત્‍ય અકાદમીનું પ્રથમ પારિતોષિક પ્રાપ્‍ત થયેલુ તેમજ સંગ્રહ અડોઅડને ગુજરાત સરકાર દ્વારા વિશેષ પારિતોષિક અપાયેલું.  અધ્‍યાપક તરીકે અમરેલીની પ્રતાપરાય આર્ટ્‍સ કોલેજ, આર્ટ્‍સ કોલેજ ધંધુકામાં સેવાઓ આપ્‍યા બાદ ઇ.સ. ૧૯૬૯માં રાજકોટની કુંડલીયા કોલેજમાં કવિશ્રીની નિમણૂક થયેલી.૧૯૭૮માં કવિશ્રીની નિમણૂક સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટીના ગુજરાતી ભાષા સાહિત્‍ય ભવનમાં થઈ અને અહીંયાંથી જ તેઓ અધ્‍યક્ષ તરીકે નિવળત થયા. નિવળત્તિ બાદ પણ સતત પ્રવળત રહી તેમણે કાવ્‍ય સર્જન તેમજ વિવેચન ક્ષેત્રે ખેડાણ સ્‍વાસ્‍થયએ સાથ આપ્‍યો ત્‍યાં સુધી ચાલુ જ રાખ્‍યું. તેમના નિધનથી ગુજરાતી ભાષા સાહિત્‍યને આજે ભારે ખોટ પડી છે. કવિશ્રી પોતાની પાછળ પુત્ર પ્રો. રૂચિર પંડ્‍યા(૯૭૨૬૯ ૬૮૪૩૮), પુત્રીઓ સ્‍વાતીબેન પંડ્‍યા અને હીનાબેન માંકડ તેમજ પુત્રવધુ હેતાબેન પંડ્‍યાને વિલાપ કરતા છોડી ગયા છે.

(2:58 pm IST)