Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

પ્રેમાંધ જનેતા અમિષાએ ફૂલડા જેવા દિકરાને ઝેરના સવાર-સાંજ બે ડોઝ આપ્યા, હત્યા બાદ લાશ ગોંડલમાં દાટી દીધી'તી

રાજકોટની અમિષા એક વર્ષથી ગોંડલના હિતેષ પટેલ સાથે મૈત્રીકરાર કરીને રહેતી'તીઃ ત્યાં પડોશી મુન્ના સાથે આંખ મળી ગઇઃ મુન્નાએ પોતે બાળકને નહિ સાચવે કહેતાં પેટના જણ્યાનો જીવ લઇ લીધોઃ ૧૯ ફેબ્રુઆરીની ઘટનાનો ગોંડલ સીટી પોલીસે ભેદ ખોલ્યોઃ ઝેર રાજકોટ પીવડાવ્યું હોઇ આજીડેમ પોલીસ આગળની તપાસ કરશે : ડ્રાઇવીંગ કરતાં હિતેષે પત્નિ અમિષાને કહેલું કે તારે કંઇપણ કામકાજ હોઇ, ચીજવસ્તુ મંગાવવી હોય તો પડોશના મુન્નાને કહેવું: મુન્નાએ આ છૂટછાટનો ગેરલાભ લીધો અને અમિષા સાથે લફરૂ કર્યુઃ ઝેરી દવા પણ તેણે જ લાવી આપી'તીઃ બાળક રાજકોટમાં સારવાર દરમિયાન બિમારીથી મોત થયું એવી સ્ટોરી અમિષાએ ઉભી કરી લાશ દફનાવી દીધીઃ સમગ્ર કાવત્રાથી અજાણ હિતેષને બાળકના મોતના છઠ્ઠા દિવસે અમિષા અને મુન્નો ભાગી ગયા પછી શંકા ઉપજી અને પોલીસને જાણ કરતાં ચોંકાવનારી ઘટના સામે આવી

રાજકોટ તા. ૯: મા તે મા બીજા વગડાના વા...આ કહેવતની સાવ ખોટી પાડે એવી ઘટના ગોંડલમાં બની છે. રાજકોટ માવતર ધરાવતી અને એક વર્ષથી ગોંડલના યુવાન સાથે મૈત્રીકરારથી રહેતી યુવતિને ત્યાં પડોશમાં જ રહેતાં યુવાન સાથે પ્રેમ થઇ જતાં એ પ્રેમીએ પોતે પાંચ મહિનાના બાળકને નહિ સાચવે તેમ કહેતાં આ પ્રેમાંધ જનેતા નિર્દયી બની ગઇ હતી અને પ્રેમીની મદદથી ફૂલડા જેવા પાંચ મહિનાના દિકરાને રાજકોટ માવતરે લાવી ઝેરી દવાના સવાર-સાંજ બે ડોઝ આપી મોતને ઘાટ ઉતારી દીધો હતો અને બાદમાં બહારગામ રહેલા પતિને  દિકરાનું બિમારીથી મોત થયું છે એવી ખોટી કહાની જણાવી દિકરાની લાશને ગોંડલમાં દફનાવી દીધી હતી. દિકરાના મોતના છ દિવસ બાદ આ પ્રેમાંધ મા પડોશી પ્રેમી સાથે ગાયબ થઇ જતાં સમગ્ર કાવતરાથી અજાણ અને દિકરો બિમારીથી જ મૃત્યુ પામ્યાનું સમજતાં પતિને દાળમાં કંઇક કાળુ લાગતાં ગોંડલ સીટી પોલીસમાં અરજી કરી હતી. આ અરજીની તપાસમાં ચોંકવનારા હત્યાના કાવત્રાનો પર્દાફાશ થયો છે. સવા મહિના પહેલાની હત્યાની ઘટનામાં આજે બપોર બાદ પોલીસ દાટી દેવાયેલા બાળકના મૃતદેહને બહાર કાઢી આગળ કાર્યવાહી કરશે.

સમગ્ર ઘટનાની વિગતો જોઇએ તો ગોંડલ રહેતાં હિતેષ પટેલના પાંચ મહિનાના પુત્રનું તા. ૧૯/૨/૨૧ના રોજ મૃત્યુ થયું હતું. એ પછીના છ દિવસ બાદ તેની પત્નિ અમિષા અને બાજુમાં રહેતો મુન્નો ગાયબ થઇ ગયા હતાં. શોધખોળ કરવા છતાં પત્તો ન મળતાં અને દિકરાના મોતના છ દિવસ બાદ જ પત્નિ જતી રહી હોઇ હિતેષને શંકા ઉપજતાં તેણે ગોંડલ સીટી પોલીસમાં એક અરજી કરી હતી. પોલીસે ઘટનાને ગંભીર ગણી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

હિતેષે પોલીસને જણાવ્યું હતું કે પોતે ડ્રાઇવીંગ કામ કરતો હોઇ જેથી મોટે ભાગે બહારગામ જ રહેવાનું થાય છે. એક વર્ષ પહેલા તેણે રાજકોટ માંડા ડુંગર પાસે રહેતી અમિષા (કોળી) સાથે મૈત્રી કરાર કર્યા છે અને એક દિકરો જન્મ્યો હતો જે પાંચ મહિનાનો હતો. પોતે ડ્રાઇવીંગના કામ માટે મોટે ભાગે બહાર રહેતો હોઇ પડોશમાં રહેતાં મુન્નાને ભલામણ કરી હતી કે તારી ભાભીને કંઇ ઘરનું કામકાજ હોય કે કંઇ ચીજવસ્તુઓ લેવી હોય તો તું મદદ કરજે. એ પછી પોતે ઘરે ન હોય ત્યારે પત્નિ અમિષાને કંઇ કામ હોય તો તે મુન્નાને બોલાવતી હતી. આ દરમિયાન એ બંને વચ્ચે શું રંધાયુ હતું તેની પોતાને ખબર નહોતી.

દિકરાના મોતના છઠ્ઠા દિવસે જ જનેતા અને પડોશી મુન્નો ગાયબ થઇ ગયા હોઇ પોલીસને પણ અજુગતુ લાગ્યું હતું અને અરજીની ગંભીરતાથી તપાસ શરૂ કરી હતી. એકાદ મહિનાની તપાસને અંતે અમિષા અને તેની સાથે ભાગેલા મુન્નાને પરમ દિવસે શોધી કાઢ્યા હતાં. આ બંનેએ પહેલા તો પોતે કંઇ જ જાણતા ન હોવાનું અને બાળકનું બિમારીથી જ મોત થયાનું રટણ કર્યુ હતું. પરંતુ વિશેષ પુછતાછ થતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ અમિષા ઘરના કામ માટે પતિની ગેરહાજરીમાં મુન્નાને બોલાવતી હોઇ વારંવારના આ ક્રમને કારણે તેણીને મુન્ના સાથે આંખ મળી ગઇ હતી. જો કે મુન્નાએ પોતે બાળક સાથે નહિ અપનાવે તેવું કહેતાં અમિષાએ પ્લાન ઘડ્યો હતો અને મુન્નાને વાત કરી ૧૮/૨/૨૧ના રોજ ઘઉંમાં રાખવાની ઝેરી દવાના ટીકડા તેના મારફત મંગાવી લીધા હતાં.

એ પછી બીજા દિવસે ૧૯મીએ સવારે અમિષાએ પતિને દિકરાને તાવ આવે છે અને બિમાર છે, રાજકોટ બતાવવા જવું પડશે તેવી વાત કરી હતી. હિતેષને ગાંધીનગરનુ ભાડુ હોઇ તે પુત્રને રાજકોટ બતાવી આવવાનું કહી રૂ. પાંચસો આપી રવાના થઇ ગયો હતો. બીજી તરફ પ્લાન મુજબ અમિષા દિકરાને લઇને રાજકોટ માંડા ડુંગર પાસે માવતરે પહોંચી હતી. અહિ તેણે સવારે દિકરાને દૂધમાં ભેળવી ઝેરી દવાનો ભુક્કો પીવડાવ્યો હતો. એ પછી સાંજે ફરીથી આવુ જ કરી બે ડોઝ આપ્યા હતાં.

દિકરો બેભાન થઇ જતાં તેને અમિષા સિવિલ હોસ્પિટલે લાવી હતી. અહિ તબિબે તેને મૃત જાહેર કરતાં તેણીએ બાળક બિમાર હતું અને પોસ્ટ મોર્ટમ નથી કરવું એવી આજીજી કરી હતી અને ત્યાંથી બાળકનો મૃતદેહ લઇ નીકળી ગઇ હતી. એ પછી પતિને ફોન કરી જાણ કરી હતી કે દિકરાને તાવ હતો, રાજકોટમાં બાટલા ચડાવ્યા છે પણ તે બચી શકયું નથી. આ વાત થયા બાદ પોતે લાશ લઇને ગોંડલ પહોંચી હતી અને પ્રેમી મુન્ના સાથે મળી લાશને ગોંડલમાં જ દફનાવી દીધી હતી.

બીજી તરફ હિતેષ પણ દિકરાનું બિમારીથી મોત થયાના વાવડ સાંભળી તાબડતોબ ગોંડલ પહોંચી ગયો હતો. તે સમગ્ર કાવત્રાથી અજાણ હતો. એ પછી દિકરાના મોતના છઠ્ઠા દિવસે પત્નિ અને મુન્નો ગાયબ થઇ જતાં સમગ્ર ઘટના તેને શંકાસ્પદ લાગી હતી અને ગોંડલ સીટી પોલીસમાં અરજી કરી હતી. આ અરજીના આધારે ભેદ ખુલ્યો છે.

અમિષાએ ઝેરી ટીકડીઓ રાજકોટમાં માંડા ડુંગર વિસ્તારમાં માવતરના ઘરે પીવડાવી હોઇ જેથી હવે પછીની ઘટનાની તપાસ આજીડેમ પોલીસ મથકના પીઆઇ વી. જે. ચાવડા, જાવેદભાઇ રિઝવી, સ્મીતભાઇ વૈશ્વાણી સહિતનો સ્ટાફ આગળ તપાસ કરશે.

બપોર બાદ ગોંડલમાં જે જગ્યાએ બાળકનો મૃતદેહ દફનાવાયો છે ત્યાં સ્થાનિક પોલીસને સાથે રાખી એસડીએમની હાજરીમાં આજીડેમ પોલીસ મૃતદેહ બહાર કઢાવી રાજકોટ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે ખસેડશે અને આગળ કાર્યવાહી કરશે. આ ઘટનાને ચકચાર મચાવી દીધી છે.

અમિષાનું હિતેષ સાથે ચોથુ ઘર

પ્રેમી માટે ફૂલડા જેવા પાંચ મહિનાના દિકરાને પતાવી દેનાર અમિષાનું ગોંડલના હિતેષ સાથે ચોથુ ઘર છે. એ પછી તેને ત્યાં પડોશમાં રહેતાં મુન્ના સાથે પ્રેમ થઇ ગયો હતો અને તેના કારણે દિકરાને પતાવી દીધાની વિગતો ખુલતાં આ તે કેવી મા? એવા સવાલો ઉભા થયા છે.

(1:21 pm IST)
  • વડોદરાના અતલાદરા ખાતે બીએપીએસ મંદિરના મધ્યસ્થ ખંડમાં ૫૦૦ બેડનું કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવશે : તંત્રને સભાગૃહ સોંપી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો access_time 3:53 pm IST

  • ટી-૨૦ વર્લ્ડકપ ભારતમાં જ યોજાશે : બેકઅપ પ્લાન પણ તૈયારઃ આઇસીસીના વચગાળાના સીઇઓ જ્યોફ એલાર્ડિસે જણાવ્યું હતું કે ભારતમાં ટી-૨૦ વર્લ્ડકપ રાબેતા મુજબ યોજાવવાનો છે અને તેના માટે તેની પાસે બેક-અપ પ્લાન તૈયાર છે. હાલના તબક્કે ટી-૨૦ વર્લ્ડકપ ભારતમાં જ યોજવા આયોજન access_time 12:21 am IST

  • રાજકોટ મહિલા ભાજપ અગ્રણી કાશ્મીરાબેન નથવાણી સહિત તેમના પૂરા પરિવારને વળગ્યો કોરોના : તેમના પતિ બકુલભાઈ, બન્ને પુત્રો, પુત્રવધુ સહિત બાળકો પણ કોરોના સંક્રમિત થતા પરિવારમાં હડકંપ મચી ગયો access_time 11:39 pm IST