Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

કર્ફયુનો ભંગ કરનારાઓને શોધવા ડ્રોન કેમેરાનો ઉપયોગ વધારતી પોલીસઃ ૧૨ કેસઃ કુલ ૧૦૮ કેસ

ઇમર્જન્સી વગર બહાર ન નીકળવા, નિયમોનું પાલન કરવા પોલીસ કમિશનર અગ્રવાલનો વધુ એકવાર અનુરોધ

રાજકોટ તા. ૯: કોરોનાને કારણે કર્ફયુનો સમય સાંજે ૮ થી સવારના ૬ કરવામાં આવ્યો હોઇ બુધવાર સાંજથી જ નવા નિયમનો અમલ પોલીસે શરૂ કરાવ્યો હતો. પરંતુ સાંજે આઠ વાગ્યે ઠેકઠેકાણે ટ્રાફિકજામ થયો હતો. ગઇકાલે જ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે સાંજે સાત વાગ્યે ટ્રાફિક સિગ્નલો બંધ કરી દેવામાં આવશે તેવું સુચન કર્યુ હતું. આમ છતાં બીજા દિવસે એટલે કે ગુરૂવારે સાંજે પણ અનેક ઠેકાણે ટ્રાફિકજામની સમસ્યા ઉભી થઇ હતી. કેસરી પુલથી સિવિલ હોસ્પિટલ ચોક સુધીના બંને તરફના રસ્તા પર ભારે ટ્રાફિકજામ થઇ ગયો હતો અને એક ૧૦૮ પણ ફસાઇ ગઇ હતી. અહિ ટ્રાયેન્ગલ બ્રીજનું કામ ચાલી રહ્યું હોઇ તે કારણે બંને તરફના અડધા અડધા રસ્તા ખોદી નખાયા છે. આ કારણે ટ્રાફિક જામની સમસ્યા વધુ વિકટ બની હતી. ટ્રાફિક પોલીસ અને વોર્ડને ટ્રાફિક કલીયર કરાવવા ભારે મહેનત કરવી પડી હતી. આમ છતાં ૧૦૮ દસેક મિનીટ સુધી ફસાઇ રહી હતી. કર્ફયુ ભંગ કરનારાઓને શોધવા પોલીસ મુખ્ય માર્ગો અને સોસાયટીઓમાં પણ પેટ્રોલીંગ કરે છે. અગાઉ લોકડાઉનમાં જે રીતે ડ્રોન કેમેરાનો ઉપયોગ વધારવામાં આવ્યો હતો તેમ ફરીથી ગત રાતથી  ડ્રોનનો ઉપયોગ વધારી દેવાયો છે. શહેર પોલીસ મુખ્ય એન્ટ્રી પોઇન્ટ તથા ચેકપોસ્ટ અને મુખ્ય ચાર રસ્તાઓ પર તો કડક ચેકીંગ કરે જ છે. પરંતુ શેરીઓ ગલીઓમાં બેસી રહેતાં, એકઠા થતાં કે ક્રિકેટ વોલીબોલ રમતાં શખ્સોને કર્ફયુ ભંગમાં પકડવા ડ્રોન કેમેરાનો ઉપયોગ વધારી દેવાયો છે.

આ રીતની કામગરીમાં તાલુકા પોલીસે ૦૪ કેસ, યુનિવર્સિટી પોલીસે ૦૩ કેસ, બી-ડિવીઝન પોલીસે ૦૩ અને એ-ડિવીઝન પોલીસે ૦૨ મળી ૧૨ કેસ ડ્રોન કેમેરાથી શોધી કાઢી કર્ફયુ ભંગની કાર્યવાહી કરી હતી. આ સિવાયના મળી કુલ ૧૦૮ કેસ કરવામાં આવ્યા છે.  પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે વધુ એક વખત અપિલ કરી છે કે શહેર પોલીસ આપની સુરક્ષા માટે કટીબધ્ધ છે. કોરોના સંક્રમણ અટકાવવા કર્ફ્યુના નિયમોનું પાલન કરવું એ દરેક નાગરિકની ફરજ છે. ઇમર્જન્સી કામ વગર બહાર ન નીકળી ઘરમાં જ સુરક્ષીત રહેવા તેમણે અનુરોધ કર્યો છે.

(12:49 pm IST)