Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

કલેકટર કચેરીમાં ફરી પાસ માટે ટોળાઃ ગઇકાલે ફોર્મ ભર્યા એને પણ પાસ નથી મળ્યાઃ અરાજકતા-અધાંધૂધી...

પાસ કઢાવવા લોકો આવ્યા જ રાખે છેઃ દર પ મીનીટે પ્રજા-પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો... : ગઇકાલે ૧ દિ' સ્થિતિ શાંત રહીઃ આજે ફરી સ્થિતિ જૈ સે થેઃ ટોળા-લાઇનો હોય લોકડાઉનનો ખૂલ્લેઆમ ભંગ

રાજકોટ તા. ૯ :.. રાજકોટ કલેકટર કચેરીમાં આજે ફરી પાસ માટે ટોળાશાહી - લાંબી લાઇનો લાગી ગઇ હતી, ગઇકાલે ૧ દિ' શાંતિ રહી, પરંતુ આજે ફરી ટોળા ઉદભવ્યા હતાં. જુદા જુદા પ્રકારના પાસ માટે વેપારીઓ લોકો સતત આવ્યા જ રાખે છે, જનસેવા કેન્દ્ર બહાર આજે પણ બપોરે ૧ર વાગ્યે લાઇનો જોવા મળી હતી.

અધુરામાં પુરૂ ગઇકાલે ૩૦૦ થી ૪૦૦ લોકોના ફોર્મ લેવાયા - તેનું ચેકીંગ એડી. કલેકટર દ્વારા કરાયું, પરંતુ આજે બપોરે ૧ર સુધી ગઇકાલે ફોર્મ ભરનારના પાસ ઇસ્યુ ન થતા આમાંથી પણ ઘણાખરા આજે નવી કલેકટર કચેરીએ દોડી આવતા અરાજકતા - અધાંધૂંધી જેવુ વાતાવરણ સજાર્યુ હતું.કલેકટર કચેરીનાં પાછળના ભાગે કે જયાં એન્ટ્રી પોઇન્ટ છે, ત્યાં અને જનસેવા કેન્દ્ર બહાર એમ બંને સ્થળે સંખ્યાબંધ પોલીસ કર્મચારીઓ છે, હથીયારબંધ પોલીસ બંદોબસ્ત છે.

પણ લોકો સતત આવ્યા જ રાખે છે. લોકો પોલીસ અને જનસેવા કેન્દ્રના કર્મચારી -અધિકારીઓને દર પ મીનીટે ઘષર્ણ સર્જાય છે, હાઇલેવલ અધિકારીઓ કાં તો સદંતર પાસ બંધ કરી દે અથવા તો અસરકારક વ્યવસ્થા ગોઠવે તે જરૂરી બની ગયું છે, ટોળા - લાઇનો હોય લોક ડાઉનનો ખૂલ્લેઆમ ભંગ કલેકટર કચેરીમાં જ જોવા મળી રહ્યો છે, તંત્રે તાકીદે વિચારવુ જરૂરી બની ગયું છે.

(3:57 pm IST)