Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

મેંગો માર્કેટ પાસે મંગેતરની છેડતી મામલે કોળી યુવાન સુરેશની હત્યામાં પાંચ શખ્સો પકડાયા

ગત ર૧ મીએ નવાગામ રંગીલા પાર્કના કોળી યુવાનને સમાધાન કરવા પાંચેયને બોલાવી હુમલો કર્યો હતોઃ કમલેશ ઉર્ફે કમો, સંદીપ ઉર્ફે ગાંડો, સંજય ઉર્ફે ચોટી, જય ઉર્ફે જે.કે.અને અજય ઉર્ફે મહારાજની ધરપકડ

રાજકોટ, તા., ૯: કુવાડવા રોડ પર મેંગો માર્કેટ પાસે ગત ર૧ના રોજ મંગેતરની છેડતી પ્રશ્ને થયેલી પોલીસમાં અરજીનો ખાર રાખી કોળી યુવાનને સમાધાન કરવાના બહાને બોલાવી બે ભરવાડ સહીત પાંચ જેટલા શખ્સોએ હમલો કર્યા બાદ કોળી યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ  હત્યામાં પલ્ટાયો હતો. આ બનાવમાં બી ડીવીઝન પોલીસે ગઇકાલે બે ભરવાડ બંધુ સહીત પાંચ શખ્સોની ધરપકડ કરી છે.

મળતી વિગત મુજબ નવાગામ રંગીલા પાર્કમાં શીતળા માતાના ઓટાની બાજુમાં રહેતા સુરેશ ભોયાભાઇ જાડા (ઉ.વ.ર૪) ને ગત તા.ર૧-૩ના રોજ અગાઉ મંગેતરે છેડતી મામલે પોલીસમા કરેલી અરજી પ્રશ્ને કમલેશ ભરવાડ તથા સ઼જય સહીતના શખ્સોએ સમાધાન કરવાના બહાને બોલાવી કોળી યુવાન સાથે ઝઘડો કરી લોખંડના પાઇપ અને ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો. બાદ કોળી યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસ મથકમાં કમલેશ તથા સંજય વિરૂધ્ધ ફરીયાદ થઇ હતી. દરમ્યાન કોળી યુવાન સુરેશ જાડાનું તા. ર૮ના રોજ સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસ મથકના પીઆઇ ફર્નાન્ડીસ તથા રાઇટર ચંદ્રસિંહ અને વિજયગીરીએ પાંચ શખ્સો વિરૂધ્ધ આઇપીસી ૩૦રની કલમનો ઉમેરો કરી તપાસ હાથ ધરી હતી. બાદ આ બનાવમાં પીઆઇ ફર્નાન્ડીસ તથા પીએસઆઇ એમ.એફ.ડામોર તથા ચંદ્રસિંહ અને વિજયગીરી સહીતે નવાગામ આણંદપરના કમલેશ ઉર્ફે કમો રામજીભાઇ સીંધવ (ઉ.વ.રપ) તેનો ભાઇ સંજય ઉર્ફે ચોટી રામજીભાઇ સીંધવ (ઉ.વ.ર૧) સંદીપ ઉર્ફે ગાંડો સાદુરભાઇ કાહોદીયા (ઉ.વ.રપ) જય ઉર્ફે  જે.કે. કિશોરભાઇ ગરચર (ઉ.વ.૧૯) અને અનય ઉર્ફે મહારાજ જીણાભાઇ દુધરેજીયા (ઉ.વ.રર)ની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

(3:44 pm IST)