Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

ગુજરાત સરકાર ગોટે ચડી

રાજકોટના વૃધ્ધા સહિત ૧૪ દર્દીઓને ચેપ આખરે કઇ રીતે લાગ્યો? કારણ મળતુ નથી

અમદાવાદ,તા.૯:રાજયમાં બુધવાર સુધી નોંધાયેલા ૧૮૬ કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી ૧૪ કેસ એવા છે કે જે સરકાર માટે ચિંતાજનક સાબિત થઈ રહ્યા છે. અત્યારસુધી નોંધાયેલા ૧૮૬ દર્દીઓમાંથી ૧૨૧દ્ગચ લોકલ ટ્રાન્સમિશનથી આ વાયરસનો ચેપ લાગ્યો છે, અને ૩૨ ફોરેન ટ્રાવેલ જયારે ૩૩ દર્દી ઈન્ટરસ્ટેટ ટ્રાવેલની હિસ્ટ્રી ધરાવે છે. જોકે, આ સિવાયના ૧૪ કેસ એવા છે કે જેમને કયાંથી ચેપ લાગ્યો તે શોધી શકાયું નથી.

રાજયમાં એવા ૩૦ દર્દી હોઈ શકે છે કે જેમને કોરોનાનો ચેપ કયાંથી લાગ્યો તેનું ચોક્કસ કારણ નથી શોધી શકાયું. જેમાં કેરિયર્સનો પત્ત્।ો નથી લાગી શકયો તેવા કેસની સંખ્યા અમદાવાદમાં ૭ થાય છે.

જેમાં સૌથી પેચીદો કેસ ૫૯ વર્ષીય ડો. વત્સલા વોરાનો છે. તેમના પતિનો રિપોર્ટ ૨૭ માર્ચે નેગેટિવ આવ્યો હતો. તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી પણ નથી. અમદાવાદમાં આવા જ કેસ નવરંગપુરાના મુકેશ શાહ અને આંબાવાડીના નિતીન શાહનો છે. તેવી જ રીતે, કોરોનાથી મોતને ભેટેલા ગોમતીપુરના મોહમ્મદ હુસૈન સૈયદ અને યાસ્મિન પીપલવાલાને કઈ રીતે ચેપ લાગ્યો તે હજુ સુધી શોધી શકાયું નથી.

આણંદમાં પણ કોઈ પ્રકારની ટ્રાવેલ હિસ્ટ્રી ના ધરાવતા વ્યકિતને કોરોનાનો ચેપ લાગ્યો છે. તેમના પરિવારના ૧૨ સભ્યોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જામનગરમાં મોતને ભેટેલા ૧૪ મહિનાના બાળકને પણ કઈ રીતે કોરોનાનો ચેપ લાગ્યો તે શોધી શકાયો નથી. તેના માતા-પિતાના એકથી વધુ સેમ્પલ લેવાયા છે, પરંતુ તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

રાજકોટમાં પણ ૭૬ વર્ષીય મહિલાએ વિદેશ કે કોઈ આંતરરાજય પ્રવાસ ના કર્યો હોવા છતાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બીજા દિવસે તેમના દીકરાને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. જોકે, તેમના પરિવારના અન્ય છ સભ્યોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

અમદાવાદ પછી સૌથી વધુ કેસ ધરાવતા સુરતમાં પણ ત્રણ દર્દીઓને કઈ રીતે ચેપ લાગ્યો તે શોધી શકાયું નથી. ભાવનગરમાં પણ જેસર ગામની ૪૫ વર્ષીય મહિલનો ૩૦ માર્ચે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને એ જ દિવસે તેમનું મોત થયું હતું. તેમની પણ કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નહોતી. તેમના પતિ સુરત ગયા હતા, પરંતુ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

(11:03 am IST)